BAPSના વડા પૂ. મહંત સ્વામી હાલ મુંબઈમાં દાદર ખાતે બિરાજમાન છે. સંતો અને હરિભક્તો દરરોજ તેમના પૂજા દર્શન અને આશીર્વાદનો લાભ લઈ રહ્યા છે. ૧૭મીને મંગળવારે પૂજા દર્શન બાદ આશીર્વચનમાં તેમણે કહ્યું,‘ ભગવાનના ભક્તે ભગવાનને તથા (અન્ય) ભક્તને ન ગમતું હોય તે ન જ કરવું.’ ૧૮મીએ પૂ. મહંત સ્વામીએ પૂજા દર્શન બાદ આશીર્વાદ આપતા કહ્યું,‘ ભગવાન રાજી થાય એટલું જ મનમાં રાખવું, બીજું કાંઈ રાખવું નહીં.’ ૧૯મીએ સવારે પૂજા દર્શન બાદ પૂ. મહંત સ્વામીએ આશીર્વચનમાં કહ્યું,‘ સત્પુરુષના વચનમાં વિશ્વાસ અને પ્રીતિ હોવા જોઈએ કે મારું ભલું જ કરશે.’ ૨૦મીને શુક્રવારે સવારે પૂજા દર્શન બાદ પૂ. મહંત સ્વામીએ આશીર્વાદ પાઠવતા કહ્યું,‘ આપણે તો અક્ષરધામમાં જ બેઠાં છીએ તેમ જ માનવાનું.’ ૨૧મીએ તાજેતરમાં યોજાયેલા પૂ. પ્રમુખ સ્વામીના ૯૮મા જન્મજયંતી મહોત્સવ દરમિયાન જે બાળકો કિશોરોએ નૃત્ય રજૂ કર્યું હતું તેમણે સવારની પૂજા પછી પૂ. મહંત સ્વામીની ઉપસ્થિતિમાં સ્વાગત નૃત્ય કર્યું હતું. જૈન સંપ્રદાયના શ્રીમદ રાજચંદ્ર મિશનના રાકેશ મહારાજના પ્રવચનનું બીએપીએસ મંદિરના હોલમાં આયોજન થાય છે. ૨૧મીએ યોજાયેલી રાકેશ મહારાજની સાંજની સભામાં પૂ. મહંત સ્વામી પધાર્યા હતા. રાકેશ મહારાજે તેમનું સ્વાગત કર્યું હતું અને કહ્યું,‘ મને તો એવી અનુભૂતિ થાય છે કે હું પવિત્ર ગંગાજીમાં સ્નાન કરી રહ્યો છું.’ ૨૩મીએ સવારે પૂજા દર્શન બાદ આશીર્વચન પાઠવતા પૂ. મહંત સ્વામીએ કહ્યું,‘ જેટલી બુદ્ધિ ભગવાન બાજુ ન ચાલે એટલા તમે મૂર્ખ ગણાવ.’ સાંજે વિદાય સભા યોજાઈ હતી. પૂ. મહંત સ્વામી ૨૪મીને મંગળવારે વિચરણ માટે સુરત જવા રવાના થશે.

