• ૨૦૪૦ સુધીમાં આકાશમાં ઉડતા વિમાનોની સંખ્યા બમણી
ગ્લોબલ વોર્મિંગ વિશે ચિંતા પ્રવર્તતી હોવા છતાં આગામી બે દાયકામાં વિશ્વભરમાં ઉડતાં કોમર્શિયલ વિમાનોની સંખ્યા બમણાં કરતાં વધુ થવાની શક્યતા છે. યુરોપિયન એરોસ્પેસ જાયન્ટ એરબસે આગાહી કરી છે કે ૨૦૩૮માં લગભગ ૪૮,૦૦૦ જેટલાં પેસેન્જર અને ફ્રેઈટ પ્લેન ઉડતાં હશે અને તેમાંથી મોટાભાગના વિમાનો નવા હશે. હાલ પેસેન્જર અને ફ્રેઈટ પ્લેનની સંખ્યા ૨૩,૦૦૦ છે.
• વિટામીન ‘ડી’નું ઓછું પ્રમાણ ડાયાબિટીસને સંબંધ
પૂરતું વિટામીન ‘ડી’ ન મેલવતા લોકોનું વહેલા મૃત્યુ થવાનું જોખમ વધી જતું હોવાનું સંશોધનમાં જણાયું હતું. આ વિટામીનની ઉણપ અને ખાસ કરીને યુવાનો અને મધ્યમ વયના લોકોમાં વધી ગયેલા મૃત્યુદર વચ્ચે ‘મજબૂત કડી’ જણાઈ હતી.
• ઉંચી આવક રળવા છોકરીઓેને અનુરોધ
સૌથી વધુ રકમ ચૂકવતી ચેરિટીઝ પૈકી એકના હેડ ચેરિલ જીયોવાન્નોનીએ સ્કૂલમાં અભ્યાસ કરતી છોકરીઓ જ્યારે જોબ શરૂ કરે ત્યારે તેમને મળતી રકમનું જાતે મેનેજમેન્ટ કરે અને તેમને મહત્તમ કેટલું આર્થિક વળતર મળી રહે તે સમજાવવા હેડટીચર્સને અનુરોધ કર્યો હતો. ગર્લ્સ ડે સ્કૂલ ટ્રસ્ટના ચીફ એક્ઝિક્યુટિવ જીયોવાન્નોનીએ ઉમેર્યું હતું કે પુરુષ પર આધાર રાખવાને બદલે બ્રેડવિનર તરીકે મહિલાઓએ પણ ઉંચો પગાર મેળવવો જોઈએ.
• ઈંગ્લેન્ડ અને વેલ્સમાં ડ્રગ્સનો ઉપયોગ વિક્રમજનક સ્તરે
કોકેન અને એક્સ્ટસી સહિતના ક્લાસ A ડ્રગ લેતા યુવાનોને લીધે ડ્રગ્સનો વપરાશ વિક્રમજનક સ્તરે પહોંચ્યો હતો. હોમ ઓફિસના અહેવાલમાં જણાવાયું હતું કે ઈંગ્લેન્ડ અને વેલ્સમાં ૧૬થી ૫૯ વચ્ચેની વયના લોકો દ્વારા ડ્રગ્સના ઉપયોગમાં થયેલા વધારાને લીધે કુલ વપરાશ સૌથી ઉંચા સ્તરે પહોંચ્યો હતો. ૨૦થી ૩૦ વચ્ચેની વયના યુવાનોમાં ડ્રગ્સના સેવનમાં ભારે વધારો નોંધાયો હતો.
• ૧૦૨ ગુના આચરનારને જેલભેગો કરાયો
૧૯૯૦ના દાયકામાં પોકેટ મની બોય તરીકે જાણીતા ૩૯ વર્ષીય ચોર કેસી બોવેને તેના ૧૦૨મા ગુનાની કબૂલાત કરતા તેને ચાર વર્ષ અને દસ મહિનાની જેલની સજા કરાઈ હતી. ‘૯૦ના દાયકામાં પોલીસ તેને ચોરી કરતો અટકાવવાનું સમજાવવા તેના પેરેન્ટ્સને દર અઠવાડિયે ૬૦ પાઉન્ડ ચૂકવતી હતી. ગ્લોસેસ્ટર ક્રાઉન કોર્ટને જણાવાયું હતું કે તેણે ગયા જુલાઈમાં વિલ્ટશાયરના સ્વીન્ડનમાં એક મકાનમાં લૂંટફાટ કરી હતી. તેણે જેલમાં મોબાઈલ ફોનની દાણચોરીનો પ્રયાસ કર્યો હોવાનું પણ સ્વીકાર્યું હતું. જજ ઈયાન લોરી QCએ જણાવ્યું હતું કે બોવેને સુધરવાની તમામ તકો વેડફી નાખી હતી.
• ડ્રગ વપરાશકારોને ટેક્સ્ટ મેસેજ મોકલતી પોલીસ
ડ્રગ ડિલરો બાળકોના શોષણને પ્રોત્સાહન આપી રહ્યા હોવાની દહેશત વચ્ચે ડ્રગ ડિલરોના ફોન જપ્ત કરાય ત્યારે પોલીસ અધિકારીઓ આધેડ વયના ડ્રગ વપરાશકારોને ટેક્સ્ટ મેસેજ મોકલે છે. સપ્લાયરોના ફોન બંધ કરી દેવા માટે પોલીસ કોર્ટના ઓર્ડર માટે અરજી કરી શકે છે. ફોનમાંથી તેમને જે કોન્ટેક્ટ નંબરો મળે તેને તેઓ આ નંબક ગેરકાયદે ડ્રગ સપ્લાય સાથે સંકળાયેલો હોવાનો મેસેજ કરે છે.
• સરકારની હેલ્પ ટુ બાય સ્કીમની સાંસદો દ્વારા ઉગ્ર ટીકા
સાંસદોએ સરકારની ૧૨ બિલિયન પાઉન્ડની ‘હેલ્પ ટુ બાય’ સ્કીમની ટીકા કરતા દાવો કર્યો હતો કે આ નીતિને લીધે જે લોકો પ્રોપર્ટી ખરીદી શકે તેમ છે તેવા મકાન ખરીદનારાઓને મદદ મળી છે અને આ નીતિ એફોર્ડેબલ હાઉસિંગને વેગ આપવામાં અને હોમલેસનેસ ઘટાડવામાં નિષ્ફળ રહી છે. કોમન્સની પબ્લિક એકાઉન્ટ કમિટીના અહેવાલ મુજબ હેલ્પ ટુ બાય સ્કીમમાં ભાગ લેનારા પૈકી ૬૦ ટકા ખરીદદારોને મકાન ખરીદવાની જરૂર જ ન હતી. તેમાં જણાવાયું હતું કે જે જંગી રકમ સંકળાયેલી છે તેનો ઉપયોગ હાઉસિંગની વિવિધ પ્રાથમિકતાઓને પહોંચી વળવામાં તેમજ જેમને ખરેખર ખૂબ જરૂર છે તેમના પર વધુ ધ્યાન આપી શકાયું હોત.
• સારસંભાળના ખર્ચને પહોંચી વળવા મકાનો વેચતા વૃદ્ધો
રેસિડેન્શિયલ સોશિયલ કેરનો ખર્ચ ઉઠાવવા માટે દર અઠવાડિયે ૪૦૦થી વધુ પેન્શનરોને તેમના મકાનો વેચવાની ફરજ પડતી હોવાનો અહેવાલમાં દાવો કરાયો હતો. અભ્યાસમાં જણાયું હતું કે ગયા વર્ષે ૨૦,૦૦૦થી વધુ મકાનમાલિકોએ ખર્ચને પહોંચી વળવા તેમના મકાનો વેચ્યા હતા. આ સંખ્યા ૨૦૦૦ની સાલ કરતાં લગભગ બમણી હતી. કેમ્પેનરોએ જણાવ્યું હતું કે આ તારણો જણાવે છે કે વૃદ્ધ લોકો માટે ફ્રી પર્સનલ કેર ‘ખૂબ જરૂરી’ છે. હાલ જે વ્યક્તિ પાસે સેવિંગ્સમાં તેમના મકાનની કિંમત સહિત ૨૩,૨૫૦ પાઉન્ડથી વધુ રકમ હોય તેમને કેરની જરૂર પડે તો તેઓ સરકારી મદદ મેળવવા માટે પાત્ર નથી.
• ગુનાખોરીના આંકડા સાથે હોમ ઓફિસ દ્વારા ચેડાં
નેશનલ એન્ટિ-ફ્રોડ સર્વિસને હજારો કેસ રદ કરવાનું કહીને હોમ ઓફિસ ગુનાના આંકડા સાથે ચેડાં કરી રહી હોવાનું બે ભૂતપૂર્વ પોલીસવડા કેન ફેરો અને સ્ટીવ વિલ્મોટ્ટે જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે એક્શન ફ્રોડ ચોરીના કિસ્સાને ગુના તરીકે નોંધવાનું ખોટી રીતે ટાળી રહ્યું છે. આ કેસોને રદ કરવાના હોમ ઓફિસના નિર્ણયનો અર્થ એવો થાય કે દર વર્ષે નોંધાતા છેતરપિંડીના ૫૦,૦૦૦ કિસ્સાનો સત્તાવાર આંકડામાં સમાવેશ થતો નથી અને ગુનેગારોની શોધ કરવામાં આવતી નથી.
• ૬૬ ટકા વૃદ્ધ મહિલાઓ કેન્સર સ્ક્રિનિંગ ટાળે છે
વૃદ્ધ મહિલાઓને આપવામાં આવતી કેન્સર સ્ક્રિનિંગની સુવિધાનો માત્ર ૩૩ ટકા મહિલા જ ઉપયોગ કરતી હોવાનું અભ્યાસમાં જણાયું હતું. આમ તો ૬૦ વર્ષથી વધુની વયની તમામ મહિલાઓનું એક અથવા બીજા પ્રકારના કેન્સર માટે સ્ક્રિનિંગ થતું હોય છે. સંશોધનમાં જણાયું હતું કે મોટાભાગની મહિલાઓ એનએચએસ દ્વારા અપાતા ઓછામાં ઓછા એક આમંત્રણનો સ્વીકાર કરવામાં નિષ્ફળ રહે છે અને તેમને મૃત્યુનું ખૂબ જોખમ રહે છે.
• અન્ય ડ્રાઈવરોએ કરેલા અકસ્માતથી દંપતિની ૧૨ કારનો નાશ
પરાંવિસ્તારની સ્ટ્રીટ પર રહેતા એક દંપતિની ૧૨ કારનો છેલ્લાં ૧૮ વર્ષમાં અન્ય ડ્રાઈવરોએ કરેલા અકસ્માતમાં ખુરદો બોલી ગયો હતો. મારિયા રોબર્ટ્સ અને સ્ટીવ પેસી ૨૦૦૧માં વર્સેસ્ટરના ટોલાડીન રોડ પર રહેવા ગયા હતા. શરૂઆતના ચાર વર્ષમાં તો આવી કોઈ ઘટના બની ન હતી. પરંતુ, ૨૦૦૫માં તેમની પ્રથમ કાર રોવર 25 ભોગ બની હતી. ત્યારથી અત્યાર સુધીમાં તેમની ૧૧થી વધુ કાર અન્ય ડ્રાઈવરે તેની કાર પર ગુમાવેલા અંકુશને લીધે નાશ પામી હતી.