અમિતાભ બચ્ચન હાલમાં ઇમરાન હાશ્મી સાથેની ફિલ્મ ‘ચેહરે’નું શૂટિંગ કરી રહ્યા હતા. આ ફિલ્મ રુમી જાફરીએ પ્રોડ્યુસ કરી છે અને આનંદ પંડિતે ડિરેક્ટ કરી છે. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન અમિતાભ બચ્ચને ૧૪ મિનિટનું દૃશ્ય એક જ ટેકમાં શૂટ કર્યું હતું. અમિતાભ બચ્ચનના દૃશ્ય વિશે આનંદ પંડિતે કહ્યું હતું કે, મને ખુશી છે કે હું એવી ફિલ્મનો એક ભાગ છું જેમાં એક ઐતિહાસિક દૃશ્ય છે. ૧૪ મિનિટનું દૃશ્ય કરવું અતિમુશ્કેલ હોય, પરંતુ એ માટે એક અલગ જ પ્રકારના ડેડિકેશનની જરૂર પડે છે. આ દૃશ્યને અમિતાભજીએ ખૂબ જ સરળતાથી ભજવ્યું હતું. સેટ પર નીરવ શાંતિ છવાઈ ગઈ હતી અને આ દૃશ્ય બાદ દરેક વ્યક્તિએ તાળીઓના ગડગડાટથી તેમને વધાવી લીધા હતા. તેઓ એક મહાન એક્ટર છે અને આપણે તેમની પાસેથી પ્રેરણા લેવી જોઈએ.
‘મને નાહકની વધુ પડતી ક્રેડિટ અપાઈ રહી છે’
અમિતાભ બચ્ચનનું કહેવું છે કે તેમણે ભજવેલા દૃશ્ય માટે તેમને વધુ પડતી ક્રેડિટ આપવામાં આવી રહી છે. સાઉન્ડ આર્ટિસ્ટ રેસૂલ પુકુટ્ટીએ ટ્વિટર પર ટ્વિટ કર્યું હતું કે આજે અમિતાભ બચ્ચને ભારતીય સિનેમામાં એક નવો ઇતિહાસ બનાવ્યો છે. તેઓ ‘ચેહરે’ના છેલ્લા દિવસે છેલ્લા શોટનું શૂટિંગ કરી રહ્યા હતા. તેમણે ૧૪ મિનિટના લાંબા દૃશ્યને એક જ ટેકમાં પૂરું કર્યું હતું. આ દૃશ્ય બાદ ટીમની દરેક વ્યક્તિ સેટ પર ઊભી થઈ ગઈ હતી અને તાળીઓ પાડતી જોવા મળી હતી. ડિયર સર, એમાં કોઈ શંકા નથી કે તમે દુનિયાના શ્રેષ્ઠ એક્ટર્સમાંથી એક છો. રેસૂલ પુકુટ્ટીના ટ્વિટનો જવાબ આપતાં અમિતાભ બચ્ચને ટ્વિટ કર્યું હતું કે, રેસૂલ... મારી ક્ષમતા અથવા તો હું જેને લાયક છું એના કરતાં તું મને વધુ ક્રેડિટ આપી રહ્યો છે.

