રાજકારણમાં બોલકાં હોવું જરૂરી ગણાય છે, પરંતુ બેફામપણે બોલવું તે દુર્ગુણ જ કહેવાય. સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાન બેફામપણે બોલતા રાજકારણી છે. લોકશાહીના પવિત્ર મંદિર લોકસભામાં સાંસદ આઝમ ખાને ૨૫ જુલાઈએ ભાજપ સાંસદ અને ત્રણ તલાક સંબંધિત ખરડા પરની ચર્ચા વેળા ગૃહનું અધ્યક્ષપદ સંભાળતાં રમા દેવી પર અભદ્ર ટિપ્પણી કરતાં ભારે હોબાળો થયો. તેમના રાજીનામાની અને સંસદમાંથી સસ્પેન્ડ કરી દેવાની પણ માગણી પણ ઉઠી. જોકે, સોમવારે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાના આદેશ બાદ આઝમ ખાને પોતાના શબ્દો અંગે ખેદ દર્શાવીને માફી માંગી લેતાં અત્યારે તો મામલો શાંત પડ્યો છે. બિહારના શિવહરના સાંસદ રમા દેવીએ તેમને હદ કરતાં વધારે બગડેલી આદત સુધારવાની સલાહ પણ આપી હતી.
ભારતની સંસ્કૃતિ ‘યત્ર નાર્યસ્તુ પૂજયન્તે તત્ર રમન્તે દેવતા:’ની રહી છે. આઝમ ખાનના વાણી-વર્તન આ સંસ્કૃતિ તેમજ નારીની ગરિમાનું ખંડન કરનારાં હતાં. લોકસભાને રાજકીય પક્ષાપક્ષીને બાજુએ રાખી તમામ મહિલા સાંસદોએ યોગ્યપણે આઝમની ટીપ્પણીનો જોરદાર વિરોધ કર્યો હતો. આઝમ ખાને રમા દેવીને પોતાના આદરણીય બહેન કહીને વાતને વાળી લેવાનો ભલે પ્રયાસ કર્યો હોય, પણ આખરે તો એ માથું વાઢીને પાઘડી પહેરાવ્યાં જેવું જ કહેવાય. સંસદમાં સભ્યોને પોતાની રજૂઆતનો મોકો મળે ત્યારે તેમના નિવેદનો સામે ફરિયાદ કે કાનૂની કાર્યવાહી કરી શકાતી નથી. તેનો અર્થ એવો હરગિજ ન થાય કે તેઓ મનફાવે તેવું વાણી-વર્તન કરે.
ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન અને સપા પ્રમુખ અખિલેશ યાદવ તો વળી આઝમ ખાનનો બચાવ કરતા જોવા મળ્યા હતા. તેમણે તો આઝમ ખાને અધ્યક્ષપદ કે રમા દેવીનું અપમાન કર્યું હોવાનો ઈનકાર જ કરી દીધો હતો. એટલું જ નહીં, ઉલટા ચોર કોટવાલ કો દાંટેની માફક ભાજપના સાંસદોને જ અશિષ્ટ ગણાવ્યા હતા. જો ખાનનું નિવેદન બિનસંસદીય જણાય તો ગૃહના રેકોર્ડમાંથી હટાવી લેવાની માગણી કરી હતી.
કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ યોગ્ય કહ્યું છે કે આઝમ ખાનનું શર્મનાક નિવેદન તેમના ચરિત્રનું પ્રતિબિંબ છે. તેમનો બચાવ કરીને અખિલેશ યાદવે પણ પ્રમાણિત કર્યું છે કે તેમની વિચારધારામાં પણ કોઈ ફેરફાર નથી. જે ગૃહમાં મહિલા સાથે નિંદનીય વ્યવહાર કરી શકે છે તો તેઓ સામાન્ય મહિલા સાથે કેવી રીતે વ્યવહાર કરતા હશે?
આઝમ ખાને બેફામ વાણીવિલાસ કર્યો હોય તેવી આ પ્રથમ ઘટના નથી. તેમણે લોકસભાની ચૂંટણીના પ્રચાર સમયે પણ અભિનેત્રી અને ભાજપના વર્તમાન સાંસદ જયા પ્રદા માટે પણ અત્યંત અભદ્ર ટીપ્પણી કરી હતી. આ ઉપરાંત, મોબ લિંચિગની આલોચના કરતાં તેમણે એવું વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું કે દેશના મુસ્લિમો ૧૯૪૭ના ભાગલા પછી પાકિસ્તાન ન જવાની સજા ભોગવી રહ્યા છે. મુસ્લિમોના હામી બની સતત લાઈમલાઈટમાં રહેવા મથતા આઝમ ખાનને ભૂમાફિયા જાહેર કરાયા છે તેની પણ નોંધ લેવી જોઈએ. તેમના વિરુદ્ધ જૌહર યુનિવર્સિટી માટે ત્રણ ખેડૂતોની જમીન પર કબજો કરવાના આરોપ છે, જેને આઝમ ખાને બદલાની રાજનીતિ ગણાવી તમામ આરોપો ખોટાં કહી ફગાવી દીધા છે. આવા રાજકારણીઓ અને તેમને ચલાવી લેનારા રાજકીય પક્ષો જ દેશને બદનામ કરે છે તે ન ભુલવું જોઈએ.
