• ટોરી ડોનરના £૧ મિલિયનના ડિવોર્સ બિલને જજે હાસ્યાસ્પદ ગણાવ્યું
ત્રણ વર્ષના લગ્નજીવનમાં ભંગાણ બાદ કાનૂની કેસમાં એક મિલિયન પાઉન્ડ જેટલી રકમ ખર્ચી નાંખવા બદલ હાઈકોર્ટના જજ જસ્ટિસ હોલોમને કન્ઝર્વેટિવ પાર્ટીના ડોનર સર એન્ડ્રયુ કૂક અને તેમની અલગ થયેલી ઓસ્ટ્રિયન પત્ની બેરોનેસ એન્જેલિકા હિર્સ્ચ – સ્ટ્રોનસ્ટ્રોફ્ટ પર ‘હાસ્યાસ્પદ વર્તન‘નો આરોપ મૂક્યો હતો. બન્નેએ કાનૂની લડાઈમાં બે મિલિયન પાઉન્ડથી વધુ રકમ ખર્ચી નાંખી હતી. કેસની સુનાવણી કરી રહેલા જસ્ટિસ હોલોમને બન્નેને સમાધાન માટે અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે બન્નેએ ખૂબ અપ્રમાણસર રકમ ખર્ચી નાખી હતી. તેમણે બન્નેને લડાઈનો અંત લાવવા અને કોર્ટ બહાર સમાધાન કરવા જણાવ્યું હતું.
• યોગર્ટ ખાતા પુરુષોને આંતરડાના કેન્સરનું જોખમ ઘટે
પુરુષો એક અઠવાડિયામાં ઓછામાં ઓછું બે પોર્શન યોગર્ટ ખાય તો તેમના આંતરડાનું કેન્સર થવાની શક્યતા ખૂબ ઓછી થતી હોવાનું સંશોધનમાં જણાયું હતું. મેડિકલ જર્નલ ‘ગટ’માં પ્રકાશિત અહેવાલમાં જણાવાયું હતું કે યોગર્ટ લેવાથી આંતરડાનું કેન્સર આકાર લઈ શકે તે પહેલા થતું એડેનોમાની શક્યતા ૨૦ ટકા ઘટી જાય છે.
• ચોરો ચર્ચના રૂફની £૨૨૫,૦૦૦ની લેડ ટાઈલ્સ ચોરી ગયા
ચોરોએ હર્ટ્સના ફર્નક્સ પેલ્હામના સેન્ટ મેરી ચર્ચને નિશાન બનાવીને ચર્ચના બિલ્ડીંગ પરથી ૨૨૫,૦૦૦ પાઉન્ડની કિંમતનું લેડ ચોરીને ચર્ચનું આખું રુફ હટાવી દીધું હતું. તાજેતરમાં તેઓ ચોરી કરીને લેડની ટાઈલ્સ લઈ ગયા હતા. જોકે, ચર્ચ નજીક જમીન પર લેડનો થોડો જથ્થો પડ્યો હતો તેના આધારે ઓફિસરોએ માન્યું હતું કે રહીશોએ કદાચ તે ચોરોને પડકાર્યા હશે.
• સજા તરીકે બાળકનો રમવાનો સમય ન ઘટાડો
સ્કૂલોમાં બ્રેક ટાઈમમાં સતત ઘટાડો થઈ રહ્યો છે ત્યારે બાળકો સજા તરીકે તેમનું લંચ અથવા રમવાનો સમય ન ગુમાવે તે જોવા માનસશાસ્ત્રીઓએ અનુરોધ કર્યો હતો. બાળકોએ તેમનું કામ સમયસર પૂરું ન કર્યું હોય અથવા યોગ્ય વર્તન કર્યું ન હોય તો ઘણી સ્કૂલો તેમનો બ્રેકનો સમય ઘટાડી દે છે અથવા તો તેમને ક્લાસરૂમની અંદર જ રાખે છે. જોકે, માનસશાસ્ત્રીઓએ જણાવ્યું હતું કે આડીઅવળી રમત બાળકના વિકાસ માટે મહત્ત્વની છે.
• છમાંથી એક બેબી બૂમર પાસે પોતાની માલિકીનું બીજું મકાન
સમગ્ર યુકેમાં પ્રોપર્ટીની માલિકીમાં એકંદરે ઘટાડો થયો હોવા છતાં દ્વિતીય વિશ્વયુદ્ધ પછી જન્મેલા છમાંથી એક વ્યક્તિ પાસે પોતાની માલિકીનું બીજું મકાન છે. ૧૯૫૦ના દસકામાં જન્મેલા ૧.૨ મિલિયનથી વધુ લોકોએ ૨૦૧૪થી ૨૦૧૬ દરમિયાન બીજું મકાન, બાય ટુ લેટ અને વિદેશમાં પ્રોપર્ટી ખરીદી હતી. બ્રિટનમાં એકંદરે ૧૦ વયસ્કમાંથી એક એટલે કે ૫.૫ મિલિયન લોકો પાસે કુલ ૯.૪૧ બિલિયન પાઉન્ડની કિંમતનું બીજું મકાન છે.
• રોચડેલ સેક્સ ગેંગના દેશનિકાલના મુદ્દે વિવાદ
૧૨ વર્ષ જેટલી નાની છોકરીઓનું જાતીય શોષણ કરનારા રોચડેલ સેક્સ ગેંગના સભ્યોને હજુસુધી શા માટે તડીપાર નથી કરાયા તેનો ખુલાસો કરવા માટે હોમ ઓફિસ પર દબાણ વધી રહ્યું છે. આ લોકો દેશનિકાલ સામે ટેક્સપેયરોના નાણાંથી કાનૂની લડાઈ લડ્યા હતા અને તેમાં હારી ગયા હતા તે છતાં તેઓ કેમ દેશમાં જ છે ? ગેંગના ૬૬ વર્ષીય સૂત્રધાર શબ્બીર એહમદ સહિત ચારેય છોકરીઓ પર જાતીય અત્યાચાર ગુજારવાના ગંભીર ગુનામાં દોષી ઠર્યા બાદ દેશનિકાલના આદેશ સામે નિષ્ફળ પ્રયાસમાં કાનૂની સહાય તરીકે એક મિલિયન પાઉન્ડથી વધુની રકમ અપાઈ હતી.
• અડધા બ્રિટિશર્સ મહિને એક વખત મિત્રો, સંબંધીઓને મળે છે
લગભગ અડધા જેટલા બ્રિટિશર મહિને માત્ર એક કે તેથી ઓછી વખત પરિવાર અને મિત્રો સાથે હળતા મળતા હોવાનું સર્વેમાં જણાયું હતું. ગાઢ સંબંધીઓ સાથે માણસની પરસ્પર વાતચીતના અભાવને લીધે દેશની વેલબીઈંગ (સુખ)ના પ્રમાણમાં ઘટાડો થઈ રહ્યો છે. સર્વેમાં સેક્સલાઈફથી માંડીને ઉંઘની ગુણવત્તા, નાણાંકીય બાબતો, સંબંધો અને નોકરી વિશે લગભગ ૮,૦૦૦ લોકોને પ્રશ્રો પૂછવામાં આવ્યા હતા. તેમાં વેલબીઈંગનો સરેરાશ સ્કોર ૧૦૦માંથી ૬૦.૪ રહ્યો હતો. આ આંકડો ગયા વર્ષ કરતાં ૦.૩૮ પોઈન્ટ ઓછો હતો.
• બેંક ઓફ મમ એન્ડ ડેડ £૬.૩ બિલિયનની લોન આપશે
બેંક ઓફ મમ એન્ડ ડેડ આ વર્ષે ૬.૩ બિલિયન પાઉન્ડીની લોન આપશે તેવી શક્યતા છે. આ રકમ યુકેના ૧૧મા સૌથી મોટા મોર્ગેજ લેન્ડર દ્વારા આપાતી લોન જેટલી છે. પેરન્ટ્સ પણ વધુ ઉદાર થઈ રહ્યા છે અને સરેરાશ ૨૪,૧૦૦ પાઉન્ડ આપી રહ્યા છે. આ રકમ ૨૦૧૮ કરતાં ૬,૦૦૦ પાઉન્ડ વધારે છે.
• ગ્લોબલ રેંકિંગમાં કેમ્બ્રીજ યુનિવર્સિટી સાતમા ક્રમે
ગ્લોબલ હાયર એજ્યુકેશન રેંકિંગમાં કેમ્બ્રીજ યુનિવર્સિટી સાતમા ક્રમે રહી હતી. વત્તાઓછા અંશે યુનિવર્સિટી દ્વારા ટીચીંગ પાછળ વધુ રકમનો ખર્ચ પણ તેમાં એક કારણ રહ્યું છે. તે તેના ઐતિહાસિક નીચેના સ્તરથી એક ક્રમ નીચે છે. ૨૦૧૫માં કેમ્બ્રીજ યુનિવર્સિટી આ રેંકિંગમાં બીજા સ્થાને હતી. આ વાર્ષિક ટેલીમાં ગયા વર્ષે બ્રિટનની ૬૬ ટકા યુનિવર્સિટીઓ તેના સ્થાનથી નીચે રહી હતી. ભરચક ક્લાસીસ અને કર્મચારીઓના અસંતોષને લીધે તેમ થયું હોવાનું અભ્યાસમાં જણાયું હતું. ફેકલ્ટી દીઠ પર્ફોર્મન્સમાં ઘટાડો નોંધાયો હતો.
• બ્રિટનમાં વધુ પડતી સંખ્યામાં શ્વેત પુરુષ ટ્રેન ડ્રાઈવર
ટ્રેન કંપનીઓએ ડ્રાઈવરની ફરજ માટે વધુ મહિલાઓને આકર્ષવા તેના વધુ પડતા પ્રમાણમાં રહેલા શ્વેત પુરુષ ડ્રાઈવરોની સંખ્યા ઘટાડવી જોઈએ તેમ અહેવાલમાં જણાવાયું હતું. ટ્રેન ડ્રાઈવરના યુનિયનAslefદ્વારા જણાવાયું હતું કે ઈંગ્લેન્ડ, સ્કોટલેન્ડ અને વેલ્સમાં માત્ર૬.૫ ટકા મહિલા ડ્રાઈવર છે. તેમાં પણ માત્ર ૮ ટકા વંશીય લઘુમતિના છે.
• વિદેશમાં રિસોર્ટની જોબ ન લેવા યુવાનોને ભલામણ
આ સમરમાં વિદેશ કામ કરવા માટે જતાં યુવા બ્રિટીશર્સને આતિથ્ય ઉદ્યોગમાં ન જોડાવા અનુંરોધ કરાયો હતો. તેમાં યુવાનો શોષણનો ભોગ બનતા હોવાનું જણાવાયું હતું. રિસોર્ટ્સમાં કથિત પીઆર રિપ્રેઝન્ટેટિવ્સની નોકરીમાં ખૂબ ઓછો પગાર અને હલકી કક્ષાનું રહેઠાણ મળે છે. તેના લીધે ઘણાંને દેવું થઈ જાય છે અને તેઓ ડ્રગ વેચવા જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં જોડાવા લલચાય છે.
• એન્ક્ઝાઈટીથી પીડાતા ડ્રાઈવરોને પાર્કિંગ માટે બ્લૂ બેજના ઉપયોગને મંજૂરી
સરકારે પહેલી વખત ‘હીડન ડિસેબિલિટીઝ’ હોવાનું સ્વીકારતા એન્ક્ઝાઈટીથી પીડાતા વાહનચાલકો પાર્કિંગ માટે બ્લૂ બેજનો ઉપયોગ કરી શકશે. ધ ડિપાર્ટમેન્ટ ફોર ટ્રાન્સપોર્ટ દ્વારા કાઉન્સિલોને નવી ગાઈડલાઈન્સ જારી કરવામાં આવી હતી. તેમાં પાર્કિંગ એટેન્ડર્સને સલાહ અપાઈ હતી કે પ્રવાસમાં મુશ્કેલી ઉભી કરી શકે તેવી ડિમેન્શિયા અને એન્ક્ઝાઈટી જેવી સમસ્યાથી પીડાતા લોકો પરમીટ મેળવવા માટે લાયક છે.
• જેલ ભોગવતી મહિલાને બાળકને સાથે રાખવા દેવા ભલામણ
ગુનાખોરીના ચક્રને અટકાવવા માટે જેલની સજા ભોગવી રહેલી મહિલા ગુનેગારો તેમના બાળકો સાથે મીની જેલમાં રહી શકે તેવી વ્યવસ્થા કરવી જોઈએ તેમ અહેવાલમાં જણાવાયું હતું. મિનિસ્ટ્રી ઓફ જસ્ટિસ માટે તૈયાર કરાયેલા આ અહેવાલમાં જણાવાયું હતું કે જેલની સજા ભોગવી રહેલી ૪,૦૦૦ મહિલાઓ પૈકી ૫૪ ટકા મહિલાઓને ૧૮થી નીચેની વયના બાળકો છે.
• વફાદાર ગ્રાહકો પાસે વધુ ચાર્જ લેવા પર પ્રતિબંધ મૂકાશે
સરકાર દ્વારા જાહેર કરાયેલી યોજના મુજબ હવે કંપની પ્રત્યે નિષ્ઠાવાન રહેતા ગ્રાહકો પાસેથી વધુ રકમ વસૂલવા પર પ્રતિબંધ મૂકવામાં આવશે. કથિત ‘લોયલ્ટી પેનલ્ટી’ હેઠળ વર્તમાન ગ્રાહકોના ઈન્સ્યુરન્સ પ્રિમિયમ અથવા મોબાઈલ કોન્ટ્રાક્ટ્સની રકમમાં વધારો અથવા નવા ગ્રાહકો પાસેથી વધુ રકમ વસૂલવામાં આવે છે. આ પેનલ્ટી હેઠળ ગ્રાહકો પાસેથી દર વર્ષે ૪.૧ બિલિયન પાઉન્ડ વસૂલાય છે.
