મુશરર્ફને ફાંસીનો ચુકાદોઃ ન્યાયતંત્ર હજુ સાબૂત

Monday 23rd December 2019 13:31 EST
 

પડોશી દેશ પાકિસ્તાનમાં વિચિત્ર વિરોધાભાસ દેખાઈ રહ્યો છે. પૂર્વ લશ્કરી તાનાશાહ શાસક પરવેઝ મુશર્રફને ફાંસીના ફંદામાંથી બચાવવા કહેવાતી લોકશાહી સરકારના વડા ઈમરાન ખાન અને પાકિસ્તાની આર્મીએ ન્યાયતંત્ર સામે બાંયો ચડાવી છે. પ્રમુખ તરીકે સત્તામાં હતા ત્યારે મુશર્રફે ગેરકાયદે કટોકટી જાહેર કરીને બંધારણનો ભંગ કર્યાનું જણાવી ત્રણ જજની સ્પેશિયલ કોર્ટે બહુમતી ચુકાદા સાથે ફાંસીની સજા ફરમાવી છે. પાકિસ્તાનના ૭૨ વર્ષના ઈતિહાસમાં પૂર્વ સરમુખત્યાર પ્રમુખને દેશદ્રોહના મામલે મોતની સજા સંભળાવાયાની આ પ્રથમ ઘટના છે. તબીબી સારવારના બહાના હેઠળ ૨૦૧૬માં વિદેશ ચાલ્યા ગયેલા મુશર્રફને તેમની ગેરહાજરીમાં ફાંસીની સજા ફરમાવાઈ છે. આટલું જ નહિ, ફાંસીના અમલ અગાઉ મુશર્રફનું મૃત્યુ થાય તો તેમના મૃતદેહને ઈસ્લામાબાદના ડી-ચોકમાં ત્રણ દિવસ લટકાવી રાખવાનો ઉલ્લેખ પણ ચુકાદામાં છે.
પાકિસ્તાની સૈન્ય પોતાના પૂર્વ વડા જનરલ મુશરર્ફને સમર્થન આપે તે સ્વાભાવિક છે, પરંતુ વડા પ્રધાન ઈમરાને પણ કોર્ટના ચુકાદાને ‘અયોગ્ય’ ગણાવીને સજા સામે મુશર્રફની અપીલને ટેકો આપવાનો નિર્ણય જાહેર કર્યો છે. કારગીલ યુદ્ધના મુખ્ય ખલનાયક મુશર્રફનું કહેવું છે કે સેનાના વડા, જોઇન્ટ ચીફ ઓફ સ્ટાફ કમિટી અને પાકિસ્તાનના પ્રમુખ તરીકે તેમણે ૪૦ વર્ષ સુધી દેશની સેવા કરી છે અને દેશની રક્ષા કરવા માટે યુદ્ધો પણ લડ્યા છે.
મુશર્રફ પાસે સુપ્રીમ કોર્ટમાં જવાનો અને ત્યાં પણ સજા યથાવત્ રહ્યાં બાદ રાષ્ટ્રપતિ સમક્ષ દયાઅરજી કરવાનો વિકલ્પ છે. જો કશામાં સફળતા ન મળે તો પણ દેશની બહાર દુબઈમાં હોવાથી તેમને ફાંસી અપાય તેવી શક્યતા નથી. મુશર્રફ અપીલ કરે કે ના કરે પાકિસ્તાની આર્મી અને ઈમરાન સરકાર તેમનો વાળ વાંકો થવા દેશે નહિ કારણ કે તેમના વચ્ચેનો સંબંધ તો ચોર ચોર મૌસેરે ભાઈ જેવો છે. પાકિસ્તાનમાં આર્મી જ સર્વેસર્વા છે. સૈન્યના વર્દીધારી જનરલ પર કાળો ડાઘ લાગે તે તેની સત્તા સામેનો પડકાર લાગે છે.
ભારત સાથે શાંતિ સ્થાપવા મથતા નવાઝ શરીફે વડા પ્રધાન બન્યા પછી મુશર્રફને પાકિસ્તાની સેનાના પ્રમુખ બનાવ્યા પરંતુ, ચાલાક મુશર્રફે શ્રીનગરમાં પાકિસ્તાની ઝંડો ફરકાવવાનું સપનું દેખાડીને નવાઝ શરીફને કારગીલ યુદ્ધમાં જોતરી દીધા હતા. કારગીલમાં ભૂંડા પરાજય પછી શરીફે મુશર્રફ પાસેથી સેનાના વડા તરીકેનો ખૂંચવી લેવાનો પ્રયાસ તો કર્યો પરંતુ, મુશર્રફ તેમનાથી એક ડગલું આગળ હતા. તેણે નવાઝ શરીફની પીઠમાં ખંજર ભોંકીને દેશની શાસનધુરા પોતાના હાથમાં લઇ શરીફને ખોટા આરોપો લગાવી જેલભેગા કરી દીધા. વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર આતંકવાદી હુમલાના પગલે અમેરિકાને અફઘાનિસ્તાનમાં યુદ્ધ જીતવા પાકિસ્તાનની અને મુશરર્ફની જરૂર પડી હતી. અમેરિકાની ગરજનો લાભ લેવામાં મુશરર્ફ જરાય પાછા પડે તેવા ન હતા.
વર્દીધારી મુશરર્ફને બેફામ સત્તા ભોગવવા લોકશાહી અંચળાની જરૂર હતી ત્યારે ૨૦૦૮માં વિપક્ષની હાજરી વિના ચૂંટણીઓ યોજી અને પોતે આર્મીના વડાની સાથોસાથ રાષ્ટ્રપ્રમુખ બની બેઠા. તેમણે ચીફ જસ્ટીસ ઇફ્તિખાર ચૌધરીને પદભ્રષ્ટ કરી ન્યાયતંત્રને તાબામાં લેવાના પ્રયાસ કર્યા પછી વકીલોના આંદોલન પછી તેમનું શાસન ડોલ્યું હતું.
રાજકીય દબાણના કારણે મુશર્રફે ૨૦૦૮માં ચૂંટણી યોજવાની જાહેરાત તો કરી પરંતુ, ચૂંટણી અગાઉ જ ઈમરજન્સી લાગુ કરીને બંધારણને સસ્પેન્ડ કરી નાંખ્યું હતું. તેમનું આ પગલું જ આજે તેમને ભારે પડી રહ્યું છે. સત્તા હાથમાંથી સરી ગયા બાદ ૨૦૦૯માં મુશર્રફે પાકિસ્તાન છોડતાં પહેલા લંડન અને પછી દુબઇમાં આશરો લીધો છે. નવાઝ શરીફ ફરીથી સત્તા પર આવ્યા તે પછી જ મુશર્રફ વિરુદ્ધ પાકિસ્તાનમાં કટોકટી લાદવા અને બંધારણ નિલંબિત કરવા બદલ દેશદ્રોહનો કેસ કરાયો હતો.
પાકિસ્તાનમાં સૈન્ય અને સરકાર તો ભ્રષ્ટાચારી જ છે પરંતુ, ન્યાયતંત્ર હજુ સાબૂત છે જે આ બંનેને પડકાર આપી શકે છે. મુશર્રફને સજા અપાવવામાં સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ આસિફ સઈદ ખાન ખોસાની મહત્વની ભૂમિકા રહી છે. ચીફ જસ્ટિસ ખોસાએ તાજેતરમાં જ વર્તમાન સેનાધ્યક્ષ જનરલ કમર જાવેદ બાજવાના વધારાયેલા કાર્યકાળ સામે પ્રશ્ન ઉઠાવીને તેને ત્રણ વર્ષથી ઘટાડીને છ મહિનાનો કરી નાખ્યો હતો. સત્તાધારીઓ છકી ન જાય તે માટે પણ ન્યાયતંત્ર મજબૂત હોવું જરૂરી છે. આ જ ભૂમિકા પાકિસ્તાનનું ન્યાયતંત્ર સંભાળી રહ્યું છે.


comments powered by Disqus