શુન્યથી સમૃદ્ધિના શિખર સુધી....

સી. બી. પટેલ Tuesday 30th July 2019 08:32 EDT
 
 

પ્રિય વાચકમિત્રો, આ વાત ૧૯૫૭ની છે જ્યારે સોવિયેત સંઘે સૌ પ્રથમ કૃત્રિમ ઉપગ્રહ સ્પુટનિકને અવકાશમાં તરતો મૂકીને તેના કટ્ટર દુશ્મન યુએસએ અને સમગ્ર વિશ્વને સ્તબ્ધ બનાવી દીધું હતું. થોડાં વર્ષ પછી, ૧૯૬૦માં તત્કાલીન અમેરિકી પ્રમુખ જ્હોન એફ કેનેડીએ કોંગ્રેસ સમક્ષ ઉભા થઈને પ્રતિજ્ઞા લીધી હતી કે માનવીને ચંદ્ર પર મોકલનારો પ્રથમ દેશ યુએસએ જ હશે. તેમણે કહ્યું હતું કે,‘આપણે ચંદ્ર પર ચડાઈ કરવાનું પસંદ કર્યું છે.’ આ મહત્ત્વપૂર્ણ વક્તવ્યના નવ વર્ષ પછી,૨૧ જુલાઈ ૧૯૬૯ના દિવસે અવકાશયાત્રી નીલ આર્મસ્ટ્રોંગ ચંદ્ર પર કદમ મૂકનારા પ્રથમ માનવી બન્યા. આ પછી તો, રશિયા, યુએસએ, ચીન અને હવે ભારત તેમજ અન્ય દેશો પણ આ સ્પર્ધામાં જોડાયા છે, જેનો આરંભ સોવિયેત સંઘ દ્વારા કરાયો હતો.
લગભગ તે જ અરસામાં બ્રિટિશ ભારતીયો/એશિયનોની યાત્રાનો પણ આરંભ થયો હતો. ૧૯૫૭ અગાઉ યુકેમાં ભારતીયોની હાજરી અત્યંત પાંખી હતી. એ બાબત તો જાણીતી છે કે તેઓ શરૂઆતમાં સાઉથોલમાં રબરની ફેક્ટરીમાં કામ કરતા હતા. આ માઈગ્રન્ટ્સ મુખ્યત્વે શીખ જવાનો હતા જેમને બ્રિટિશ આર્મીમાંથી નિવૃતિ બાદ ફેક્ટરીમાં કામ કરવા માટે ભરતી કરાયા હતા. ૧૯૪૦ના દાયકાના ઉત્તરાર્ધ અને ૧૯૫૦ના દાયકાની શરૂઆતના ગાળામાં મોટાભાગે મીરપુરમાંથી પાકિસ્તાનીઓ અને ગણ્યાંગાંઠ્યાં બંગાળીઓએ યુકેમાં સ્થળાંતર કર્યું હતું. આમાંના ઘણા લોકો લેન્કેશાયર/યોર્કશાયરમાં આવેલા ટેક્સ્ટાઈલ અને ઊનના ઉદ્યોગોમાં જોડાઈ ગયાં હતાં જ્યારે, બાકીના લોકો મિડલેન્ડ્સની મેટલ ઈન્ડસ્ટ્રીમાં જોડાયાં હતાં. બ્રિટિશ એશિયનોની સંખ્યા વધતી ગઈ તેમ ‘આંતરિક’ વેપાર પણ પ્રમાણમાં વધતો ગયો. જોકે, FMCG માર્કેટમાં તેમનો મહત્ત્વપૂર્ણ પ્રવેશ ૧૯૫૦ અને ૧૯૬૦ના દાયકાઓમાં જોવા મળ્યો હતો. અગાઉના ગુજરાત સમાચારમાં આપે રમણભાઈ પુરુષોત્તમદાસ પટેલનું આભારદર્શન-નિવાપાંજલિ વાંચી હશે.
તેમનો જન્મ ૧૯૨૨માં ભારતના રાસ (જિલ્લો-આણંદ) ખાતે થયો હતો. તેમણે માત્ર ત્રણ વર્ષની નાની વયે જ માતાની ઓથ ગુમાવી હતી અને દાદીમા ઝવરબાએ તેમને ઉછેર્યા હતા. રમણભાઈએ શાળામાં સારા રમતવીર, સારા કુશ્તીબાજ અને સારા તરવૈયા તરીકે નામના કાઢી હતી અને બે જીવનરક્ષણ મેડલ્સ સહિત બંને સ્પોર્ટ્સમાં ઢગલાબંધ મેડલ્સ મેળવ્યા હતા. તેમના લગ્ન ૧૯૪૨માં તારાબહેન સાથે થયા અને પછી તેઓ વધુ અભ્યાસ કરવા માટે ૧૯૫૨માં યુકે આવી પહોંચ્યા હતા. રમણભાઈ ક્વોલિફાઈડ મોટર મિકેનિક હતા અને તેમણે ડાગેનહામમાં ફ્રેઝ નાશ, ફોર્મ્યુલા વન (F1) અને ફોર્ડમાં કામ કર્યું હતું.
તેમણે ૧૯૫૮માં વેસ્ટ લંડનના વેસ્ટબોર્ન પાર્કમાં પોતાનો સૌપ્રથમ ગ્રોસરી સ્ટોર (કરિયાણાંની દુકાન) ખોલ્યો હતો. આ પછી તો તેઓ વેસ્ટ હેમ્પસ્ટીડ, બ્લેકહીથ, વેસ્ટ હેંડન, ક્રોયડન અને ક્વીન્સ પાર્કમાં સ્ટોર્સના માલિક પણ બન્યા હતા. તેમના પત્નીનું અવસાન ૧૯૮૩માં થયું અને તેઓ ખુદ ૧૯૯૦માં શરીરના નીચલા અંગોમાં પક્ષાઘાત (paraplegic)નો શિકાર બની ગયા હતા અને બાકીનું જીવન વ્હીલચેરમાં જ પસાર કર્યું. તેમની આ શારીરિક મર્યાદા છતાં, તેઓ ૧૯૯૪થી ૨૦૧૦ સુધી દર વર્ષે ભારતની મુલાકાત લેવાનું ચૂક્યા નહિ. રમણભાઈ તેમના ત્રણ દીકરી અને ગ્રાન્ડચિલ્ડ્રનમાં આજે પણ જીવંત છે. તેમના ત્રીજા દીકરી ભાવનાબહેન રમણભાઈના સૌથી મોટા સપોર્ટર હતાં અને તેમના અંતિમ શ્વાસ સુધી તેમની કાળજી સાથે સેવારત રહ્યાં હતાં. તેઓ સિવિલ સર્વિસિસમાં મોટો હોદ્દો પણ ધરાવે છે.
હું અંગત રીતે રમણભાઈને ઘણા લાંબા સમયથી જાણતો હતો અને છેક સુધી તેમનો પ્રશંસક રહ્યો છું. અમે ઘણી વાર વાતચીત કરતા હતા અને તેઓ વ્હીલચેર સાથે બંધાયેલા હોવાં છતાં, તેમની હિંમત અજેય અને અદમ્ય હતી. હું તમને આ વાત એટલા માટે જણાવી રહ્યો છું કે વર્ષો દરમિયાન, મેં યુકેમાં ખાલી હાથે આવ્યા હોય અને સારો વિકાસ સાધ્યો હોય તેવા અનેક રમણભાઈને નિહાળ્યા છે અને તેમને મળ્યો પણ છું. હું નમ્રતાસહ મારું પોતાનું ઉદાહરણ પણ આપી શકું છું. હું કાયદાનો અભ્યાસ કરવા અહીં આવ્યો હતો પરંતુ, ટુંક સમયમાં નાણાભંડોળના ઘટી જવાથી મારે ફાઈનાન્સિયલ સર્વિસિસમાં કામ કરવાની ફરજ પડી હતી. મેં ૧૯૬૮માં રિટેઈલ ક્ષેત્રમાં કામકાજ કર્યું અને આગામી સાત વર્ષમાં મારા મિત્રોના સાથસંગાથથી અલગ અલગ ૧૦ શોપ્સ ચલાવતો થઈ ગયો. આ તો હું પ્રકાશન ઉદ્યોગમાં જોડાયો તે પહેલાની વાત છે.
ભારતીયો/એશિયનોના યુકેમાં સ્થળાંતર-માઈગ્રેશનના ઈતિહાસમાં કેન્યાથી હિજરતની ઘટના ટર્નિંગપોઈન્ટ સમાન બની રહી છે. ૧૯૬૩માં કેન્યામાં એશિયનોની સંખ્યા આશરે ૧૮૦,૦૦૦ની હતી. ૧૯૭૩ સુધીમાં તેમની સંખ્યા ઘટીને ૮૦,૦૦૦ જેટલી થઈ ગઈ. આજે બ્રિટનમાં ૨,૫૦,૦૦૦ કે તેથી વધુ લોકો કેન્યા સાથે સંબંધિત છે અને લગભગ આટલી જ સંખ્યા યુગાન્ડા અને ટાંગાન્યિકાથી આવેલાં લોકોની છે. ખરેખર તો એ જોવા જેવું જ છે કે આફ્રિકન દુકાવાલા લોકો ટુંક સમયમાં ‘કોર્નરશોપ ઓનર્સ’ તરીકે ઓળખાતા થઈ ગયા હતા. હકીકત તો એ છે કે તમે યુકેના કોઈ પણ ખુણે જશો તો તમને શોપના કેટલાક માલિક એશિયન જોવા મળી જાય તેવી સંપૂર્ણ શક્યતા છે.
છેક ૧૯૯૦માં વડા પ્રધાન માર્ગારેટ થેચરે આપણા ‘એશિયન બિઝનેસ’ મેગેઝિનમાં લખેલાં આર્ટિકલમાં જણાવ્યું હતું કે,‘એશિયનો સ્વૈચ્છિકપણે દરેક સ્થળોએ સ્થાનાંતર કરે છે, વહેતાં રહેવું તે તેમનો સ્વભાવ છે.’ ૧૯૭૦ના દાયકાના ઉત્તરાર્ધ અને ૧૯૮૦ના દાયકાના પૂર્વાર્ધમાં M25ના વિસ્તારમાં આશરે ૪૦,૦૦૦ દુકાન ઈસ્ટ આફ્રિકન એશિયનોએ ખરીદી લીધી હતી. મને કેટલાંક જથ્થાબંધ વેપારીઓ સાથે કરેલી વાતચીતો યાદ છે. તેમણે કહ્યું હતું કે,‘નેપોલિયન બોનાપાર્ટેએ એક વખત કહ્યું હતું કે ઈંગ્લેન્ડ વેપારીઓ-શોપકીપર્સનો દેશ છે, હવે તે એશિયન શોપકીપર્સનો દેશ છે.’
મારે એ સ્વીકારવું રહ્યું કે દુકાનો ખોલવા પાછળનું મુખ્ય કારણ નોકરી વ્યવસાયમાં વર્ણિય ભેદભાવ જ હતું. મને યાદ છે કે સારું ભણેલા-ક્વોલિફાઈડ એશિયનોને પણ યોગ્ય નોકરીઓ મળતી ન હતી. હું એવાં ડોક્ટર્સ અને એન્જિનીઅર્સને પણ જાણું છું જેઓ કલાકો સખત મહેનત કરતા હતાં છતાં, તેમની કારકીર્દિ વિકાસના માર્ગે આગળ વધ્યા વિના નીચલાં સ્તરે ડચકાં ખાતી હતી. ઈનર લંડન એજ્યુકેશન વિશે રેમ્પટન રિપોર્ટમાં જણાવાયું હતું કે એશિયન શોપકીપર્સ સખત મહેનત કરે છે અને પોતાના સંતાનોને સારું શિક્ષણ અપાવી શકે તેની ચોકસાઈ માટે મોટાં બલિદાન પણ આપે છે.
આજે તમને વિવિધ ક્ષેત્રોમાં એશિયનોનો પગપેસારો મોટી સંખ્યામાં જોવાં મળે છે. તેમના પેરન્ટ્સ શોપકીપર્સ રહ્યાં હોય તેની પણ શક્યતા છે. મારે એ બાબત તો સ્વીકારવી જ રહી કે બ્રિટિશ શિક્ષણે તેમને આત્મવિશ્વાસ પૂરો પાડ્યો છે, જે હવે તેમનામાં ઝળકી રહ્યો છે. લોર્ડ ગઢિયાએ એક વખત હાઉસ ઓફ લોર્ડ્સને સંબોધતા કહ્યું હતું કે ઉચ્ચ સ્તરીય નોકરીઓમાં ૨૦ ટકાથી વધુ હિસ્સો બ્રિટિશ ભારતીયો હસ્તક છે.
ઈસ્ટ આફ્રિકામાં શીખ રેલવે કર્મચારી યુકે આવ્યા અને તેમણે પોસ્ટ ઓફિસ ખરીદી. આજે તેમનો પુત્ર જસમિન્દર સિંહ યુકેમાં સૌથી સફળ હોટેલિયરોમાં સ્થાન ધરાવે છે. યુકેમાં તેમની ૧૨ વૈભવી હોટેલ છે અને હવે તેમના પિતાની પોસ્ટ ઓફિસના ત્રણ માઈલના વિસ્તારમાં જ ૩૦૦ મિલિયન પાઉન્ડના રોકાણ સાથે લેસ્ટર સ્ક્વેરમાં નવી અદ્યતન હોટેલનું નિર્માણ કરી રહ્યા છે. આવા તો ઘણાં ઉદાહરણ આપી શકાય. સર અનવર પરવેઝે ૧૯૬૩માં લંડનના અર્લ કોર્ટ ખાતે તેમનો પ્રથમ નાનો રીટેઈલ સ્ટોર ખોલ્યો હતો. તેમણે ૧૯૭૬માં વેસ્ટ લંડનના એક્ટનમાં તેમનું પ્રથમ હોલસેલ વેરહાઉસ ખોલ્યું હતું. આ કંપની પાછળથી મલ્ટિબિલિયન પાઉન્ડની સંસ્થામાં વિકાસ પામી છે. તેમની બેસ્ટવે આજે યુકેમાં દ્વિતીય ક્રમની સૌથી મોટી સ્વતંત્ર હોલસેલર છે. સર અનવર પરવેઝ પાકિસ્તાનમાં સૌથી મોટા સિમેન્ટ ઉત્પાદક પણ છે.
ધામેચા પરિવારને પણ કેમ ભૂલાય? આવા કોઈ પણ એન્ટ્રેપ્રીન્યોર અથવા પ્રોફેશનલનો ઉછેર તેમના માતાપિતા અથવા ગ્રાન્ડપેરન્ટ્સના હાથે થયો હોય છે. ભારે સફળતામાં પણ તેઓ છકી ગયાં નથી અને અંતરના આભાર સાથે પોતાના ઉછેરને તેઓ યાદ કરે છે.
આપણું કેન્યા હિજરત મેગેઝિન હવે પ્રોડક્શનના આખરી તબક્કામાં છે એને મારા માટે તો ખરેખર એક યાત્રા જ બની રહી છે. મને મોકલવામાં આવેલી દરેક સ્ટોરી મેં વાંચી છે, તેમાંથી હું પસાર થયો છું અને મેં જે વાંચ્યું તેનું મેં ગૌરવ અનુભવ્યું છે. કોઈ પણ એક સંઘર્ષ, ભલે તે પ્રમાણમાં નાનો હોય કે મોટો, આપણી કોમ્યુનિટીને આજના સ્થળે અને સ્થાને પહોંચાડવામાં સફળ થયો છે. સારી વાત તો એ પણ છે કે આપણે સમૃદ્ધિ હાંસલ કરી હોવાં છતાં, આપણાં હૃદય તો આપણાં મૂળિયાં સાથે જોડાયેલાં રહી શક્યાં છે.
આ પ્રકાશનની કામગીરી દરમિયાન મને આપણી ભાવિ પેઢીનું શું થશે તેના વિશે પણ વિચાર આવ્યો. આપણે કાયદાપાલક, મહેનતુ નાગરિકો છીએ. આપણા સંતાનોનું ભવિષ્ય શું હશે? મારી આ નાનકડી ચિંતાનો ઉત્તર પણ ઝડપથી મારા દિલે આપી જ દીધો છે. હું તો આશાવાદી છું અને માનું છું કે હરણફાળ પ્રગતિ જોવા મળશે. યુવા પેઢી હવે રિટેઈલથી માંડી વિશાળ અને તેજીસભર વિવિધ બિઝનેસથી પણ આગળ અજાણ્યા ક્ષેત્રોને ખેડવાના સાહસમાં લાગી છે. આપણે આપણા પૂર્વજો સાથે સેતુબંધ રચવાની સાથોસાથ આ દેશનું ઋણ પણ ચૂકવી રહ્યા છીએ.
સફળતા કોઈ વ્યક્તિ પૂરતી સીમિત હોતી નથી. વાસ્તવમાં તો તે કોમ્યુનિટીઓની અંદર આંતરરાષ્ટ્રીય સહકારનું પ્રમાણ છે. હું આપણા ભાવિ પથપ્રદર્શકોને સંગીન સિદ્ધિઓની શુભકામનાઓ પાઠવું છું અને સાથે આશા પણ રાખું છું કે એક સમાજ તરીકે અમે તેમના માટે જે પણ નિર્માણ કર્યું છે તે સર્વ તેઓ સૌના કલ્યાણમાં યોગદાન આપશે. (ક્રમશઃ)


comments powered by Disqus