આઇફા એવોર્ડઝમાં આલિયા ભટ્ટ અને રણવીર સિંહે બાજી મારી

Wednesday 25th September 2019 07:17 EDT
 
 

આઇફા એવોર્ડઝ (ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડમી એવોર્ડઝ)ની ૨૦મી એડિશનની મુંબઈમાં ૧૮ સપ્ટેમ્બરે ધમાકેદાર ઈવેન્ટ યોજાઈ હતી. આ સમારોહમાં આલિયા ભટ્ટ, રણવીર સિંઘ, વિકી કૌશલ, અદિતિ રાવ હૈદરી, ઇશાન ખટ્ટર, સારા અલી ખાન અને ફિલ્મમેકર શ્રીરામ રાઘવને જુદી-જુદી કેટેગરીઝમાં એવોર્ડ્ઝ જીત્યા હતા. ‘રાઝી’ને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મળ્યો હતો અને આ ફિલ્મની હિરોઈન આલિયા ભટ્ટે આ જાસૂસી ડ્રામા માટે બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ જીત્યો હતો. રણવીર સિંહને હિસ્ટોરિકલ ફિલ્મ ‘પદ્માવત’માં અલાઉદ્દિન ખિલજીના પાત્ર માટે બેસ્ટ એક્ટરનો આઇફા એવોર્ડ મળ્યો હતો. ‘રાઝી’ અને ‘પદ્માવત’ બન્નેએ દસ-દસ નોમિનેશન્સ મેળવ્યા હતા. જોકે, ‘અંધાધૂન’ ફિલ્મે સૌથી વધુ ૧૩ નોમિનેશન્સ મેળવ્યા હતા. જેના ડિરેક્ટર શ્રીરામ રાઘવનને બેસ્ટ ડિરેક્ટરનો એવોર્ડ મળ્યો હતો.
‘રાઝી’માં જોવા મળનારા વિકી કૌશલને સંજય દત્તની બાયોપિક ‘સંજૂ’ માટે બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. દરમિયાનમાં અદિતિ રાવ હૈદરીએ ‘પદ્માવત’માં તેના રોલ માટે બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસની કેટેગરીમાં એવોર્ડ જીત્યો હતો.
સારા અલી ખાનને ‘કેદારનાથ’ માટે બેસ્ટ ડેબ્યૂ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો હતો જ્યારે તેના સમકાલીન ઇશાન ખટ્ટરને ‘ધડક’ માટે બેસ્ટ ડેબ્યૂ એક્ટરની ટ્રોફી મળી હતી.
આઇફા એવોર્ડના ૨૦ વર્ષને સેલિબ્રેટ કરતાં સ્પેશ્યિલ એવોર્ડઝ અપાયા હતા. જેમાં દીપિકા પાદુકોણને ‘ચેન્નઈ એક્સપ્રેસ’ માટે બેસ્ટ એક્ટ્રેસનો સ્પેશિયલ એવોર્ડ જ્યારે રણબીર કપૂરને ‘બરફી’માં બેસ્ટ એક્ટર માટેનો સ્પેશિયલ એવોર્ડ અપાયો હતો.
આઇફા સ્પેશિયલ એવોર્ડઝ રાજકુમાર હિરાનીને પણ અપાયો હતો કે જેમને ‘૩ ઇડિયટ્સ’ માટે બેસ્ટ ડિરેક્ટરનો એવોર્ડ અપાયો હતો. આઉટસ્ટેન્ડિંગ કન્ટ્રિબ્યુશન ઇન્ડિયન સિનેમા એવોર્ડ સિનિયર કોરિયોગ્રાફર સરોજ ખાનને અપાયો હતો.
• બેસ્ટ ફિલ્મઃ રાઝી
• બેસ્ટ ડિરેક્ટરઃ શ્રીરામ રાઘવન (અંધાધૂન)
• બેસ્ટ એક્ટ્રેસઃ આલિયા ભટ્ટ (રાઝી)
• બેસ્ટ એક્ટરઃ રણવીર સિંઘ (પદ્માવત)
• બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસઃ અદિતિ રાવ હૈદરી (પદ્માવત)
• બેસ્ટ સપોર્ટિંગ એક્ટરઃ વિકી કૌશલ (સંજૂ)
• બેસ્ટ ડેબ્યૂ એક્ટરઃ ઇશાન ખટ્ટર (ધડક)
• બેસ્ટ ડેબ્યૂ એક્ટ્રેસઃ સારા અલી ખાન (કેદારનાથ)
• બેસ્ટ પ્લેબેક સિંગર (ફીમેલ)ઃ હર્ષદીપ કૌર અને વિભા સરફ (‘રાઝી’નું દિલબરો)
• બેસ્ટ પ્લેબેક સિંગર (મેલ)ઃ અરિજિત સિંઘ (‘રાઝી’નું એ વતન)
• આઉટસ્ટેન્ડિંગ કન્ટ્રિબ્યુશન ટૂ ઇન્ડિયન સિનેમાઃ સરોજ ખાન અને જગદીપ


comments powered by Disqus