ગુજરાત હિંદુ સોસાયટી, પ્રેસ્ટન દ્વારા લોકલ ચેરિટીઝ માટે ફંડરેઝિંગ

Wednesday 26th June 2019 07:05 EDT
 
 

૮ જૂન, ૨૦૧૯ને શનિવારે ગુજરાત હિંદુ સોસાયટી, પ્રેસ્ટન દ્વારા ‘સેન્ટ કેથરિન્સ હોસ્પિસ એન્ડ ગેલોવે’ના લાભાર્થે ભક્તિમય કાર્યક્રમ ‘ભજન સંમેલન’નું આયોજન કરાયું હતું. તેમાં ૩,૦૦૦ પાઉન્ડ એકત્ર કરવાનું લક્ષ્ય રખાયું હતું. જોકે, આ ઉમદા આશય માટે સૌએ આપેલા દાનને લીધે લગભગ ૪,૦૦૦ પાઉન્ડ એકઠા થયા હતા. કાર્યક્રમમાં હાજર રહેલા તમામ ભાવિકો પણ ઉત્સાહપૂર્વક ભજન ગાનમાં જોડાયા હતા. સંસ્થા દ્વારા દર વર્ષે લોકલ અને ઈન્ટરનેશનલ ચેરિટી માટે આ કાર્યક્રમના આયોજન દ્વારા ફંડ એકઠું કરવામાં આવે છે. ગયા વર્ષે ભજન સંમેલન દ્વારા સોસાયટીએ ૮,૦૦૦ પાઉન્ડ ઉઘરાવ્યા હતા. તેમાંથી ૪,૦૦૦ પાઉન્ડ રોઝમેરી કેન્સર ફંડ અને ૪,૦૦૦ પાઉન્ડ ભારતમાં ગાયોના કલ્યાણ હેતુ ચાલતા કામો માટે આપવામાં આવ્યા હતા.

ગુજરાત હિંદુ સોસાયટીના પ્રમુખ દશરથભાઈ નાયીએ જણાવ્યું હતું કે એક ચેરિટી તરીકે સંભાળની જરૂર હોય તેવા લોકો માટે અને ઓછી દ્રષ્ટિ ધરાવતા લોકોને મદદરૂપ થવા કાર્યરત લોકલ ચેરિટીઝને પણ યોગદાન આપવાની આપણી ફરજ છે. આ ફંડરેઝિંગ કાર્યક્રમમાં મદદરૂપ થવા માટે લીડ્સથી આવેલા રામદેવપીર ભજન મંડળના સભ્યો તેમજ આપણી સોસાયટીના ભજન મંડળના સભ્યોના અમો ઋણી છીએ. આ બન્ને સંસ્થાઓને ચેક અર્પણ કરવાનો કાર્યક્રમ આગામી ૧૪મી જુલાઈને રવિવારે બપોરે ૧૨.૩૦ વાગે યોજાશે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા મહાનુભાવોને આમંત્રિત કરાયા છે.

વધુ માહિતી માટે સંપર્ક. ઈશ્વર ટેલર 01772 253 901


comments powered by Disqus