પાકિસ્તાનનો અસલી ચહેરો સામે આવ્યો

Tuesday 30th July 2019 08:30 EDT
 

આખરે પાકિસ્તાનના હૈયે હતું તે વડા પ્રધાન ઈમરાન ખાનના હોઠે આવી જ ગયું છે. અમેરિકી કોંગ્રેસ દ્વારા ભંડોળ મેળવતી વોશિંગ્ટનસ્થિત થિન્ક ટેન્ક યુએસ ઈન્સ્ટિટ્યૂટ ઓફ પીસ સમક્ષ ઇમરાન ખાને ચોંકાવનારી કબૂલાત કરી છે કે અફઘાનિસ્તાન કે કાશ્મીરના કેટલાક ભાગોમાં તાલીમ મેળવેલા અને લડેલા ૪૦,૦૦૦ જેટલાં આતંકી પાકિસ્તાનમાં છે. ભારત વિરુદ્ધના પ્રોક્સી યુદ્ધમાં પાકિસ્તાની શાસકો અફઘાની તાલિબાન, હક્કાની નેટવર્ક, જૈશ-એ-મોહમ્મદ, લશ્કર-એ-તૈયબા સહિતના આતંકી સંગઠનોને સલામત આશ્રયસ્થાન પૂરું પાડતું હોવાનો આરોપ ભારત અને અફઘાનિસ્તાન દ્વારા લાંબા સમયથી થતો રહ્યો છે. હવે ઇમરાન ખાનની કબૂલાતથી ભારત પર આતંકી હુમલાઓનું સંચાલન પાકિસ્તાનસ્થિત સંગઠનો દ્વારા જ કરાતું હોવાના દાવાને સમર્થન મળ્યું છે.
ઈમરાન ખાને તો અમેરિકાની મુલાકાત દરમિયાન એટલે સુધી કહી નાખ્યું છે કે પાકિસ્તાનની અગાઉની સરકારોએ તેમના દેશમાં કાર્યરત ઓછામાં ઓછાં ૪૦ આતંકી સંગઠનો અંગે અમેરિકા સમક્ષ જૂઠાણું આચરેલું છે. અગાઉની સરકારોમાં આતંકવાદનો સફાયો કરવાની ઇચ્છાશક્તિ જ ન હતી એવું કહેવાનો અર્થ તો એ જ થયો કે પાકિસ્તાનની રહેમનજર હેઠળ જ આવા સંગઠનો ફૂલ્યાંફાલ્યાં છે.
ઈમરાનનો સૌથી મોટો ઘટસ્ફોટ અને કબૂલાત એ પણ છે કે ભારતના પુલવામા ખાતે સીઆરપીએફના કાફલા પર કરાયેલા આતંકી હુમલામાં કાશ્મીર અને પાકિસ્તાનમાં રહેલા ત્રાસવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો હાથ હતો. ભારતે આ વર્ષની ૧૪ ફેબ્રુઆરીએ ૪૦ જવાન શહીદ થયા તે પુલવામા હુમલામાં જૈશ-એ-મોહમ્મદનો હાથ હોવાના પુરાવા પાકિસ્તાનને આપ્યા જ હતા. યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલમાં ચીનના વીટો પાવરના સહારે પાકિસ્તાને આ જ સંગઠનના સર્વેસર્વા મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવાનો વિરોધ કર્યો હતો તે જાણીતી વાત છે. આમ છતાં, પુલવામા હુમલામાં પાકિસ્તાનનો હાથ નહિ હોવાની સુફિયાણી દલીલો કરવામાં ઈમરાન ખાન પાછા પડ્યા નથી.
પાકિસ્તાનમાં સક્રિય ૩૦,૦૦૦થી ૪૦,૦૦૦ આતંકવાદીઓ મુદ્દે ઇમરાન ખાનની કબૂલાત તેમને જ ભારે પડશે તેમાં કોઈ શંકા નથી. પાકિસ્તાન માટે તો અબી બોલા અબી ફોક સામાન્ય ગણાય છે, પરંતુ આતંકવાદીઓને ભંડોળ વિરુદ્ધ કાર્યરત વૈશ્વિક સંસ્થા ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF)માં આ નિવેદનોની ગંભીર નોંધ લેવાશે. પાક. આર્મીએ અગાઉ દાવો કર્યો હતો કે તેમના દેશમાં કોઇ પણ આતંકી સંગઠનની હાજરી નથી. હવે તેના જ વડા પ્રધાન કહે છે કે પ્રથમ વખત પાકિસ્તાન સરકારે આતંકી સંગઠનો વિરુદ્ધ પ્રતિબંધ સહિતની કાર્યવાહી શરૂ કરી છે. પાકિસ્તાન એન્ટી-ટેરરિઝમ એક્ટના શિડ્યુલ-૪માં પ્રતિબંધિત આતંકી સંગઠનોની વિસ્તૃત જાણકારીમાં માત્ર ૮૦૦૦ સક્રિય આતંકીને સૂચિબદ્ધ કરાયા છે. હવે પાકિસ્તાની આર્મી, સરકાર કે વડા પ્રધાનમાંથી કોણ સાચું બોલે છે તેવો પ્રશ્ન ઉઠે તો તેમાં નવાઈ નથી.
પાકિસ્તાનના વિરોધ પક્ષોએ ઈમરાન ખાનને જૂઠા, ભ્રષ્ટ અને આતંકીઓના સમર્થક ગણાવી તેમણે આતંકવાદ મુદ્દે આંતરરાષ્ટ્રીય સમુદાયને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કર્યો હોવાની ટીકા કરીને જૂઠાણાંનો ગોબેલ્સ એેવોર્ડ આપવાની હિમાયત પણ કરી છે. જોકે, આવો એવોર્ડ તો સમગ્ર પાકિસ્તાનને આપવો પડે તેવી હાલત છે. લશ્કર-એ- તૈયબાના સ્થાપક હાફિઝ સઈદ તેમજ જૈશ-એ-મોહમ્મદ જેવા આતંકી સંગઠનો સામે કહેવાતી કાર્યવાહી વિશ્વની આંખોમાં ધૂળ નાંખવા સમાન જ છે. આ સંગઠનોના મદરેસાઓ કે અન્ય પ્રવૃત્તિઓ બંધ કરાવી દેવાથી આતંકવાદ બંધ થવાનો નથી. ઈમરાન ખાને જો ભારત સાથે સારાં સંબંધો બાંધવાની તાલાવેલી કે રાજકીય ઈચ્છાશક્તિ દર્શાવવી હોય તો પહેલા તેમણે પાકિસ્તાનની ધરતી પર જે આતંકવાદીઓની સંખ્યા જણાવી છે તેમની વિરુદ્ધ કડક હાથે કામ લઈને તેમના સફાયા વિશે સક્રિયપણે વિચારવું પડશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કાશ્મીર મુદ્દે મધ્યસ્થી માટે અમેરિકાને વિનંતી કરી હોવાના પ્રમુખ ટ્રમ્પના કહેવાતા દાવાથી ખુશ થવાની જરૂર નથી કારણ કે ભારત આ બાબતે સ્પષ્ટ છે કે કાશ્મીર મામલે દ્વિપક્ષી મંત્રણા જ શક્ય છે, તેમાં ત્રીજા પક્ષકારને કોઇ સ્થાન જ નથી. અને રહી વાત શાંતિમંત્રણાની, તો ભારત એ મુદ્દે પણ સ્પષ્ટ છે કે પાકિસ્તાને પહેલાં ભારતવિરોધી આતંકવાદને નાથવો પડશે, જ્યાં સુધી આતંકને પાળતું-પોષતું રહેશે ત્યાં સુધી મંત્રણાને કોઇ અવકાશ નથી.


comments powered by Disqus