જોધપુર ૮ વર્ષની ઉંમરે સિક્સ પેક એબ્સ ધરાવતી પૂજા એશિયાની પ્રથમ એથ્લીટ

Tuesday 24th December 2019 06:19 EST
 
 

જોધપુર: જોધપુરના નાનકડા ગામની રહેવાસી પૂજા બિશ્નોઈ (ઉં. ૮)નાં ફોટોઝ જોઈને સૌ કોઈના મગજમાં પ્રશ્ન ઉદ્દભવે છે કે આટલી નાની ઉંમરમાં આ કેવી રીતે શક્ય છે! પૂજાને સિક્સ પેક એબ્સ છે અને તે એશિયાની અને દેશની પ્રથમ છોકરી છે કે જેને આટલી નાનકડી ઉંમરમાં સિક્સ પેક એબ્સ છે. દેશવાસીઓ તેને ક્યૂટ એથ્લેટિક એન્જલ ઓફ ઈન્ડિયા કહે છે. પૂજાને ઓલિમ્પિક ચેમ્પિયન બનાવવા વિરાટ કોહલી ફાઉન્ડેશન મદદ
કરી રહ્યું છે. પૂજા બિશ્નોઈ રાજસ્થાનના જોધપુર શહેરમાં આવેલ ગુડા બિશ્નોઈ ગામની રહેવાસી છે.
નાનપણથી પૂજાને દોડવું ગમતું હતું, આ શોખે તેને અત્યાર સુધી અનેક મેડલ જીતાડ્યા છે. પૂજાના પિતા ખેડૂત છે અને તેની માતા હાઉસવાઈફ છે. પૂજાના કોચ બીજું કોઈ નહીં પણ તેના મામા જ છે. પૂજા બિશ્નોઈનું ટ્વિટર પર નોનવેરિફાઇડ અકાઉન્ટ છે. જેની પર તે પોસ્ટ મૂકતી રહે છે. સાત વર્ષની ઉંમરથી તેને સિક્સ પેક એબ્સ છે.
વર્ષ ૨૦૨૪ના ઓલિમ્પિકમાં પૂજાને દેશ માટે દોડની સ્પર્ધામાં દેશ માટે ગોલ્ડ મેડલ જીતવો છે. પૂજાને સ્પોર્ટ્સ સિવાય બીજા કોઈ શોખ નથી. તે બાકીના સમયમાં અભ્યાસ કરી લે છે. પૂજા હાલ શિવ શક્તિ યુપીએસ સ્કૂલમાં ભણે છે જ્યાં તેના મિત્રો તેને અત્યારથી ઓલિમ્પિક ચેમ્પિયન કહીને જ બોલાવે છે. પૂજાના રોલ મોડલ બીજા કોઈ નહીં પણ તેના મામા જ છે. તે આજે જે પણ છે તેનો શ્રેય તે મામાને જ આપે છે.
પૂજાની ડેઇલી રૂટિન પ્રેક્ટિસની વાત કરીએ તો તે રાત્રે ૩ વાગ્યે ઊઠી જાય છે અને ૭ વાગ્યા સુધી પ્રેક્ટિસ કરે છે. ત્યારબાદ બપોરે બે વાગ્યા સુધી ભણે છે. તે પછી બપોરના ૪ વાગ્યાથી રાત્રે ૮ વાગ્યા સુધી પ્રેક્ટિસ કરે છે. ભણવા માટે પૂજા કોઈ ટ્યુશનમાં જતી નથી. તે ટીવી જોવાની ઓછી શોખીન છે. પૂજાનાં માતા-પિતા તેને ખૂબ સપોર્ટ કરે છે એટલું જ નહીં તેનો નાનો ભાઈ પણ દીદીની જેમ એથ્લીટ બનવા માગે છે, તે હાલ ૪ વર્ષનો છે. પૂજા કહે છે કે, મને આશા છે કે, એક દિવસ અમે ભાઈ-બહેન ચોક્કસથી અમારા પેરેન્ટ્સ અને ગામનું નામ રોશન કરીશું. એથ્લેટિક એન્જલ ઓફ ઈન્ડિયાને ભવિષ્યમાં ઇન્ટરનેશનલ એથ્લીટ બનવું છે, તેને પણ યુસૈન બોલ્ટ જેટલી સફળતા મેળવવી છે. યુસૈનના નામ પર અત્યાર સુધી ૧૦૦ મીટર અને ૨૦૦ મીટરનો વર્લ્ડ રેકોર્ડ છે. પૂજાનું લક્ષ્ય દેશ માટે ગોલ્ડ મેડલ જીતવું છે, જેના માટે તે દિવસ-રાત અથાક મહેનત અને અવિરત પરસેવો પાડવા તૈયાર છે.


comments powered by Disqus