કિડનીના દર્દ પીડિતોની સહાય કાજે દિવંગત જગદીશ પટેલના પરિવારનું £૧૬,૦૦૧નું દાન

Wednesday 25th September 2019 06:49 EDT
 
 

યુ.કે.સ્થિત એશિયનોમાં કિડનીના દર્દનું પ્રમાણ વધતું જાય છે. કિડની ટ્રાન્સપ્લાન્ટ દ્વારા દર્દીને નવજીવન મળી શકે છે એવું આપણે સૌ જાણતા હોવા છતાં કિડની કે અન્ય અવયવોના દાન માટે આપણામાં જાગૃતિ આવતી જ નથી. આવા એક કિડનીના દર્દી જગદીશભાઇ આર. પટેલના નામથી બ્રેન્ટમાં રહેનાર સૌ કોઇ પરિચિત છે. જગદીશભાઇનું બ્લડપ્રેશર સતત વધતું રહેતું પરિણામે એમની બન્ને કિડની ફેઇલ ગઇ હતી. આ જગદીશભાઇ પટેલ એટલે ઇલીંગ રોડ પરના બ્રેન્ટ ઇન્ડિયન એસોસિએશનમાં સલાહકાર જેમણે વર્ષો સુધી ઘણા લોકોને ઇન્ડિયન વીઝા કે OCI વિષયક સલાહ-સૂચનો આપેલા છે. આ જગદીશભાઇ બીઆઇએમાં ૧૫મી ઓગષ્ટે ધ્વજ ફરકાવી ત્રિરંગાને સલામી આપતા હતા એવા સમયે જ હોસ્પિટલને કોઇની કિડની મળતાં જગદીશભાઇને અર્જન્ટ ઓપરેશન માટે બોલાવાયા. એમનામાં કિડની ટ્રાન્સપ્લાન્ટ થઇ ગઇ પણ કયાંક કચાશ રહી જતાં જગદીશભાઇ મોતને ભેટ્યા.

જગદીશભાઇનાં પત્ની માલતીબહેન અને એમના દીકરા-દીકરીએ વર્ષો સુધી ડાયાલેસીસની પીડાજનક પરિસ્થિતિમાંથી પસાર થયેલા જોયા છે એટલે કિડનીના દર્દીને ડાયાલેસીસ કરાવતાં ઓછી પીડા વેઠવી પડે એવી લેટેસ્ટ ટેકનોલોજીથી સજ્જ ડાયાલેસીસ મશીન માટે યથાશક્તિ દાન આપવાનો નિર્ણય કર્યો જેમાં એમના પરિવાર અને મિત્રો-શુભેચ્છકોના સાથ-સહકારથી એક સંગીત કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ સંગીત કાર્યક્રમ દ્વારા £૧૬,૦૦૧ (સોળ હજાર ને એક પાઉન્ડ)નું ભંડોળ એકત્ર થયું હતું અને એ ઇમ્પીરીયલ હોસ્પિટલ ટ્રસ્ટ રીનલ ચેરિટીને અર્પણ કરવામાં આવ્યું છે.


comments powered by Disqus