પરમ મિત્ર અને સમર્થક, વરિષ્ઠ પત્રકાર ભૂપતભાઇ પારેખની ચિરવિદાય...

સી. બી. પટેલ Monday 23rd December 2019 13:32 EST
 
 

વડીલો સહિત સહુ વાચક મિત્રો, મારી પ્રકાશક તરીકેની, પત્રકાર તરીકેની કારકિર્દીમાં સતત સક્રિય સંબંધ જાળવનાર અને સર્વ પ્રકારે સમર્થન આપનાર ભૂપતભાઇ ટૂંકી માંદગી બાદ સ્વર્ગે સિધાવ્યા. નામ પણ ભૂપત અને રાજા જેવો જ માણસ. તેમને કોઇની ખોટી સાડાબારી નહીં. ગુજરાતના અગ્રણી પત્રકાર અને અનેક ટીવી કાર્યક્રમોના ગણનાપાત્ર રાજકીય વિશ્લેષક. છેલ્લા ૫૦ વર્ષથી ગુજરાતના મુખ્ય પ્રધાનો, ગવર્નરો ઉપરાંત કંઇકેટલાય રાજકીય પક્ષના નેતાઓ - સામાજિક અગ્રણીઓ સાથે તેમનો ઘરોબો.
મોરબીથી ૨૦ વર્ષના એક યુવાને અમદાવાદ પહોંચીને પોતાને મનપસંદ એવા પત્રકારત્વ ક્ષેત્રે પ્રવેશ કર્યો. કંઇકેટલાય ચઢાવઉતાર જોયા. ૧૯૭૬માં મેં ‘ગુજરાત સમાચાર’ પ્રકાશનની જવાબદારી સ્વીકારી તે વેળા ઇંદિરા ગાંધીએ લાદેલી ઇમરજન્સી દેશમાં કાળો કેર વર્તાવી રહી હતી. આપણા બન્ને પ્રકાશનો ‘ગુજરાત સમાચાર’ અને New Life (આજના Asian Voiceનું પુરોગામી)એ રાજકીય સરમુખત્યારશાહી સામે જંગ માંડ્યો હતો. તે ગાળામાં હું અમદાવાદ જઇ પહોંચ્યો.
કોલેજકાળ દરમિયાન બ્રહ્મકુમાર ભટ્ટ, પ્રબોધ રાવળ, હરિહર ખંભોળજા, અશોક ભટ્ટ વગેરે સાથે મારો સહેજસાજ પરિચય. આથી અમદાવાદ મુલાકાત દરમિયાન આ નેતાઓને મળવાનું થાય. ગુજરાતના મુખ્ય પ્રધાન પદે બાબુભાઇ જશભાઇ પટેલ હતા. બ્રહ્મકુમાર ભટ્ટ કોંગ્રેસના અગ્રણી નેતા હતા અને પત્રકારોને મળવાનું થાય ત્યારે ભદ્રમાં આવેલા સરદાર ભવનના સભાખંડમાં બેઠક યોજતા.
આવી જ એક પત્રકાર પરિષદ વેળા મને પણ બોલાવ્યો હતો. સભાખંડમાં બેઠેલા પત્રકારો સાથે વાર્તાલાપ દરમિયાન બ્રહ્મકુમાર ભટ્ટે મારો પરિચય આપ્યો. બ્રહ્મકુમાર ભટ્ટે કહ્યું કે લંડન જાવ તો સી.બી.ની મહેમાનગતિ માણજો, અવશ્ય ગમશે. મેં પણ કહ્યું કે લંડન આવો તો ચોક્કસ મારો કોન્ટેક્ટ કરજો... તરત જ એક આખાબોલા યુવાન પત્રકારે ઉભા થઇને કહ્યું કે આવી રીતે તો ઘણા આવ્યા અને ઘણા ગયા, ત્યાં પાછા પહોંચ્યા પછી બધા ભૂલી જતા હોય છે. મેં તરત જ તેમને કહ્યું કે બીજા બધાની વાત છોડો, આ લ્યો મારો ફોન નંબર... લંડન આવો તો જરૂર મારો કોન્ટેક્ટ કરજો ને અનુભવે નક્કી કરજો. આ યુવાન પત્રકાર એટલે ભૂપતભાઇ. આ મારો તેમની સાથેનો પહેલો પરિચય.
સંજોગવશાત્ થોડાક જ મહિના બાદ ભૂપતભાઇને બ્રિટન પ્રવાસે આવવાનું થયું. માંચેસ્ટરમાં રહેતા તેમના સાળા જયેન્દ્રભાઇને ત્યાં ઉતારો. મારા નંબર તો તેમની સાથે હાથવગે નહોતા, પરંતુ મૂળે તો પત્રકારજીવને?! ખાંખાખોળા કરીને મારો કોન્ટેક્ટ શોધ્યો. તે વેળા આપણું કાર્યાલય ચિઝિકમાં હતું. આવ્યા, મળ્યા. તે વેળા ગુજરાતના બહુ ઓછા પત્રકારો લંડન પ્રવાસે આવતા. તેમના માનમાં સન્માન સમારંભ યોજ્યો, જેથી વિવિધ ક્ષેત્રના મહાનુભાવો સાથે પરસ્પર પરિચય થઇ શકે. સમારંભમાં રતિલાલ ચંદેરિયા, મનુભાઇ માધવાણી, સર જે. કે. ગોહિલ, યોગાનુયોગ તે વેળા લંડન પ્રવાસે આવેલા ‘મુંબઇ સમાચાર’ તંત્રી અને મોટા ગજાના આદરણીય પત્રકાર જેહાન દારૂવાલા સહિત સોએક લોકોનો મેળાવડો કાર્યાલયમાં રાખ્યો હતો.
ભૂપતભાઇએ સુંદર વક્તવ્ય આપ્યું. કેટલાય અગ્રણીઓ સાથે તેમનો સંબંધ - સંપર્ક થયો. બસ... તે દી’ની ઘડીને આજનો દી’ ભૂપતભાઇના માધ્યમથી પારેખ પરિવાર સાથે અતૂટ નાતો બંધાયો છે.
‘ગુજરાત સમાચાર’એ અમુક કામગીરી લંડનથી ભારત ખસેડવાનું નક્કી કર્યું તો ભૂપતભાઇ તેમાં પણ મદદરૂપ થયા. ત્યારથી માંડીને અત્યાર સુધી તેમણે માર્ગદર્શક અને સલાહકાર તંત્રી તરીકે જવાબદારી નિભાવી. શાલિભદ્ર સંકુલ ખાતે આવેલા આપણા કાર્યાલયને હું પારેખ પરિવારની કાયમી ભેટ તરીકે ગણું છું. શહેરના હાર્દસમાન નેહરુનગર જેવી મોકાની જગ્યાએ તેમણે અદ્યતન ઓફિસ પસંદ કરી. તેને અત્યાધુનિક સાધન-સુવિધાથી સજ્જ કરી. આ બધી જ જવાબદારી તેમણે મિત્રભાવે નિભાવી. આ કાર્યાલયનું ઉદ્ઘાટન પારેખ પરિવારની ચાર પેઢીએ કર્યું હતું. ભૂપતભાઇના માતુશ્રી શાંતાબા, ભૂપતભાઇ - સૌ. સરલાબહેન, પુત્ર ડો. ભાવેશભાઇ - પુત્રવધૂ ડો. ઉર્વિબહેન અને ચિ. ઋષિલે રિબન કાપીને કાર્યાલયમાં પ્રથમ પગ માંડ્યા હતા. અને ત્યારથી અત્યાર સુધી ભૂપતભાઇ એબીપીએલ ગ્રૂપના તમામ પ્રકાશનોના વિકાસમાં, આગેકૂચમાં અમૂલ્ય યોગદાન આપતા જ રહ્યા.
૪૩ વર્ષના સંબંધોની સરવાણી સદા સત્વશીલ અને સકારાત્મક રહી. અમારા પરિવારના નાના-મોટા પ્રસંગોએ તેઓ અહીં આવે કે તેમના પ્રસંગોએ હું ત્યાં હાજર રહું. આવા સુખદ સંસ્મરણો આજીવન યાદ રહેશે.
ભૂપતભાઇનો એક આગવો પ્રભાવ હતો. આમ આદમીથી માંડીને ટોચના સ્થાને બેઠેલા લોકો સાથે તેમનો સીધો સંપર્ક હતો. ભૂપતભાઇ કર્મઠ હતા. કામ કરવું અને કામ લેવું તેમનો જીવનમંત્ર હતો. નિડર - સ્પષ્ટવક્તા અને પ્રસંગોપાત કડક અને કઠોર પણ ખરા. પરંતુ સાથેસાથે એ પણ કહીશ કે વજ્રદાપિ કઠોરાણિ... સંસ્કૃત સુભાષિત તેમને એકદમ લાગુ પડે. તેઓ વજ્ર જેવું કઠોર મનોબળ છતાં કુસુમ જેવું કોમળ હૃદય ધરાવતા હતા. આ વાત મેં નજરે નિહાળી છે. ભૂપતભાઇએ સરલાબહેનની કરેલી સેવાનો હું સાક્ષી છું. તેમના પત્ની સરલાબહેનની તબિયત ઠીક ઠીક લાંબા સમય માટે નાદુરસ્ત રહી ત્યારે ભૂપતભાઇ અને તેમના પુત્ર-પુત્રવધૂ, દીકરીઓએ જે કાળજી લીધી હતી તે કોઇને પણ પ્રભાવિત કરી દે તેવી છે. લદાખ હોય, યુરોપ હોય, સિંગાપોર હોય કે લક્ષદ્વીપ કે પછી કેન્યા - પૂર્વ આફ્રિકાનો પ્રવાસ હોય... તમામ સ્થળે પિતા-પુત્ર બન્ને સરલાબહેનને શ્રવણની જેમ સાથ આપતા રહ્યા. આ એક તેમના જીવનનું અંતરંગ પાસું હતું.
આ ઉપરાંત તેમને શિક્ષણ પ્રત્યે ખાસ અનુરાગ હતો. ત્રણેય સંતાનો બિના, ભાવેશ અને ગિરાને ઉચ્ચ સુશિક્ષિત બનાવ્યા, સમાજ પરસ્ત બનાવ્યા. આજે ડો. ભાવેશ ગુજરાતના અગ્રણી ઓન્કોલોજિસ્ટ ગણાય છે. તો ઉર્વિબહેન ડાયાબિટોલોજિસ્ટ છે. પુત્ર અને પુત્રવધૂ - બન્નેની કારકિર્દી માટે ભૂપતભાઇનું સર્વક્ષેત્રે અનુદાન રહ્યું છે તેનો હું સાક્ષી છું. અમે હજુ હમણાં સુધી નિયમિત મળતા રહ્યા. એટલું જ નહીં, પણ દર થોડાક દિવસના અંતરે તેમની સાથે થતો સર્વક્ષેત્રીય સંવાદ આજીવન સંભારણું છે.
ભૂપતભાઇ જ્યારે મારા જીવન અને કાર્યમાં પ્રવેશ્યા ત્યારે અમે તો પ્રકાશન ક્ષેત્રે પા-પા પગલી ભરતા હતા. આજે અનેકાનેકના સાથસહયોગ, આશીર્વાદથી આપણા પ્રકાશનો યથામતિ-યથાશક્તિ સમાજસેવાને પ્રાધાન્ય આપી રહ્યા છે. અને તેમાં સૌથી દીર્ઘ સથવારો મળ્યો છે - સંનિષ્ઠમિત્ર ભૂપતભાઇ ટોકરશીભાઇ પારેખ અને તેમના પરિવારનો. સૌને જય જીનેન્દ્ર, ૐ નમઃ શિવાય.

•••

આપ સહુના ઉષ્માભર્યા પ્રતિભાવની અપેક્ષા સહ... 

વડીલો સહિત સહુ વાચક મિત્રો, આ અંક સાથે ૨૦૧૯નું વર્ષ પૂરું થઇ રહ્યું છે. આપ સહુ માનવંતા વાચકો સમક્ષ કેટલાક મુદ્દા સંક્ષિપ્તમાં રજૂ કરી રહ્યો છું. કૃપા કરીને આપ તે વિશે વિચારશો. થોડુંક મંથન કરશો અને આપના પ્રતિભાવ મને લખી મોકલશો તો નવા વર્ષમાં મને ખૂબ ઉપયોગી બનશે. મારું એક પ્રિય સૂત્ર છે - રામ કી ચિડિયા, રામ કા ખેત... ચાલો, આપણે અદકી રીતે સંવાદ કરીએ.
• વીતેલા વર્ષના સુખદુઃખના સંસ્મરણો વાગોળીને મનનો ઉભરો કાઢી નાંખીએ. લેસ લગેજ, મોર કમ્ફર્ટ. દિલોદિમાગમાં ઉપાધિ, ઉચાટ, કચવાટના બિસ્તરાં-પોટલાં જેટલા ઓછા હશે તેટલો જ જીવનપ્રવાસ સરળ-સહજ અને આનંદ-ઉલ્લાસભર્યો બની રહેશે. આખરે તો સુખ કે દુઃખ એ તો આપણી મનોસ્થિતિનું પ્રતિબિંબ જ છેને?
• બ્રિટિશ ભારતીયોનું રાજકારણ અને જાહેરજીવનમાં સ્થાન અને સંભાવના.
• સનાતન સંસ્કૃતિની સારસંભાળ માટે અને પ્રસંગ આવ્યે જોરદાર રજૂઆત માટે શું આવશ્યક છે? આપ તેમાં કઇ રીતે સહયોગ આપી શકો?
• ભારત-બ્રિટન સંબંધોના તાણાવાણા વધુ સુદૃઢ કરવા આપણે શું કરી શકીએ?
• ૨૫૦૦ વર્ષના લાંબા અરસા દરમિયાન વિશ્વમાં યહૂદીઓની સીતમભરી રઝળપાટ થઇ. આજના વિશ્વમાં એક નિડર, શક્તિસભર, અને સાંગોપાંગ કહી શકાય તેવો સમાજ કઇ રીતે સર્જાયો? તેમાંથી આપણે શું પ્રેરણા મેળવી શકીએ?
• આપણું આરોગ્ય આપણા હાથમાં, આહાર એ જ ઔષધ છે તેવું વેદકાળથી કહેવાતું રહ્યું છે. નાની-મોટી બીમારી વખતે દવાની જરૂર પડે તો તેને દવા તરીકે જ લેવાય, દવાના ડોઝમાં મનઘડંત ફેરફાર કરવાથી કે પીડા શમાવવા તેનો ડોઝ જાતે જ વધારી દેવાથી શરીરને લાભ કરતાં નુકસાન વધુ થાય કે નહીં?
અહીં ટાંકેલા મુદ્દાઓ સિવાય પણ આપની મનોસૃષ્ટિમાં જે કંઇ પણ વિચાર રમતા-ભમતા હોય તે વિશે મને ગુજરાતી કે અંગ્રેજી ભાષામાં લખી જણાવશો. આપ પોસ્ટ કે ઇમેઇલથી પ્રતિભાવ મોકલી શકો છો. આપ સહુએ મોકલેલી માહિતી મને ઘણી ઉપયોગી થશે. અને આપ સહુ તો જાણો જ છો કે મને જે કંઇ મળે છે તે હું હંમેશા ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે પરત કરતો રહ્યો છું, અને ભવિષ્યમાં પણ પરત કરતો રહીશ.
આદરણીય વાચક મિત્રો અને સમર્થકો, પરમ કૃપાળુ પરમાત્માની અસીમ કૃપા અને આપના અનેકવિધ સહયોગ અને આશીર્વાદ થકી જ આપની આ પ્રકાશન સંસ્થા હેમખેમ છે તેનો આભાર ન માનવો અજુગતું કહેવાય. આપના આશીર્વાદ નવા વર્ષમાં અને ભવિષ્યમાં પણ અમારા પર આ જ રીતે વરસતા રહેશે તેવી પ્રભુપ્રાર્થના સહ... (ક્રમશઃ)


comments powered by Disqus