મોસ્કોમાં BAPS સ્વામીનારાયણ સંસ્થા દ્વારા વિશેષ હિંદુ સભા યોજાઈ

Wednesday 31st July 2019 06:25 EDT
 
 

BAPS સ્વામીનારાયણ સંસ્થા દ્વારા ૨૭ જુલાઈએ રશિયાના મોસ્કોમાં ઈન્ડિયન નેશનલ કલ્ચરલ સેન્ટર SITAખાતે બીએપીએસ એક્ટિવિટિઝ વર્લ્ડવાઈડના કન્વીનર પૂ. ઈશ્વરચરણ સ્વામી તેમજ ભારતથી પધારેલા અન્ય વરિષ્ઠ સ્વામીઓની ઉપસ્થિતિમાં વિશેષ હિંદુ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

ઈન્ડિયન નેશનલ કલ્ચરલ સેન્ટર SITA નોન-પ્રોફિટ સંસ્થા છે જેનું કાર્ય રશિયામાં રહેતા ભારતીયો, વિદેશીઓ અને સ્થાનિક રશિયન લોકોમાં ભારતીય સંસ્કૃતિ અને વારસાને સન્માનવાનું, પ્રોત્સાહન આપવાનું અને તેની સાથે સંકળાયેલા રાખવાનું છે.

આ વિશેષ સભાની થીમ ભગવાન સ્વામીનારાયણના પાંચમા આધ્યાત્મિક વારસ પૂ. પ્રમુખ સ્વામી મહારાજની આધ્યાત્મિક પ્રકૃતિ ‘ઈન ધ જોય ઓફ અધર્સ’ રાખવામાં આવી હતી. તેમણે તેમનું આખું જીવન ‘બીજાના સુખમાં આપણું સુખ સમાયેલું છે’ના સિદ્ધાંતને અનુસરીને વીતાવ્યું હતું. વક્તા સ્વામીઓએ પૂ. પ્રમુખ સ્વામી મહારાજના ઉપદેશો અને તેમના નિઃસ્વાર્થ જીવનની પ્રવચનો, ભજનો અને પ્રેઝન્ટેશન્સ દ્વારા રજૂઆત કરી હતી.

આ કાર્યક્રમના મુખ્ય અતિથિપદે વરિષ્ઠ સરકારી સલાહકાર મિખાઈલ દેવ્યદોવ ઉપસ્થિત રહ્યા હતા. તેઓ પૂ. પ્રમુખ સ્વામી મહારાજના ઉદાહરણરૂપ જીવન અને મૂલ્યોથી ખૂબ પ્રભાવિત થયા હતા. દેવ્યદોવે પૂ. પ્રમુખ સ્વામીના કેટલાંક મૂલ્યો પોતાના અંગત જીવનમાં આત્મસાત કરવાની પ્રતિજ્ઞા લીધી હતી.

બીએપીએસના અગ્રણી વોલન્ટિયર સનય કારાએ જણાવ્યું હતું, ‘અમને સહયોગ અને સપોર્ટ કરવા બદલ અમે SITAનો આભાર માનીએ છીએ. પૂ. પ્રમુખ સ્વામી મહારાજનો અસીમ સ્નેહ લાખો લોકોના જીવનને સ્પર્શી ગયો છે. મોસ્કોમાં આ સર્વવ્યાપી મૂલ્યો શેર કરવાની અમને જે તક મળી તેનાથી અમે ગૌરવની લાગણી અનુભવીએ છીએ.’


comments powered by Disqus