સંક્ષિપ્ત સમાચાર (યુકે)

Wednesday 31st July 2019 06:37 EDT
 

                                             • યુકેની ૧ ટકા વીજળી વાપરતા સુપરમાર્કેટ્સના ફ્રિજ

બ્રિટનના કુલ વીજવપરાશના ૧ ટકા જેટલી વીજળીનો વપરાશ સુપરમાર્કેટના ફ્રિજ દ્વારા થતો હોવાનું જણાયા બાદ કેમ્પેનરોએ જણાવ્યું હતું કે તેના ડોર બંધ રાખવા જોઈએ. ઘણાં સુપરમાર્કેટ્સ ઓપન ફ્રિજનો ઉપયોગ કરે છે જેથી ગ્રાહકો ખૂબ ઠંડી થયેલી વસ્તુઓ તરત જ લઈ શકે. જોકે, ડોરવાળા ફ્રિજ કરતાં ખુલ્લાં ફ્રિજમાં વસ્તુઓને ઠંડી રાખવા પાછળ વધારે વીજળી વપરાય છે. જોકે, કેમ્પેનરો અને સાંસદોએ તેમાં ઉર્જા અને નાણાંનો ખૂબ વ્યય થતો હોવાનું કહીને ટીકા કરી હતી.

મુસ્લિમ માતા-પિતા બાળકોને ફ્લૂની રસી નહીં અપાવે

ફ્લૂની સારવાર માટે ઈસ્લામમાં મનાઈ હોવાનું મુસ્લિમ કાઉન્સિલ ઓફ બ્રિટન ઠેરવ્યા બાદ મુસ્લિમ માતા-પિતા તેમના બાળકોને રાષ્ટ્રવ્યાપી ફલૂ રસીકરણના અભિયાનમાં જોડાવાની પરવાનગી આપવાનો ઈન્કાર કરી રહ્યા છે. ટૂંક સમયમાં સ્કૂલોમાં શરૂ થનારા આ મોટા અભિયાનમાં સંખ્યાબંધ મુસ્લિમ બાળકો નહીં જોડાય તે બાબતે પબ્લિક હેલ્થ ઓફિસરોએ ચિંતા વ્યક્ત કરી હતી.

                                          • શાહી યુગલ નૌકાદોડ સ્પર્ધામાં નૌકાનું સુકાન સંભાળશે

હંમેશા લગ્નમાં થોડીઘણી મૈત્રીપૂર્ણ સ્પર્ધાને અવકાશ રહે છે અને પ્રિન્સ વિલિયમ તેમજ ડચેસ ઓફ કેમ્બ્રીજ કેથરિન પણ તેમાંથી બાકાત નથી. કેનેડામાં તેમણે ડ્રેગોન બોટ રેસમાં એકબીજાને ટક્કર આપી હતી. લંડન મેરેથોન ટ્રેનિંગ ડેએ પણ એકબીજા સાથે સ્પર્ધા કરી હતી અને સ્વીડનમાં આઈસ હોકી પેનલ્ટી શૂટઆઉટમાં પરસ્પર પડકાર ફેંક્યો હતો. હવે આ શાહી યુગલ આઈલ ઓફ વાઈટમાં નૌકાદોડની સ્પર્ધામાં સામસામે હશે. ટૂંક સમયમાં યોજાનારા કિંગ્સ કપ રેગેટાના ઉદઘાટનના ભાગરૂપે છ અન્ય ક્રૂની સામે તેઓ તેમની અલગ બોટનું સુકાન સંભાળશે.

                                             • ગ્રાન્ટ થોર્નટન સ્પોર્ટ ડાયરેક્ટનું ઓડિટ છોડી દેશે

૬૧૮ મિલિયન પાઉન્ડ (૬૭૪ મિલિયન યુરો) નું ટેક્સ બીલ જાહેર થયું તેનાથી ચિંતિત થયેલા ગ્રાન્ટ થોર્નટને સ્પોર્ટ ડાયરેક્ટના ઓડિટર તરીકેની કામગીરી છોડી દેવાની ઈચ્છા રેગ્યુલેટર્સને દર્શાવી હતી. આ જંગી ટેક્સ બીલને લીધે માઈક એશ્લીના બિઝનેસના કોર્પોરેટ ગવર્નન્સની વધુ ચકાસણી થાય તેવી શક્યતા છે.

                                       • ઓફરો ઘટાડવાની અરજીની યુનિવર્સિટીઓ દ્વારા અવગણના

યુનિવર્સિટીઓ દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવતી બિનશરતી ઓફરોની સંખ્યા ઘટાડવાની અરજીઓની અવગણના કરાતી હોવાનું આંકડામાં જણાયું હતું. આ વર્ષે વિક્રમરૂપ ૯૭,૦૪૫ વિદ્યાર્થીઓને યુનિવર્સિટીમાં અભ્યાસ માટે ફ્રી પાસ મળ્યા હતા. તેનો અર્થ એ થાય કે તેમના માટે ‘એ’ લેવલ ગ્રેડની કોઈ જરૂર ન હતી. ગયા વર્ષે આ સંખ્યા ૮૭,૫૪૦ હતી.

                                            • કેર હોમ્સ સામે કાનૂની કેસોની સંખ્યામાં વધારો

કેરહોમ્સ અને એનએચએસ હોસ્પિટલો સામે કાનૂની કેસો અને અન્ય ફોજદારી કાર્યવાહીની સંખ્યામાં એક વર્ષમાં ૩૩ ટકા જેટલો વધારો નોંધાયો હતો. ચેરિટીઝ દ્વારા જણાવાયું હતું કે પડી ભાંગેલી સોશિયલ કેર સિસ્ટમ અને વધુ કાર્યબોજ હેઠળ દબાયેલી એનએચએસને લીધે વૃદ્ધોના જીવન જોખમમાં મૂકાયા છે.

દેશનિકાલના કેસોમાં ટેક્સપેયરોના £૫૭ મિલિયનનો ખર્ચ

શકમંદ આતંકવાદીઓ, વિદેશી ગુનેગારો અને ગેરકાયદે ઈમિગ્રન્ટ્સને દેશનિકાલ કરવાના હોમ ઓફિસના પ્રયાસો માટે લડનારા વકીલોને છેલ્લાં ચાર વર્ષમાં ટેક્સપેયરોના ખિસ્સામાંથી ૫૭.૫ મિલિયન પાઉન્ડ ચૂકવાયા હતા. પોતાના અસીલોના કેસ જીતવા માટે યુરોપિયન માનવ અધિકાર કાયદાનો ઉપયોગ કરતા વકીલોને આ નાણાં તેમની ફી તરીકે અથવા લીગલ કોસ્ટની પતાવટ પેટે ચૂકવવા પડ્યા હતા.

                                                • પોતાની પાસે નાઈફ રાખતા હજારો બાળકો

૧૩થી ૧૫ની વયના હજારો બાળકો નાઈફ અથવા અન્ય હથિયાર પોતાની પાસે રાખતા હોવાનું અથવા તેનો ઉપયોગ કરતા હોવાનું હોમ ઓફિસ દ્વારા કરાયેલા અભ્યાસમાં જણાયું હતું. ૨૦૦૦ અને ૨૦૦૧માં જન્મેલા લોકો વિશેના અહેવાલમાં જણાયું હતું કે પોતે નાઈફ રાખતા હોવાનું જેમણે કહ્યું હતું તેમાંથી લગભગ ૩૩ ટકા જેટલાં હુમલાનો ભોગ પણ બન્યા હતા.

ઈંગ્લિશ A લેવલને બદલે કારકિર્દીલક્ષી વિષયો પસંદ કરતા વિદ્યાર્થીઓ

છેલ્લાં ચાર વર્ષમાં ઈંગ્લિશ ‘એે’ લેવલ લેનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં ૨૫ ટકાનો ઘટાડો નોંધાયો છે. પરંતુ, સાયન્સનો અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થયો છે. વિદ્યાર્થીઓ માત્ર શૈક્ષણિક કારણોને ધ્યાનમાં રાખવાને બદલે જોબ મળે તેવા વિષયો પસંદ કરી રહ્યા છે. આ જ સમયગાળા દરમિયાન બાયોલોજી, કેમિસ્ટ્રી અને ફિઝિક્સમાં પ્રવેશની સંખ્યા વધી હતી. જ્યારે મેથ્સમાં પ્રવેશની સંખ્યામાં અગાઉના ત્રણ વર્ષમાં વધારા બાદ ગયા વર્ષે થોડો ઘટાડો નોંધાયો હતો.

દરેક GP પાસે સરેરાશ ૨,૧૮૭ દર્દીની નોંધણી

છેલ્લાં બે વર્ષમાં કેટલાંક વિસ્તારોમાં દરેક ફેમિલી ડોક્ટર પાસે નોંધાયેલા દર્દીઓની સંખ્યામાં લગભગ ૩૩ ટકાનો વધારો થયો છે. ૨૦૧૬ના ડિસેમ્બરમાં જીપી પાસે સરેરાશ ૨,૦૬૮ દર્દી નોંધાયેલા હતા. જે વધીને ગયા ડિસેમ્બરમાં ૨,૧૮૭ થયા હતા. આ સંખ્યામાં ટ્રેઈની અને બદલીવાળા ડોક્ટરોનો આમાં સમાવેશ કરાયો નથી. આ આંકડા દર્શાવે છે કે એનચએસએ આ સમયગાળામાં લગભગ ૯૦૦ જીપી ગુમાવ્યા હશે.


    comments powered by Disqus