તન-મનને ચુસ્ત-દુરસ્ત રાખતી આદર્શ જીવનશૈલી

Tuesday 25th June 2019 14:20 EDT
 
 

વડીલો સહિત સહુ વાચક મિત્રો, શુક્રવાર - ૨૧ જૂને વિશ્વસમસ્તમાં યોગ દિવસ ઉજવાયો. આનો બધો યશ આપણા લોકલાડીલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જ આપવો રહ્યો. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનો ઠરાવ નરેન્દ્રભાઇના પ્રયાસોથી જ યુનાઇટેડ નેશન્સમાં સર્વાનુમતે પસાર થયો છે તેનો ભાગ્યે જ કોઇ ઇન્કાર કરી શકશે. તે વખતે એક વર્ગ ચિંતા કરતો હતો કે યોગ તો હિંદુ પ્રણાલી છે, મુસ્લિમો તેને કેટલી હદે અપનાવશે તે સવાલ છે. આજે હકીકત શું છે? વિશ્વના જે દેશોમાં યોગ દિવસે આયોજનો થયા હતા તેના પર નજર ફેરવી લેશો તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જશે. ભારતની સૈકાઓ પુરાણી આ વિદ્યા આજે આંતરરાષ્ટ્રીય સીમાડા ઓળંગીને લોકજીવનમાં આગવું સ્થાન મેળવી રહી છે. ચીન હોય કે રશિયા, સાઉદી અરેબિયા હોય કે લેટિન અમેરિકા, સહુ કોઇ યોગને અત્યંત આવશ્યક અને ઉપયોગી સમજે છે.
એક અંદાજ અનુસાર, વિશ્વની કુલ વસ્તી સાત બિલિયનથી વધુ છે, તેમાંથી લગભગ ૩૫ ટકા લોકો યોગ પરંપરાને અપનાવવા યોગ્ય સમજે છે. સવિશેષ તો અમેરિકા, યુરોપ, જપાન જેવા વિકસિત દેશોમાં યોગના નિયમિત ઉપાસકોની સંખ્યા ૨૩ કરોડના આંકડે પહોંચી હોવાનું માનવામાં આવે છે. યોગના ઉપાસકોની દિન - પ્રતિ દિન વધી રહેલી સંખ્યાના પરિણામે આજે એક યા બીજા પ્રકારે લગભગ બે કરોડ લોકો આજીવિકા રળી રહ્યા છે. આમાં યોગ પ્રશિક્ષકોથી માંડીને જલ નેતીમાં ઉપયોગી લોટો, યોગા મેટ વેંચનારા સહુ કોઇ આવી જાય.
આજે યોગ પ્રત્યેનું આકર્ષણ દરેક સ્તરે જોવા મળી રહ્યું છે. જ્ઞાન, આર્થિક હાલત, ધર્મ, રંગભેદ - તેને કંઇ જ સ્પર્શતું નથી. તેનું કારણ છે જીવમાત્રને, સવિશેષ તો માનવમાત્રને સહુથી વધુ ચિંતા, અમૂંઝણ પોતાના આરોગ્ય વિશે રહેતી હોય છે. શુક્રવારે બ્રિટન સહિત વિશ્વભરમાં અસંખ્ય સ્થળોએ નાનામોટા પાયે યોગ સંબંધિત કાર્યક્રમો યોજાયા. ૨૦૧૪માં - આજથી પાંચ વર્ષ પૂર્વે યુનાઇટેડ નેશન્સની જનરલ એસેમ્બલીને સંબોધતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ યોગને વૈશ્વિક માન્યતા આપવાની માગણી કરતો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. મોદીએ તન-મનને સુખાકારી આપતા યોગનું મહત્ત્વ સમજાવ્યા બાદ રજૂ થયેલા આ પ્રસ્તાવને યુએનના તમામ ૧૯૫ સભ્ય દેશોએ એક અવાજે બહાલી આપી હતી. જ્યાં દરેક પ્રસ્તાવ રાજદ્વારી લાભાલાભને ત્રાજવે જ તોળાતો હોય છે તેવા યુએનમાં ૨૧ જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જાહેર કરવાના મુદ્દે રતિભાર મતભેદ નહોતો. હા, અગાઉ કહ્યું તેમ કેટલાક લોકોએ એ વાતે અવશ્ય શંકા હતી કે મુસ્લિમ દેશો ‘હિન્દુ યોગા’ને અપનાવશે કે કેમ? પરંતુ આજે આપણે જોઇએ છીએ તેમ યોગ ખરા અર્થમાં હિન્દુત્વના ચોકઠામાંથી બહાર નીકળીને બિનસાંપ્રદાયિક્તાનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યો છે. વર્ણ, ધર્મ, રંગભેદ, જાત-પાતની દરેક સરહદ ઓળંગીને યોગ વિશ્વના ખૂણે ખૂણે પહોંચ્યો છે તેમ કહેવામાં લગારેય અતિશ્યોક્તિ નથી.
યોગના સનાતન સંદેશમાં ઉમદા મૂલ્યો અને માનવજીવનો સાતત્યપૂર્ણ વિકાસ કેન્દ્રસ્થાને છે. ચીલાચાલુ ધર્મમાં જોવામાં આવતું નથી તેવું જ કંઈક યોગમાં જોવા મળે છે. કેટલાક લોકો હિન્દુ ધર્મ માટે કહે છે કે તે ધર્મ નહીં, જીવનશૈલી છે. યોગ માટે પણ આવું જ કહી શકાય.
શનિવારે ઇંડિયા હાઉસમાં એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો યોગ વિશે. પ્રસંગ હતો યોગ વિશે દ્વિતીય આંતરરાષ્ટ્રીય સેમિનારનો. ગયા વર્ષે આ સેમિનારનું યજમાન ન્યૂ યોર્ક હતું. આ વખતે લંડનના આંગણે સેમિનારનું આયોજન થયું હતું. આ પ્રસંગે ભારત સરકારે બેંગ્લૂરુ-સ્થિત સુપ્રસિદ્ધ યોગ નિષ્ણાત ડો. એચ. આર. નાગેન્દ્રને ખાસ તેડાવ્યા હતા. તેઓ યોગ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તરીકે પણ ફરજ બજાવે છે.
ડો. નાગેન્દ્રની વાત ચાલી રહી છે તો એક બીજી નાનકડી, પણ જાણવા જેવી આડ વાત કરી જ લઉં. દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં પ્રચંડ બહુમતી સાથે આમ આદમી પાર્ટી (‘આપ’)ના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે સત્તાના સૂત્રો સંભાળ્યા હતા. ચૂંટણી અગાઉ અને પછી પણ ભાજપને ભાંડવામાં ‘આપ’ કે અરવિંદ કેજરીવાલે કોઇ કસર છોડી નહોતી. આ સમયે કેજરીવાલ સતત ખાંસીની સમસ્યાથી પીડાતા હતા. ખોં-ખોં કર્યા વગાર તેઓ એકાદું વાક્ય પણ માંડ બોલી શકતા હતા. ગળે મફલર અને માથે (‘આપ’ની) ટોપી તો જાણે તેમનો ટ્રેડમાર્ક બની ગયા હતા. આ દરમિયાન તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળવા પહોંચ્યા. આ સમયે નરેન્દ્રભાઇએ તમામ રાજકીય મતભેદો કોરાણે મૂકીને અરવિંદભાઇને સલાહ આપી હતી કે તમે ખાંસીની તકલીફના નિવારણ માટે આવશ્યક ઉપચારો કર્યા જ હશે, પરંતુ ઠીક લાગે તો એક વખત બેંગ્લૂરુ જઇને ડો. નાગેન્દ્રને મળી આવો. તેઓ યોગ અને આયુર્વેદના અચ્છા જાણકાર છે, તમારી આ બીમારીનું સચોટ નિદાન પણ થઇ જશે અને ઉપચાર પણ. મેં પણ ત્યાંથી યોગ - આરોગ્ય વિશે સારી જાણીકારી મેળવી છે... વગેરે વગેરે.
બીજી બધી વાતોમાં ભલે કેજરીવાલને મોદી સાથે ૩૬નો આંકડો હોય, પણ તેઓ બેંગ્લૂરુ જઇને ડો. નાગેન્દ્રને મળ્યા. તેમના નેચરોપથી સેન્ટરમાં થોડાક દિવસ રોકાઇને ઉપચાર પણ કરાવ્યો હતો. અને કેજરીવાલની ખાંસીની જૂની સમસ્યાને તેમણે જડમૂળથી મટાડી દીધી હતી. આ જ ડો. એચ. આર. નાગેન્દ્ર ચારેક વર્ષ પૂર્વે આપણા કર્મયોગ હાઉસની મુલાકાતે પણ આવી ચૂક્યા છે. સાઉથ લંડનમાં રહેતા ચંદ્રકાંત શુક્લ તેમને લઇ આવ્યા હતા અને તેઓ બે-ત્રણ કલાક રોકાયા પણ હતા.
ગયા શનિવારે ઇંડિયા હાઉસમાં યોજાયેલા યોગ વિશેના આંતરરાષ્ટ્રીય સેમિનારમાં તેઓ મુખ્ય મહેમાન હતા. ડોક્ટર સાહેબની મુલાકાત દરમિયાન જૂની યાદો તાજી કરીને આનંદ થયો. આ પ્રસંગે બીજા પણ નિષ્ણાતો ઉપસ્થિત હતા અને સહુ કોઇએ યોગના વિવિધ પાસાંઓ વિશે વિશદ્ રજૂઆત કરી હતી. યોગ અને આયુર્વેદ, માનસિક આરોગ્ય માટે યોગ, જીવનશૈલીમાં સકારાત્મક્તા માટે યોગ, અધ્યાત્મ અને યોગ વગેરે વિષયો વિશે નિષ્ણાતોએ વિશદ્ છણાવટ કરી હતી. વિષયો ભલે અલગ અલગ હતા, પરંતુ તેમાં એક વાત સ્પષ્ટ તરી આવતી હતી કે યોગ માત્ર અંગકસરતના દાવપેચ નથી. યોગ માત્ર આસનો પૂરતાં જ સીમિત હોવાનું માની લેવું અઘટિત છે.
યોગ તો તન-મન-જીવનને ચુસ્ત-દુરસ્ત રાખતી આદર્શ જીવનશૈલી છે. યોગ તો શારીરીરિક, માનસિક, અધ્યાત્મિક, પારિવારિક, આર્થિક, સામાજિક - એમ સર્વ પ્રકારે આપણા જીવનને સ્પર્શે છે. યોગ એટલે આહાર-વિહાર-વિચારનો સમન્વય. યોગની ઉપાસના અનેક રીતે લાભદાયી છે કેમ કે તેના થકી રચાતો વિચાર - વાણી - વર્તનનો ત્રિવેણીસંગમ આપણા પોતીકા વિશ્વનું સર્જન કરે છે. તે વ્યકિતની વૈચારિક શક્તિને પ્રચંડ બનાવીને આવકારદાયક માર્ગે વાળવામાં અત્યંત મહત્ત્વનું યોગદાન આપે છે.
રવિવારે બ્રહ્મા કુમારી દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં દસેક હજારની વિશાળ જનમેદની ઉપસ્થિત હતી. વર્ણ કે રાષ્ટ્રીયતાના કોઇ પણ જાતના ભેદભાવ વગર ઉમટેલા આ સમુદાયને સંબોધતા સિસ્ટર શિવાનીએ અત્યંત પ્રેરણાદાયી, સરળ અને સહજ રીતે અમલી બને તેવી પ્રભાવશાળી રજૂઆત કરી હતી.

સંકલ્પથી સિદ્ધિ

કોશેટામાંથી જેમ રંગબેરંગી પતંગિયું નવું સ્વરૂપ ધારણ કરે છે લગભગ તે જ પ્રકારે સિસ્ટર શિવાનીનું પ્રેરણાદાયી સંબોધન ઉઘડતું ગયું. જાણે જ્ઞાનરૂપી કમળની પાંખડીઓ એક પછી એક ખુલી રહી હતી.
વાચક મિત્રો, આ અત્યંત પ્રેરણાદાયી પ્રવચન આપ ઓડિયો-વીડિયો સ્વરૂપે યુટ્યુબ પર નિહાળી શકો છો. આ માટે ગુગલમાં ટાઇપ કરો આ લિન્કઃ

https://bit.ly/2RCZKr9

વેમ્બલી અરેનામાં સિસ્ટર શિવાનીના પ્રેરક શબ્દોથી તૃપ્ત થઇને હું ટ્યુબમાં ઘરે પરત ફરી રહ્યો હતો. જોકે મનમાં તો સિસ્ટરના શબ્દો જ પડઘાતા હતા. અને આ જ સમયે માનસ-તખ્ત પર પ્રવેશ થયો જૂનાગઢના ભક્ત-કવિ નરસૈંયાનો. હાથમાં એકતારો રણકતો હતો ને હોઠ પર શબ્દો રમતા હતાઃ
જ્યાં લગી આત્મા તત્વ ચીન્યો નહીં
ત્યાં લગી સાધના સર્વ જૂઠી...
જો આપણે આત્મા તત્વને ઓળખી ન શક્યા હોઇએ, તેની સાથે નિકટનો નાતો જોડ્યો ન હોય, આપણું તાદાતમ્ય ન સાધ્યું હોય... હું કોણ છું? હું શા માટે આ ધરતી પર આવ્યો છું? હું શું કરી રહ્યો છું? અને મારે શું કરવું જોઇએ? આ અને આવા સંકલિત પ્રશ્નો અંગે જો આપણે ઊંડાણપૂર્વક વિચારીને તેનો જવાબ ન મેળવી શક્યા હોઇએ તો આપણી (જીવન) સાધના શું કામની? જો આપણે સાધનાની સાથે ચિંતન કરી શકીએ, સીધાસાદા જણાતા આ અઘરા પ્રશ્નોના જવાબ મેળવી શકીએ તો, સમજી લેવું કે આપણું જીવન ધન્ય થઇ ગયું છે. આપણે જો જીવનમાં આ કરી શક્યા તો સમજી લેવું કે...
સ્વર્ગ અહીં જ છે...
સ્વર્ગ અહીં જ છે...
સ્વર્ગ અહીં જ છે...
આમ તો નરસિંહ મહેતાનું આ ભજન અગાઉ પણ આ જ જ કોલમમાં ટાંકી ચૂક્યો છું, પરંતુ આજે ફરી એક વખત રજૂ કરી રહ્યો છું. તેની એક એક પંક્તિ, એક એક શબ્દને સમજવા પ્રયાસ કરશો તો ખ્યાલ આવશે કે રચયિતાએ કેટલા ઓછા શબ્દોમાં કેટલો મોટો જીવનસંદેશ આપ્યો છે.
મારો - તમારો - આપણો, જીવમાત્ર સતત એવી ઝંખનામાં રાચે છે કે આપણું આરોગ્ય સદાબહાર સ્વસ્થ રહે, સર્વ પ્રકારે સુખી રહીએ. આ સર્વ પ્રકારના સુખમાં પોતે, પોતાનો પરિવાર, આનંદપ્રમોદ, બધું આવી ગયું સમજી લો. આરોગ્ય-સુખાકારીની વાતો ચાલે છે તો આવોને બ્રિટનના કેટલાક રસપ્રદ આંકડાઓ પર પણ નજર ફેરવી લઇએ.
ઇસ્વી સન ૧૮૪૧માં આ દેશમાં પુરુષોનું સરેરાશ આયુષ્ય ૪૦.૨ વર્ષ હતું જ્યારે મહિલાઓનું આયુષ્ય ૪૨.૨ વર્ષ હતું. તે વેળા બાળમરણનું પ્રમાણ ખૂબ ઊંચું હતું અને તેના ફળસ્વરૂપ સરેરાશ આયુષ્ય પણ ઓછું જોવા મળતું હતું.
આ પછીના દસકાઓમાં બ્રિટિશ રાજનો સૂરજ મધ્યાહને હતો. આર્થિક સમૃદ્ધિના પગલે પગલે લોકોનું જીવનધોરણ સુધરી રહ્યું હતું, જેની અસર લોકોના તન-મનની સુખાકારી પર પણ જોવા મળી રહી હતી. પોષણક્ષમ ખોરાક, સ્વચ્છતા, રહેઠાણ, સેનિટેશન વગેરેના કારણે આરોગ્ય સંબંધિત વ્યવસ્થામાં બહુ જ સારા સુધારા જોવા મળ્યા. આ બધાના સરવાળે લોકોના આયુષ્યમાં વધારો થયો. ૧૯૨૦માં પુરુષોનું સરેરાશ આયુષ્ય ૫૫ વર્ષ થયું તો મહિલાઓનું આયુષ્ય ૫૯ વર્ષ થયું હતું.
આ દરમિયાન તબીબી વિજ્ઞાન એક પછી એક નવા સીમાડા સર કરી રહ્યું હતું. બાળકોને નાની ઉંમરમાં જ ભરખી જતાં જીવલેણ રોગોના ઉપચાર વેક્સિનેશન (રસીકરણ) થકી શક્ય બનવા લાગ્યા હતા. એક તરફ બાળ મૃત્યુનો દર વર્ષ પ્રતિ વર્ષ ઘટી રહ્યો હતો તો બીજી તરફ વિવિધ બીમારીને ઉગતી જ ડામતા કે તેનો સફળતાપૂર્વક ઇલાજ કરતા તબીબી સંશોધનો અને આધુનિકતમ ટેક્નોલોજીના પરિણામે લોકોનું સરેરાશ આયુષ્ય વધી રહ્યું હતું. વર્ષ ૨૦૧૫માં જાહેર થયેલા તારણ અનુસાર પુરુષોનું સરેરાશ આયુષ્ય વધીને ૭૯.૨ વર્ષ જ્યારે મહિલાઓનું સરેરાશ આયુષ્ય ૮૨.૯ વર્ષ છે.
જો બ્રિટનનો સામાન્ય નાગરિક યોગ વિજ્ઞાનને વ્યક્તિગત જીવનમાં સામેલ કરે તો તન-મનનું આરોગ્ય વધુ સબળું બનવાની સાથોસાથ સરેરાશ આયુષ્યમાં હજુ પણ વધારો થવાની ઉજળી શક્યતા છે. જોકે આપણી ગુજરાતીમાં ઉક્તિ છે ને જે પોષતું તે મારતું, તે નિત્ય ક્રમ દીસતો... કંઇક તેવું જ આ દેશમાં પણ જોવા મળી રહ્યું છે.
૨૦૧૯માં સરેરાશ બ્રિટિશ પ્રજાનો ખાસ્સો વર્ગ દારૂસેવન, સ્મોકિંગ, જંક ફુડ વગેરેમાં લિપ્ત જોવા મળે છે. એટલું જ નહીં, રોજિંદા જીવનમાં તે વધુ પડતા, બિનઆવશ્યક રઘવાટ, દોડધામ, તણાવ વગેરેના પરિણામે માનસિક, પારિવારિક અને આર્થિક સ્તરે ભારે નુકસાનકારક જીવન જીવી રહ્યો છે.
આશ્ચર્યની વાત તો એ છે કે સરકાર પણ જાણે છે કે આલ્કોહોલ, ટોબેકો, ગેમ્બલીંગ વગેરેનું દૂષણ લોકો માટે, તેમની જીવનશૈલી માટે નુકસાનકારક છે. આમ છતાં તે આમ આદમીને આ બધાની ચુંગાલમાંથી છોડાવવાનો પ્રયાસ કરતી હોય તેમ જણાતું નથી. કારણ?! સરકાર જાણે છે કે તેને આ બધા દૂષણોના વેપાર-ધંધા થકી જ કરવેરા પેટે અઢળક આવક થાય છે. માત્ર આ ક્ષેત્રો થકી જ બ્રિટિશ તિજોરીમાં વર્ષેદહાડે ૪૦થી ૫૦ બિલિયન પાઉન્ડની તગડી આવક ઉમેરાય છે.
જોકે સરકાર એ ન ભૂલવું જોઇએ જે આવક અર્થતંત્રને પોષી રહી છે તેના થકી જ અર્થતંત્ર પર ભારણ પણ વધી રહ્યું છે. દારૂ - તમાકુ જેવા દૂષણોમાં રચ્યાપચ્યા રહેતા વ્યક્તિનું આરોગ્ય કથળે છે, નેશનલ હેલ્થ સર્વીસ (NHS) પર ભારણ વધે છે, સારવાર પાછળના તોતિંગ ખર્ચાથી સરકાર/સમાજ આર્થિક સંકટમાં મૂકાય છે, કાયદો-વ્યવસ્થાની હાલત નબળી પડે છે. સરવાળે સ્થિતિ એવી સર્જાય છે કે સરકાર એક હાથે લઇને બીજા હાથે આપી દે છે.
નરસિંહ મહેતા ભજનની બીજી પંક્તિમાં કહે છે ‘ત્યાં લગી સાધના સર્વ જૂઠી...’ વાચક મિત્રો, હું આ પંક્તિમાં - નરસૈંયાની ક્ષમાયાચના સહ - થોડાક સુધારાઓ સાથે કહીશ કે ક્યાં લગી સાધના સર્વ જૂઠી? જ્યાં સુધી માણસ કરવા જેવા કામ કે વિચાર નહીં કરે અને ન કરવા જેવા કામ કે વિચાર કરતો રહેશે ત્યાં સુધી તેનું કલ્યાણ નથી જ થવાનું તે નક્કી છે. તન હોય, મન હોય કે જીવન હોય, સંકલ્પ વગર સિદ્ધિ નથી જ નથી. (ક્રમશઃ)

•••

જ્યાં લગી આત્મા તત્વ ચીન્યો નહિ
નરસિંહ મહેતા
જ્યાં લગી આત્મા તત્વ ચીન્યો નહિ,
ત્યાં લગી સાધના સર્વ જૂઠી,
મનુષ્ય-દેહ તારો એમ એળે ગયો
માવઠાની જેમ વૃષ્ટિ જૂઠી.
શુ થયું સ્નાન, પૂજા ને સેવા થકી
શું થયું ઘેર રહી દાન દીધે?
શુ થયું ધરી જટા ભસ્મ લેપન કર્યે,
શું થયું વાળ લોચન કીધે?
શું થયું તપ ને તીરથ કીધા થકી,
શું થયું માળ ગ્રહી નામ લીધે ?
શું થયું તિલક ને તુલસી ધાર્યા થકી,
શું થયું ગંગાજળ પાન કીધે?
શું થયું વેદ વ્યાકરણ વાણી વદે,
શું થયું રાગ ને રંગ જાણ્યે?
શું થયું ખટ દર્શન સેવ્યા થકી,
શું થયું વરણના ભેદ આણ્યે?
એ છે પ્રપંચ સહુ પેટ ભરવા તણા,
આતમારામ પરિબ્રહ્મ ન જોયો;
ભણે નરસૈંયો કે તત્વદર્શન વિના,
રત્ન-ચિંતામણિ જન્મ ખોયો.


comments powered by Disqus