અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધનાદ

Tuesday 25th June 2019 14:18 EDT
 

મધ્યપૂર્વ એશિયામાં ફરી યુદ્ધનાં નગારાં વાગી રહ્યાં છે. એક તરફ જગત જમાદાર અમેરિકા છે અને બીજી તરફ ઈરાન છે, જે અગાઉ ઈરાક હતું. સામસામે ચેતવણીઓનું શાબ્દિક યુદ્ધ ચાલી રહ્યું છે જે ગમેત્યારે વાસ્તવિક દાવાનળમાં બદલાઈ શકે છે. ઈરાને ચેતવણી આપી છે કે યુદ્ધ શરૂ થયા પછી તેને કોઈ રોકી શકશે નહિ. ઈરાનના ઇસ્લામિક રિપબ્લિક પર ઓઈલ નિકાસના પ્રતિબંધ અને હાલમાં જ ઈરાની સેનાએ અમેરિકાનાં શક્તિશાળી ડ્રોનને તોડી પાડ્યા બાદ બંને દેશો વચ્ચે સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે. આ સ્થિતિમાં રશિયા પણ ઈરાનની તરફેણમાં કૂદી પડ્યું છે. તેણે અમેરિકાને ચૂકવાય નહીં તેવી અસહ્ય તબાહીનો સામનો કરવા તૈયાર રહેવા ચેતવણી આપી છે તો ચીને પણ અમેરિકાને સંયમ રાખવા સલાહ આપી છે.
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો છે કે તેમણે લશ્કરી ડ્રોન તોડી પાડ્યાનો બદલો લેવા ઈરાન પર કરાનારા હુમલાના આદેશને અંતિમ મિનિટોમાં પાછો ખેંચી લીધો હતો. ઇરાનના રડાર અને મિસાઈલસમૂહ જેવાં નિશ્ચિત ટાર્ગેટ્સ પર હુમલો કરવા યુદ્ધવિમાનો અને યુદ્ધજહાજ તૈયાર હતા, પરંતુ છેલ્લી ઘડીએ નિર્ણય બદલાયો હતો. જોકે સાથોસાથ અમેરિકાએ ચેતવણી પણ ઉચ્ચારી છે કે આ નિર્ણયને ઈરાન કમજોરી સમજવાની ભૂલ ના કરે તો ઈરાને પણ કહ્યું છે કે તે કોઈ પણ એક્શનનો સખત જવાબ આપશે.
અમેરિકાએ તેનું ડ્રોન આંતરરાષ્ટ્રીય વિસ્તારમાં તૂટી પડ્યાનો દાવો કર્યો તેની સામે ઈરાને તેનો ભંગાર બતાવી દઈને ટ્રમ્પને ખોટા સાબિત કરવાથી વાત વધુ વણસી છે. અમેરિકી ડ્રોન તોડી પાડીને ઈરાને સાબિત કર્યું છે કે તેની પાસે પણ રડાર ગાઈડેડ મિસાઈલ સિસ્ટમ છે. હવે અમેરિકાએ પરંપરાગત યુદ્ધના સ્થાને ઈરાની જાસૂસી સંસ્થાઓ તેમજ મિસાઇલ અને રોકેટ લોન્ચિંગ માટે ઉપયોગી કોમ્પ્યુટર સિસ્ટમને ખોરવી નાખવા સાયબર હુમલા શરૂ કર્યા છે. જેથી ઈરાન વળતો હુમલો કરી ના શકે.
અમેરિકા અને ઇરાન વચ્ચે વિવાદનું મૂળ પરમાણુ સંધિ છે. ઇરાનના પરમાણુ કાર્યક્રમને સીમિત કરવા તત્કાલીન અમેરિકી પ્રમુખ બરાક ઓબામાની આગેવાનીમાં ૨૦૧૫ની સમજૂતીમાં જર્મની અને યુકે સહિત યુરોપિયન યુનિયન પણ સામેલ હતું. આ સમજૂતી અંતર્ગત ઇરાન પરના પ્રતિબંધો ઉઠાવી લેવાયા હતા. જોકે ટ્રમ્પે એકપક્ષી રીતે ઇરાન સાથેના પરમાણુ કરારમાંથી બહાર નીકળી જવાની જાહેરાત કરતાં સમજૂતી ખોરંભે પડી હતી. આર્થિક પ્રતિબંધોથી ઉશ્કેરાઈ ઇરાને પરમાણુ કાર્યક્રમ આગળ ધપાવવાની જાહેરાત કરીને શાંતિસમર્થક દેશોને આંચકો આપ્યો છે.
ઇરાનની મુખ્ય આવક પેટ્રોલિયમની નિકાસ દ્વારા થાય છે. અમેરિકા ઇરાનની પેટ્રોલિયમની નિકાસ સંપૂર્ણપણે બંધ કરી તેની આવકોને અટકાવી દેશને પાયમાલ કરવા માટે મક્કમ છે. આવું જક્કી વલણ જરા પણ વ્યવહારુ નથી કારણ કે ઇરાનની દૈનિક ૨૫ લાખ બેરલ પેટ્રોલિયમ નિકાસક્ષમતાની કમી બીજો કોઇ દેશ ભરપાઈ કરી શકે એમ નથી. અમેરિકાએ ભારત સહિતના દેશોને ઈરાનના પેટ્રોલિયમની આયાત બંધ કરી દેવા અથવા આર્થિક પ્રતિબંધોનો સામનો કરવા ચેતવણી આપવાથી આયાતો બંધ કરી દેવાઈ છે. યુદ્ધનાં નગારાં તેમજ ગલ્ફ દેશોમાંથી વિશ્વના દેશોને પેટ્રોલિયમ પહોંચાડવા મહત્ત્વપૂર્ણ જળમાર્ગ હોર્મુઝની સામુદ્રધૂનીમાં બે ઓઇલ ટેન્કરો પર હુમલા પછી લાંબા માર્ગોના લીધે હવાઈ અને જળ વ્યવહારો પણ મોંઘા અને મુશ્કેલ બની રહ્યાં છે
અમેરિકાને બીજા દેશોમાં ચંચુપાત કરીને પોતાનું મહત્ત્વ દર્શાવવા અને વર્ચસ દેખાડવાનો જાણે શોખ છે. તેને યુદ્ધોની વિનાશકથાનો સામનો પોતાની તળભૂમિ ઉપર કરવો પડ્યો નથી. અમેરિકાએ ૯/૧૧ હુમલા બાદ તાલિબાની અફઘાનિસ્તાન પર હુમલો કર્યા પછી સદામ હુસેન સંહારક રાસાયણિક શસ્ત્રો વિકસાવતા હોવાના આરોપ સાથે ઇરાક પર હુમલો કર્યો. હવે અમેરિકા પરમાણુ શસ્ત્રોનો આરોપ મૂકીને ઇરાન પર હુમલો કરવા થનગને છે. યુદ્ધસ્ય કથા રમ્યઃ એમ કહેવાય છે, પરંતુ યુદ્ધ પછી જે બરબાદી જોવાં મળે છે તે કદી મનોરંજક હોતી નથી.


comments powered by Disqus