૨૬ ઓગસ્ટને સોમવારે ભાદરણ બંધુ સમાજ યુકે (BBS UK) દ્વારા લંડનમાં કિંગ્સબરી હાઈસ્કૂલ ખાતે કોમ્યુનિટીઝના હોમલેસ લોકો વિશે જાગૃતિ કેળવવા અને આગામી શિયાળાના મહિનાઓ પહેલા તેમના માટે શક્ય તેટલાં વધુ ગરમ કપડાં એકત્ર કરવાના ઉદ્દેશથી ખાસ ફેમિલી પિકનિક અને કાઈટ ફ્લાઈંગ ડેનું આયોજન કરાયું હતું.
ઘણાં હોમલેસ લોકોને જુદા જુદા કારણોસર સ્ટ્રીટ્સમાં સૂવાની ફરજ પડે છે. શિયાળામાં તેમને હૂંફ અને ગરમાવો મળી રહે તે માટે ઘણી વસ્તુઓની ખાસ જરૂર હોય છે. દર વર્ષે તેમની સંખ્યામાં વધારો થાય છે અને ભાદરણ બંધુ સમાજ યુકેએ ફેમિલી પિકનિક અને કાઈટ ફ્લાઈંગ ડેના આયોજન દ્વારા ગરમ કપડાં એકત્ર કરીને તેમને મદદરૂપ થવાની કામગીરી હાથ ધરી છે. આ કાર્યક્રમને સારો પ્રતિસાદ સાંપડ્યો હતો. કાર્યક્રમમાં ભાગ લેનાર સૌએ બેગો ભરીને ગરમ કપડાં આપ્યા હતા. સ્મિથ્સ ન્યૂઝ દ્વારા આ કપડાં અલગ કરીને તેનો સંગ્રહ કરાશે અને BBS UKના વોલન્ટિયર્સ દ્વારા શિયાળામાં તેનું વિતરણ કરાશે.
પરિવારોએ દિવસભર આનંદ માણ્યો હતો. લોકોએ આ કાર્યક્રમ માટે ખાસ ભારતથી મંગાવાયેલા પતંગ ઉડાડ્યા હતા. લંડનમાં તે દિવસે ખૂબ ગરમી હોવાથી સૌએ કોલ્ડ ડ્રિંક્સથી ઠંડક મેળવવાનો પ્રયાસ કર્યો હતો. સૌ સંગીતના તાલે ઝૂમ્યા હતા અને સ્વાદિષ્ટ ભોજનની લિજ્જત માણી હતી. કપડાં ડોનેટ કરવા બદલ અને આ કાર્યક્રમને સફળ બનાવવા બદલ BBS UK દ્વારા સૌનો આભાર માનવામાં આવ્યો હતો. આ ઉમદા હેતુ માટે કોઈને ગરમ કપડાં આપવા હોય તો તેમણે [email protected] ઈમેલ પર સંપર્ક કરવા વિનંતી. આપનો ઈમેલ મળ્યા બાદ સંસ્થા દ્વારા નજીકના ડ્રોપ ઓફ સેન્ટર વિશે આપને માહિતી અપાશે.