BAPS ના વડા પૂ. મહંત સ્વામી હાલ અમદાવાદ ખાતે પધાર્યા છે. ૧૭ જૂને અમદાવાદ આવતા પહેલા તેમણે મોરબીમાં વૈષ્ણવ સંપ્રદાયના મહાપ્રભુજીની ૫૫મી બેઠકજીના દર્શન કર્યા હતા. તેઓ સાંજે અમદાવાદ આવી પહોંચતા સંતો અને હરિભક્તોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. ૧૯મીએ યુવાદિન ઉજવાયો હતો. સાંજની સભામાં ‘યુવા અધિવેશનનું પંચામૃત’ વિષય પર સંવાદ રજૂ થયા હતા. પૂ. મહંત સ્વામીએ આશીર્વચનમાં કહ્યું,‘ સત્સંગ પરીક્ષા માટે ગૌરવ હોવું જોઈએ. ગૌરવ આવે તો બધું આવે. ૨૧મીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે પ્રાતઃપૂજા બાદ એક હરિભક્તના માર્ગદર્શન હેઠળ પૂ. મહંત સ્વામી સહિત સૌએ વિવિધ યોગાસનો કર્યા હતા. ૨૨મીએ ‘વચનામૃતનું અમૃત’માં ‘પ્રાપ્તિનો કેફ’ વિષય પર સંવાદ રજૂ કરાયા હતા. તેમાં કેટલીક વ્યક્તિને મોટી પ્રાપ્તિ થઈ હોય તે છતાં નાની તે બાબતોમાં રડતી હોય છે જ્યારે ઘણાં હરિભક્તો સાંસારિક દુઃખો હોવા છતાં આનંદમાં રહેતા હોય છે તે દ્રષ્ટાંતો દ્વારા સમજાવાયું હતું. પૂ. મહંત સ્વામીએ આશીર્વચનમાં કહ્યું, ‘ આ બધું આપણે જોયું તે સાચી વાત છે. આપણે પણ આવી રીતે બળમાં, કેફમાં રહેવું. પ્રાપ્તિ એ જ સત્સંગ છે.’ ૨૩મીને રવિવારે ‘અમદાવાદ અને આપણી પરંપરા’ થીમ પર રવિસભાનું આયોજન થયું હતું. તેમાં ભગવાન શ્રીજી મહારાજથી પૂ. મહંત સ્વામી સુધી ભગવાન અને ગુરુઓને અમદાવાદ સાથે કેવો સંબંધ હતો તેની સ્મૃતિ વીડિયો, સંવાદ અને પ્રવચનના માધ્યમથી રજૂ કરાઈ હતી. પૂ. મહંત સ્વામીએ આશીર્વચનમાં કહ્યું‘ પૂ. પ્રમુખ સ્વામીના ગુણોની સ્મૃતિ કરીને આપણે અખંડ નિષ્કામ ભક્તિના માર્ગે આગળ વધીએ. તેમણે ‘બીજાના સુખમાં આપણું સુખ, બીજાના ભલામાં આપણું ભલું’ સૂત્રને પોતાના વ્યક્તિત્વમાં આત્મસાત કર્યું હતું. તેઓના સંપર્કમાં આવનાર પ્રત્યેક વ્યક્તિ શાશ્વત શાંતિની પ્રાપ્તિ કરતી હતી.’ આ પ્રસંગે પૂ. ઈશ્વરચરણદાસજી તેમજ પૂ. આત્મસ્વરૂપ સ્વામીએ સંસ્મરણો રજૂ કર્યા હતા. રવિસભામાં મોટી સંખ્યામાં સંતો અને હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

