વોશિંગ્ટનઃ જેકલિન બેજોસ એમેઝોનના સ્થાપક જેફ બેજોસનાં માતા છે. ૧૯૬૪માં તેમની પાસે એટલા પૈસા નહોતા કે તેઓ ટેલિફોન બિલ પણ ચૂકવી શકે! પણ આજે તેઓ વિશ્વના સૌથી ધનિક વ્યક્તિનાં માતા છે. તેઓ માંડ ૧૭ વર્ષના હતાં ત્યારે તેમણે જેફને જન્મ આપ્યો હતો અને તેઓ ધો. ૧૦માં ભણતાં હતાં. ઓછી ઉંમરે માતા બનતા સ્કૂલે તેમનો અભ્યાસ છોડાવી દીધો. એ પછી તેમણે નાઈટ સ્કૂલમાં એડમિશન લીધું હતું.
જેકલિન બેજોસ બે બેગ લઈને સ્કૂલે જવા લાગ્યાં હતાં. એક બેગમાં પુસ્તકો, ડાયપર અને પાણીની બોટલ જ્યારે બીજી બેગમાં જેફ બેઝોસનાં રમકડાં. અભ્યાસ કરવા માટે કરેલા સંઘર્ષની આ વાત ખુદ ૭૨ વર્ષીય જેકલિને કરી છે. આ વાત તેમણે કેમ્બ્રિજ કોલેજના ૪૭મા સત્ર સમારંભમાં કરી છે. આ વીડિયો જેફ બેઝોસે સોશિયલ મીડિયામાં શેર કર્યો છે. તેમણે લખ્યું છે કે મારી માની કહાની અસામાન્ય છે. આ બધું આભાર વ્યક્ત અને ગર્વ કરવાને લાયક છે. આ ભાષણમાં જેકલિન કહે છે કે ૧૯૬૪માં જેફના જન્મના ૧૭ મહિના પછી ટેડ જોર્ગનસન (પૂર્વ પતિ) સાથે મારા છૂટાછેડા થઈ ગયા હતા. આ દરમિયાન હું મહિને ૧૯૦ ડોલરના પગારે નોકરી કરતી હતી. આ સાથે અભ્યાસ માટે નાઈટ સ્કૂલમાં એડમિશન લીધું હતું.
હું એવા શિક્ષકોના ક્લાસમાં જતી જે મને જેફને સાથે લાવવાની મંજૂરી આપતા. અહીં મારી મુલાકાત માઈક બેઝોસ સાથે થઈ. અમે ૧૯૬૮માં લગ્ન કરી લીધાં. લગ્ન પછી મારે બીજા શહેર જવું પડ્યું. આ કારણસર હું ગ્રેજ્યુએશન ના કરી શકી. ત્યાર પછી તો મારાં બાળકો સ્કૂલે જવા લાગ્યાં તો મને પણ હાયર એજ્યુકેશનની ઈચ્છા થઈ. એટલે મેં હાઈસ્કૂલ છોડ્યાના વીસ વર્ષ પછી ૪૦ વર્ષની ઉંમરે ગ્રેજ્યુએશન પણ પૂરું કર્યું.
સ્કૂલ મેનેજમેન્ટની ૪ શરત હતી
જેકલિને કહ્યું કે અભ્યાસ બંધ થયા પછી સ્કૂલે ચાર શરતે સ્કૂલે આવવાની મંજૂરી આપી હતી. પહેલી શરત એ હતી કે, મારે બેલ વાગે તેની પાંચ મિનિટમાં સ્કૂલમાં આવી જવાનું હતું. બીજી શરત હતી કે હું બીજા વિદ્યાર્થીઓ સાથે વાત નહીં કરું. ત્રીજી શરત હતી કે કાફેટેરિયામાં લંચની મંજૂરી નહોતી અને ચોથી શરત એ હતી કે ડિપ્લોમા લેવા હું બીજા વિદ્યાર્થીઓની જેમ સ્ટેજ પર નહીં જઈ શકું.

