BAPS ના વડા પૂ. મહંત સ્વામી હાલ અટલાદરા ખાતે બિરાજમાન છે. પૂ.મહંત સ્વામીની પ્રાતઃપૂજા અને સાયંસભામાં મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહીને તેમના દર્શન અને આશીર્વાદનો લાભ લઈ રહ્યા છે. તેમની નિશ્રામાં વિવિધ દિનની ઉજવણી થઈ રહી છે. ૨૩ જુલાઈએ ‘ગુણગ્રાહક દિન’ ઉજવાયો હતો. તેમાં અભાવ અવગુણ લેવાથી કેવી દુર્દશા થાય છે અને ગુણ ગ્રહણ કરવાથી કેવો ફાયદો થાય છે તે વાત સંવાદ દ્વારા દર્શાવવામાં આવી હતી. પૂ. મહંત સ્વામીએ આશીર્વચનમાં કહ્યું, ‘શ્રીજી મહારાજથી આપણા ગુરુઓનું પ્રવચન-વર્તન જુઓ. કોઈ જગ્યાએ અભાવગુણની વાત લેશ પણ કરી છે? તો આપણે શું કામ કરવી?’ ૨૪મીએ ‘મહાનુભાવ દિન’ ઉજવાયો હતો. તેમાં વડોદરાના તમામ ક્ષેત્ર અને વ્યવસાયના અગ્રણીઓએ ઉપસ્થિત રહીને પૂ. મહંત સ્વામીના દર્શનનો લાભ લીધો હતો. ત્યારબાદ પૂ. મહંત સ્વામીએ બીએપીએસ સ્વામીનારાયણ છાત્રાલય અટલાદરાના છાત્રોને દર્શનનો લાભ આપ્યો હતો. ૨૬મીએ ‘પ્રાપ્તિ દિન’ ઉજવાયો હતો. તેમાં વ્યક્તિને મોટી પ્રાપ્તિ થઈ હોય તે છતાં નાની બાબતોમાં રડતી હોય છે જ્યારે ઘણાં હરિભક્તો સાંસારિક દુઃખો હોવા છતાં આનંદમાં રહેતા હોય છે તે દ્રષ્ટાંતો દ્વારા સમજાવાયું હતું. તેના બીજા ભાગમાં માન-અપમાનમાં સત્સંગ છોડી દઈએ તો પ્રાપ્તિ ગુમાવવાનો વારો આવે તે વાત સંવાદ દ્વારા રજૂ કરવામાં આવી હતી. ૨૭મીએ ‘યુવાદિન’ ઉજવાયો હતો. તેમાં જે યુવાનોએ તાજેતરમાં આયોજિત બાળ - યુવા અધિવેશનમાં ભાગ લીધો હતો તેમણે તૈયારીઓ પહેલા, તૈયારી દરમિયાન અને તે પછી તેમજ પરિણામો બાદ તેમને થયેલા અનુભવોની વાત કરી હતી. તેમણે અધિવેશન દરમિયાન રજૂ કરેલા પસંદગીના મુખપાઠ, સંવાદ પૂ. મહંત સ્વામીની ઉપસ્થિતિમાં રજૂ કર્યા હતા.

