ભારતમાં લોકસભા ચૂંટણીઓ તાજેતરમાં જ પૂર્ણ થઈ છે અને તેમાં ૫૫,૦૦૦ કરોડથી ૭૦,૦૦૦ કરોડ રૂપિયાનો તોતિંગ ખર્ચ થયો હોવાનું કહેવાય છે. આ સંજોગોમાં લોકસભા અને વિધાનસભાઓની ચૂંટણી એક સાથે યોજવા ‘એક રાષ્ટ્ર - એક ચૂંટણી’નો મુદ્દો ફરી ચર્ચામાં છે. મોદી સરકારના ઇરાદાઓને શંકાની નજરે નિહાળતા વિપક્ષો આ વિચારને સરમુખત્યારશાહી માનસિકતા ગણાવી રહ્યાં છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બોલાવેલી સર્વપક્ષીય બેઠકનો કોંગ્રેસ સહિત ૧૪થી વધુ પક્ષોએ બહિષ્કાર કર્યો હતો. બેઠકની નિષ્ફળતા પછી વાંધાવિરોધ ચકાસવા સમિતિ રચાઈ છે, જે આ પ્રકારની ચોથી સમિતિ છે.
રાજકીય પક્ષો વિધાનસભા - લોકસભાની ચૂંટણીઓ એક સાથે યોજવાના મુદ્દે એકમત ન હોવાના ઘણાં કારણો છે. પક્ષોને આમાં લાભ કરતાં નુકસાન જણાય છે. તેમની અસંમતિનો મુખ્ય મુદ્દો એ છે કે આ રીતે સાથે ચૂંટણીઓ યોજવામાં સૈદ્ધાંતિક અને બંધારણીય સમસ્યાઓ પણ છે. વિધાનસભા ચૂંટણીઓ સ્થાનિક મુદ્દાઓ, પ્રાદેશિક કે સ્થાનિક નેતા કે પક્ષોના કામકાજને આધાર પર લડાય છે. લોકસભા - વિધાનસભા ચૂંટણીઓ સાથે યોજવાથી સ્થાનિક મુદ્દાઓનું મહત્ત્વ નહિ રહે અને રાષ્ટ્રીય મુદ્દાઓ પર જ મતદાન થશે. પ્રાદેશિક પક્ષો ફેંકાઈ જશે. જોકે, સાવ એવું નથી. વિધાનસભા ચૂંટણીમાં લોકો સ્થાનિક મુદ્દાઓને મહત્ત્વ આપવાના જ છે. અલબત્ત, વન નેશન - વન ઈલેક્શનના તર્ક સામે લાંબો સમય અસહમતિ દર્શાવી ન શકાય. કોઈ પણ મુદ્દામાં લાભ અને ગેરલાભ બન્ને હોવાના જ, પરંતુ દેશહિત શેમાં છે તેના પર ધ્યાન કેન્દ્રિત થવું જોઈએ.
ચૂંટણી પંચે પહેલી વખત વર્ષ ૧૯૮૩માં વન નેશન વન - વન ઈલેક્શન વિચાર વહેતો મૂક્યો હતો. પંચનાં સૂચન મુજબ લોકસભાને નિશ્ચિત સમય પહેલાં ભંગ થતી બચાવવા કાર્યકાળના આરંભ અને સમાપનની તારીખો નિર્ધારિત કરી શકાય છે. આ પછી, ત્રણ સમિતિએ વિસ્તૃત અહેવાલો આપ્યા છે. ૨૦૧૫માં પ્રથમ પાર્લામેન્ટરી સમિતિએ એક સાથે ચૂંટણીના બદલે અડધા રાજ્યોની ચૂંટણી લોકસભાની ચૂંટણી સાથે અને બાકીના અડધા રાજ્યોની ચૂંટણી લોકસભાની અડધી મુદત થાય ત્યારે કરવાની સલાહ આપી હતી. નીતિ આયોગે ૨૦૧૬ના રિપોર્ટમાં આ પ્રસ્તાવને ટેકો આપ્યો તો લો કમિશને ૨૦૧૮ના રિપોર્ટમાં વર્તમાન બંધારણીય માળખામાં ફેરફાર વિના આ અશક્ય હોવાનું જણાવ્યું છે. નીતિ પંચે તો ૨૦૨૪માં લોકસભા અને રાજ્યોની વિધાનસભાની ચૂંટણી એક સાથે યોજી શકાય તેમ કહ્યું છે.
ઉલ્લેખનીય છે કે ભારતમાં ૧૯૫૧-૫૨, ૧૯૫૭, ૧૯૬૨ અને ૧૯૬૭માં એક સાથે ચૂંટણી યોજાઈ હતી. જોકે, આટલા મોટા દેશમાં અને રાજ્યોની વધુ સંખ્યા સાથે આ વ્યવસ્થા ટકવી મુશ્કેલ પણ હતી. આજે પરિસ્થિતિ એવી છે કે દેશ સતત ઈલેક્શન મોડમાં જ રહે છે. વિધાનસભા અથવા લોકસભા તેમજ ખાલી પડેલી બેઠકો માટે પેટા-ચૂંટણી સહિત ચૂંટણીઓ થતી જ રહે છે. ચૂંટણીઓના કારણે સરકારના પાંચ વર્ષના કાર્યકાળમાં આશરે ૩૦૦થી વધુ દિવસ આદર્શ આચારસંહિતામાં વેડફાય છે, જે સરવાળે નુકસાનકારી બની રહે છે. મહત્ત્વની બાબત એ છે કે ચૂંટણીની કામગીરી જલ્દી અને સરળતાથી પૂરી થાય તો સમય, નાણાં અને સંસાધનોની ઘણી મોટી બચત થઇ શકે એમ છે. આ નાણાં દેશના વિકાસમાં કામે લગાવી શકાય છે.
