કાર્ડિફમાં ૨૨ જૂનને શનિવારે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં ભારતના રાજદૂત રાજ અગ્રવાલ OBEએ વેલ્સની તમામ સ્કૂલોમાં યોગ સેશન્સ શરૂ કરવા અનુરોધ કર્યો હતો. ૨૨ જૂને મોટી સંખ્યામાં લોકો તેમની સાથે યોગના સ્પેશિયલ માસ્ટરક્લાસમાં જોડાયા હતા. તેમણે જણાવ્યું હતું કે વિસ્તૃત અભ્યાસમાં જણાયું છે કે બાળકો નિયમિતપણે યોગ કરતા હોય તો તેમની એકાગ્રતા વધે છે અને તેઓ હળવાશ અનુભવે છે. સાથે જ તેમનું જ્ઞાન પણ જળવાઈ રહે છે. આ મૂલ્યવાન પ્રવૃત્તિને નજીવા ખર્ચે સમર્થન આપવા માટે પૂરતા પ્રમાણમાં યોગ પ્રેક્ટિશનરો પણ છે.
વેલ્સના પાટનગર કાર્ડિફમાં ટીવાય કૃષ્ણા સિમરુ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વિવિધ યોગ પ્રેક્ટિશનરો દ્વારા તમામ વયજૂથના અને ક્ષમતાવાળા લોકો માટે ફ્રી યોગ સેશન્સ યોજાઈ હતી. આ કાર્યક્રમ સૌને માટે ફ્રી હતો અને યોગ નિષ્ણાત મેની ફરકાશે યોગના આસનો કરાવ્યા હતા. હાલની મિસ વેલ્સ ગેબ્રિલા જ્યૂક્સ પણ હાજર રહી હતી અને તેમણે યોગ સ્વાસ્થ્ય અને સૌંદર્યની જાળવણીમાં કેવી રીતે મદદરૂપ થાય તેની વાત કરી હતી.
આ કાર્યક્રમનું આયોજન વેલ્સ માટેના ભારતના કોન્સુલ રાજ અગ્રવાલ OBE દ્વારા કરાયું હતું. તેઓ ઘણાં વર્ષોથી યોગ કરે છે. તેમણે જણાવ્યું હતું,‘ મૂળ ઉત્તર ભારતમાં શરૂ થયેલા ૫,૦૦૦ વર્ષ પ્રાચીન યોગ પદ્ધતિની વૈશ્વિક ઉજવણીમાં ભાગ લેતા મને ખૂબ આનંદ થાય છે. યોગથી માત્ર સ્વસ્થ રહી શકાય છે તેવું નથી તેનાથી એકાગ્રતા વધે છે અને આધુનિક જીવનમાં અનુભવાતા સ્ટ્રેસમાંથી રાહત મળે છે.

