વડીલો સહિત સહુ વાચક મિત્રો, આ વેળાએ ‘જીવંત પંથ’ કોલમ શનિવાર - ૨૩ માર્ચે આકાર લઇ રહી છે. ઉત્તર ગોળાર્ધમાં ૨૧ માર્ચનો દિવસ એટલે દિવસ-રાતના એક સમાન કલાકો ધરાવતો દિવસ. લંડનમાં ઐતિહાસિક ટાવર ઓફ લંડન સમીપ બ્રિટનની પુરાતન સંસ્કૃતિ ડ્યુઈડના કેટલાક સભ્યોએ મધરાતે પરેડ અને નાચગાન સાથે ઉજવણી કરી. પશ્ચિમી જગતમાં ખ્રિસ્તી ધર્મનો ઉદય થયો તે પૂર્વેના ગાળામાં બે વાદળોના ટકરાવાથી સર્જાતા વીજળીના ચમકારા સહિતના કુદરતી તત્વો, વૃક્ષ, નદી, અમુક પ્રાણીઓ બધાને પૂજનીય ગણવામાં આવતા હતા. આના બરાબર આગલા દિવસે - ૨૦ માર્ચે વર્લ્ડ હેપ્પીનેસ ડેની ઉજવણી કરવામાં આવી હતી. યુનાઇટેડ નેશન્સે જાહેર કરેલા આવા દિન-વિશેષ વિવિધ વિચારધારા કે મૂલ્યો માટે પોષક હોય છે. વર્લ્ડ એન્વાર્યન્મેન્ટ ડે (૫ જૂન), વર્લ્ડ યોગ ડે (૨૧ જૂન), વર્લ્ડ વેજિટેરિયન ડે (૧ ઓક્ટોબર) કે પછી તાજેતરમાં જ પસાર થઇ ગયેલો વર્લ્ડ કિડની ડે (૧૪ માર્ચ) જે તે વિષય - બાબત લોકોનું ધ્યાન અકર્ષવાનું, જાગૃતિ આણવાનું કામ કરે છે.
આપણે વર્લ્ડ હેપ્પીનેસ ડેની જ વાત આગળ વધારીએ. આ દિવસની ઉજવણી આપણને આજની દોડધામભરી, તણાવયુક્ત જીવનશૈલીમાં ખુશહાલી - પ્રસન્નતાનું મહત્ત્વ સમજાવે છે. આંતરરાષ્ટ્રીય અભ્યાસના આધારે ક્યા દેશના પ્રજાજનો સૌથી ખુશહાલ છે તેનું રેટિંગ પણ આ દિવસે જાહેર થાય છે. આ યાદીમાં સતત બીજા વર્ષે ટોચનું સ્થાન મેળવનાર ફિનલેન્ડ વિશ્વનો સૌથી ખુશહાલ દેશ જાહેર થયો છે. યાદીમાં યુકે ૧૫મા ક્રમે છે તો ભારત ૧૪૦મા સ્થાને. આ અંગેનો વિગતવાર અહેવાલ અંકમાં અન્યત્ર પ્રકાશિત થયો હોવાથી પુનરોક્તિ ટાળું છું. યુનાઇટેડ નેશન્સ કે અન્ય સંસ્થાઓ કે સામયિકો જુદા જુદા માપદંડના આધારે અભ્યાસ કરીને પ્રસન્નતાનું ભલે જે કંઇ પણ રેટિંગ આપે, નિર્ણય કરે, પરંતુ હકીકત તો એ છે કે જીવમાત્ર, નાની-મોટી સમસ્યાઓ - અવરોધો - સંઘર્ષો છતાં પણ ઊંડે ઊંડે તો હંમેશા આનંદસભર પ્રસન્નતા માટે જ આતુર હોય છે.
વાચક મિત્રો, મારી દૃષ્ટિએ તો જીવન પ્રત્યે ખરા અર્થમાં આ જ અભિગમ હોવો જોઇએ. સુખના સરનામા અનેક છે - આયુષ્ય, આરોગ્ય, સંતતિ, સંપત્તિ, પરિવાર, સત્તા, પ્રસિદ્ધિ, પ્રભાવ, પ્રેમ, સુખ-સખવડ, આનંદ-પ્રમોદ... યાદી બહુ લાંબી થઇ જાય તેવી છે. તુંડે તુંડે મતિર્ભિન્ના... જેટલા માથા એટલા વિચાર અને જેટલા વિચાર એટલી સુખની વ્યાખ્યા કરી શકાય. રાજાને ગમી તે રાણી જેવી આ વાત છે.
વાત ખુશી, પ્રસન્નતાની ચાલી રહી છે તો લાગલો જ એક બીજો પણ ઉલ્લેખ ટાંકી જ લઉં. તાજેતરમાં આપ સહુએ ‘ગુજરાત સમાચાર’માં એક અહેવાલ વાંચ્યો હશે કે ૧૬ વર્ષે તેમજ ૭૦ વર્ષની વયે માનવી સૌથી વધુ સુખનો અનુભવ કરે છે. આપ સહુ વિચારવંત આત્મીયજન છો એટલે વધુ ચર્ચાની જરૂર સમજતો નથી.
આ લેખના શીર્ષકમાં ટાંકેલા શબ્દો તાજેતરમાં રિલીઝ થયેલી સુપરહિટ ગુજરાતી ફિલ્મના ટાઇટલ ‘ચાલ જીવી લઇએ’ આધારિત છે, ‘જોશભેર’ શબ્દ આ બંદાએ ઉમેર્યો છે. જીવન ઉમંગ-ઉલ્લાસભેર જીવવું જોઇએ તે આવશ્યક હોવા છતાં અલ્પ સંખ્યામાં લોકો ખરા અર્થમાં જીવન જીવતા હોય છે. તેમાં ય જોશભેર જીવનારા તો ખરેખર બહુ ઓછા હોય છે.
હિન્દીમાં એક કહેવત છેઃ મિયાં દુબલે ક્યું તો... મહદ્ અંશે સુખના સંજોગો હોવા છતાં કેટલાક કાળા માથાના માનવીઓ વ્યવસ્થિત રીતે અસુખની શોધમાં જ ભટકતા જોવા મળશે.
આ તબક્કે મને ૬૫ વર્ષ પૂર્વે વડોદરાની સાયન્સ ફેકલ્ટીનો પહેલા વર્ષનો ગુજરાતી વિષય અને તેના ભાગરૂપે અમને ભણાવાતી જયોતીન્દ્ર દવે - ધનસુખલાલ મહેતાની ‘અમે બધા’ કૃતિ યાદ આવે છે. કૃતિના બન્ને લેખકો તો દિગ્ગજ ખરા જ, પરંતુ અમને તેનું રસપાન કરાવનાર પણ મોટા ગજાના સર્જક હતા. કવિ સુરેશ જોષી અમને આ કૃતિનો આસ્વાદ કરાવતા હતા. ‘અમે બધા’નું એક મહિલા પાત્ર મને આજે પણ યાદ છે, જે જીવનના દરેક પ્રસંગે - ખૂણેખાંચરેથી પણ - નકારાત્મકતા શોધતું રહે છે અને સુખના - આનંદના નાના-મોટા અવસરને વેડફતું રહે છે. પરિવારમાં કોઇનો જન્મદિવસ હોય કે કોઇ માંગલિક પ્રસંગનું આયોજન હોય, કે પછી દિવાળી જેવા સપરમા તહેવારની ઉજવણી હોય, દરેક પ્રસંગે આ બહેન ખૂણેખાંચરેથી શોક કે દુઃખનું કારણ શોધીને ઉજવણી ટાળતા રહે છે. પરિણામે ના તો તેઓ જીવનનો એકેય પ્રસંગ રંગેચંગે માણી શકે છે અને અને ના તો તેઓ કુટુંબીજનોને તેની મજા માણવા દે છે. વાચક મિત્રો, આપ સહુએ પણ સમાજમાં ક્યાંકને ક્યાંક આવા પાત્રોને જોયા હશે, અને આજે પણ જોતા હશો. આવા અસુખીયાઓ જાણે પોતાના નામે નકારાત્મક્તાના પેટન્ટ લઇને બેઠા હોય છે.
અસુખીયાની ઓળખાણ કઈ? કાયમી અસંતોષ, ઊંડે ઊંડે ભીતિ, અસલામતી અને વિવિધ પ્રકારની અછતનો આભાસ, તેમાં વહેમ, ઈર્ષ્યા ઉમેરાય એટલે પછી બાકી શું રહે? લઘુતાગ્રંથિ નિવારવી જ રહી. તે શક્ય છે જો પ્રયત્નપૂર્વક જીવનવ્યવહારની સાચી સમજ કેળવાય તો. માનવજીવન એ પરમાત્માની પરમકૃપા માણી લઈએ. ઢસરડા કરવા ઊચિત નથી.
પ.પૂ. શાસ્ત્રીજી મહારાજે સ્થાપેલા સ્વામીનારાયણ સંપ્રદાય (B.A.P.S.)ના વિશ્વભરમાં ફેલાયેલા મંદિરોમાં આજે - ૨૩ માર્ચે યોગી નિર્વાણ દિન મનાવાઇ રહ્યો છે. પરમ પૂજ્ય યોગીજી મહારાજને મળવાનો સોનેરી લ્હાવો મને એકથી વધુ વખત સાંપડ્યો છે. થોડીક અંગત વાત કરું તો, લંડનમાં મારા જેવા નસીબંતા બહુ ઓછા હશે જેમને ૧૯૪૯માં બોચાસણ ખાતે પ.પૂ. શાસ્ત્રીજી મહારાજ, પ.પૂ. યોગી બાપા અને પ.પૂ. પ્રમુખ સ્વામી મહારાજના એકસાથે દર્શન કરવાનો, તેમની નિશ્રામાં બેસવાનો, તેમના આશીર્વચન પામવાનો અલભ્ય લ્હાવો સાંપડ્યો હશે. મને ૧૨ વર્ષની વયે જિંદગીનો આ અવિસ્મરણીય અવસર સાંપડ્યો હતો. અને આ ‘ટોટિયા’ના નસીબ જૂઓ કે પ.પૂ. પ્રમુખ સ્વામી મહારાજને પણ આ પ્રસંગ આજીવન યાદ હતો. લંડનના નિસ્ડન મંદિરમાં હરિભક્તોની એક વિશાળ સભાને સંબોધતી વેળા તેમણે મારા દાદા પૂ. મણિદાદા, પિતા બાબુભાઇ, કાકાશ્રી આપાકાકા અને મારા વિશે માંડીને વાત કરી હતી તે આપ સહુને યાદ હશે જ... (‘ગુજરાત સમાચાર’ અંક ૬ ઓક્ટોબર ૨૦૦૭). હું ખુલ્લા દિલે કહી શકું એમ છું કે મેં પ.પૂ. યોગી બાપા જેવા સરળ હૃદયના સંતને જવલ્લે જ કશે જોયા છે.
એક સરસ સુવાક્ય છેઃ Be positive, rest will follow... (હંમેશા) હકારાત્મક રહો, બાકીનું બધું (સુખ-શાંતિ-સમૃદ્ધિ વગેરે) આપમેળે આવતું રહેશે. ઉપનિષદનો આ ટૂંકો, પરંતુ ચોટદાર સંદેશ ખરા અર્થમાં સમજવા જેવો અને જીવનમાં હર પળે, હર તબક્કે અમલમાં મૂકવા જેવો છે. યોગીબાપા આ સૂત્રના હંંમેશા ઉપાસક રહ્યા. જીવનના દરેક તબક્કામાં વાંધાવચકા નિહાળતા, નકારાત્મક દૃષ્ટિકોણ અપનાવતા અસુખીયા આત્માઓ કાં તો ઉપનિષદનું આ સૂત્ર જાણતા નથી અથવા તો પછી તેમને અંતરાત્મામાં બિલ્કુલ શ્રદ્ધા નથી એમ કહી શકાય.
તાજેતરમાં જગવિખ્યાત ‘The Economist’ સામયિકમાં જીવનની પ્રસન્નતા સંદર્ભે કેટલાક આંકડાઓ સાથે ઉપયોગી રજૂઆત થઇ છે. એરિસ્ટોટલથી માંડીને બિટલ્સ જેવા વિદ્વાનો-ચિંતકોનું કહેવું છે કે ધનસંપત્તિથી જ પ્રસન્નતાની પ્રાપ્તિ થાય છે તેમ માનવું ભૂલભરેલું છે. વાત તો તાર્કિક છે. આપણે જાણીએ પણ છીએ, અને આમ છતાં પણ... પણ... ધનપ્રાપ્તિની દોડમાં ગાંડાની જેમ દોડ્યા જ કરીએ છીએ. થાકીને લોથપોથ થઇ જઇએ છીએ, ઢગલો થઇને પડી જઇએ છીએ તો પણ ફરી ઉભા થઇને નાણાં પાછળ દોટ મૂકવાની લાલસા છોડી શક્તા નથી. આખરે રામ બોલો ભ’ઇ રામ... થઇ જાય છે.
ભારતમાં છેલ્લા ૧૦ વર્ષમાં વ્યક્તિદીઠ આવકમાં ૮૦ ટકાનો વધારો થયો છે. કહોને આવક લગભગ બમણી થઇ છે. આથી વ્યક્તિના જીવનમાં, જીવન પ્રત્યેના અભિગમમાં ખુશહાલી - પ્રસન્નતા વધવી જોઇએ, પણ - આ અભ્યાસનું તારણ કહે છે તેમ - ખરેખર આવું કંઇ થયું નથી. આથી ઉલ્ટું કેટલાક લોકો દુઃખ, બિનજરૂરી ચિંતા, આધિ-વ્યાધિના સમંદરમાં ધુબાકા મારી રહ્યા છે. સુખ કે દુઃખ, સંતોષ કે અસંતોષ, કે કોઇ પણ ઇચ્છા કે ધ્યેયની પ્રાપ્તિ કે અપ્રાપ્તિ એ વિકટ સમીકરણ છે. આંતરવેદનાને અંકુશમાં રાખવાનું, (સવિશેષ આરોગ્યવિષયક) આપણા હાથમાં નથી. આમ છતાં એક અન્ય અભ્યાસમાં અર્થશાસ્ત્રીઓ, સમાજશાસ્ત્રીઓએ તારણ કાઢ્યું છે કે આપણી કેટલીય અપેક્ષાઓ (Aspirations - એસ્પિરેશન્સ) એટલી બધી અવાસ્તવિક કે બિનજરૂરી હોય છે કે વ્યક્તિ તેની પાછળ દોડ્યા જ કરે છે - જે પ્રકારે ઉજ્જડ રણમાં કોઇ તરસ્યો જીવ મૃગજળ પાછળ દોટ લગાવે છે તેમ. તન-તોડ પ્રયાસ કરવા છતાં હાથમાં કંઇ નથી આવતું. આખરે પ્રાણપંખેરું ઉડી જાય છે અને રહી જાય છે નિશ્ચેતન ખોળિયું.
આ તબક્કે મને શ્રીમદ્ ભગવદ્ ગીતાનું એક વાક્ય ટાંકવાનું મન થાય છે. જીવન પ્રત્યેનો અભિગમ કેવો હોવો જોઇએ? ભગવાન શ્રીકૃષ્ણ કહે છેઃ સુખેદુઃખે સમેકૃત્વા, લાભાલાભો જયાજયો... તો વળી ભક્ત-કવિ નરસૈંયાની રચના કહે છેઃ મારા નયણાની આળસ રે, ન નીરખ્યા હરિને જરી.
આપણે જે કંઇ ઇચ્છીએ છીએ તે ખરેખર તો નજર સામે જ હોય છે, પણ તેને સ્વીકારવાના બદલે, તેની અનુભૂતિ કરવાના બદલે આપણા ઝાંઝવાના જળ પાછળ દોડ્યા જ કરીએ છીએ. આનું કારણ એ છે કે આપણે ખોટી સ્પર્ધામાં પડી ગયા છીએ. ગયા સપ્તાહના ‘ગુજરાત સમાચાર’ - Asian Voiceમાં વીપ્રો ગ્રૂપના અઝીમ પ્રેમજી અને તેમની દિલેર દાતારી વિશે વાંચ્યું હશે. કંઇકેટલાય વાચકોએ આ માહિતીસભર લેખને વખાણીને, તેમની પ્રસન્નતા વ્યક્ત કરી છે. પ્રોફેસર - લોર્ડ ભીખુ પારેખ જેવા અતિ વ્યસ્ત અને નામાંકિત વિદ્વાને મને કહ્યુંઃ સી.બી., તમારા બન્ને અખબાર દર સપ્તાહે નિયમિત મળે છે અને દોઢ-બે કલાકમાં વાંચી લઉં છું, પણ આ વખતે તો મને Asian Voice વાંચતા જ દોઢ-બે કલાક થઇ ગયા. પ્રેમજીના લેખમાં તો ખરેખર બહુ જ સરસ વાતો કરી છે.
ભીખુભાઇ પારેખ જેવા દિગ્ગજ અખબારની પ્રશંસા કરે તો ક્યા પ્રકાશક-તંત્રીની છાતી ન ફુલાય?! હું પણ આમાંથી બાકાત નહોતો. મેં પણ આનંદ અનુભવ્યો, પરંતુ સાથે સાથે સ્પષ્ટતા પણ કરી કે આ જશનો હકદાર હું નથી, પરંતુ લંડન ઓફિસ અને સવિશેષ તો અમદાવાદ ઓફિસમાં કામ કરતાં મારા સાથીદારો છે.
પારેખસાહેબ જેવી જ પ્રશંસા લાયન્સ ક્લબના એક કાર્યક્રમમાં સક્રિય સજ્જનના મુખેથી સાંભળવા મળીઃ સી.બી., તમે અઝીમ પ્રેમજી જેવા ધનપતિ વિશે લખ્યું કે જેઓ સારા કાર્યો માટે અબજો રૂપિયા ફાળવે છે. તમે કેન્યા વિશે પણ માહિતીસભર વિશેષાંક તૈયાર કરી રહ્યા છો. આ બધું જાણીને ખરેખર આનંદ થયો. કેન્યાથી બ્રિટન આવીને વસેલા મોટા ભાગના દોરી-લોટો લઇને આવ્યા હતા. છતાં સખત પરિશ્રમ કરીને અહીં ઠરીઠામ થયા, સાધનસંપન્ન થયા. આમાંના ઘણા તો આજે મિલિયન પાઉન્ડથી માંડીને પાંચ-પાંચ મિલિયન પાઉન્ડ કે વધુ સંપત્તિ ધરાવે છે. સંઘર્ષ કરીને આ મુકામે પહોંચેલા લોકોમાં સામાજિક ઉત્તરદાયિત્વની ભાવના વધુ જોવા મળે છે. તેઓ સામાજિક કાર્યો માટે યથાશક્તિ-યથામતિ નાણાં આપતા રહે છે. પરંતુ આપણા સમાજમાં એવા બિલિયોનેર અને મલ્ટી બિલિયોનેર પણ જોવા મળે છે, જેઓ સમૃદ્ધ બનતાં ગયાં છે તેમ તેમ તેમની સામાજિક જવાબદારીની સરવાણી સૂકાતી ગઇ છે. આ ધનાઢયોમાં સમૃદ્ધની સાથે ઉદારતાનું પ્રમાણ વધવાના બદલે ઘટ્યું છે. તેમને માત્રને માત્ર ધનસંચયમાં જ સુખનું સરનામું દેખાય છે.
ધનાઢયોના આવા સંકુચિત અભિગમ વિશે તો આપણે શું કરી શકીએ? પરંતુ સહુ કોઇએ અર્થશાસ્ત્રી આચાર્ય ચાણક્યનું એક સૂત્ર અચૂક યાદ રાખવું જોઇએઃ ધર્મસ્ય મૂલઃ અર્થ. ધર્મ-સંસ્કૃતિના મૂળિયા મજબૂત કરવા માટે મજબૂત અર્થતંત્ર આવશ્યક છે. અલબત્ત, આનો અર્થ એ નથી થતો ધનસંચયનો અતિરેક કરવો. મધમાખીએ મધ કીધું, ના ખાધું ન ખાવા દીધું જેવો અભિગમ નિરર્થક જ ગણવો રહ્યો. ‘ઓ મૂઢ મતિના માનવી...’ ભજન વિશે તો આપ સહુ જાણતા જ હશો.
વાચક મિત્રો, કોલમનો પ્રારંભ એક ગુજરાતી ફિલ્મના ટાઇટલથી કર્યો છે, તો સમાપન એક હિન્દી ફિલ્મના ગાયનથી કરીએ. ‘અનારકલી’ ફિલ્મના આ સદાબહાર ગીતના શબ્દો વાંચશો, ગણગણશો તો ખ્યાલ આવશે કે કેટલી સુંદર રજૂઆત છે, તેમાં કેવો સરસ જીવનસંદેશ છુપાયેલો છે. (બોક્સમાં રજૂ થયેલા) ગીતના શબ્દોને માત્ર પ્રેમીહૃદયની લાગણી તરીકે જ મૂલવવાની જરૂર નથી. વિચાર, મૂલ્યો, આદર્શ, સિદ્ધાંત વગેરેને પણ આ ગીતના શબ્દો લાગુ પડે છે. આથી જ તો જ્યારે જ્યારે આ ગીત રજૂ થાય છે ત્યારે ત્યારે હાથમાં માળાના મણકા ફરતા હોય અને હોઠ પર રામનામ રમતું હોય તેવા મોટા ગજાના કથાકાર પણ થોડીક પળો થંભી જાય છે અને તેમના હોઠે શબ્દો રમવા લાગે છે... યહ જિંદગી ઉસી કી હૈ... (ક્રમશઃ)
•••
ફિલ્મ – અનારકલી (૧૯૫૩)
• ગાયક – લતા મંગેશકર • સંગીત- સી. રામચંદ્ર • ગીતકાર – રાજેન્દ્ર કૃષ્ણ
યે જિંદગી ઉસી કી હૈ, જો કિસી કા હો ગયા
પ્યાર હી મેં ખો ગયા, યે જિંદગી...
યે બહાર, યે શમા, કહ રહા હૈ પ્યાર કર
કિસી કી આરઝુ મેં અપને દિલ કો બેકરાર કર
જિંદગી હૈ બેવફા....
જિંદગી હૈ બેવફા... લૂટ પ્યાર કા મજા
યે જિંદગી...
ધડક રહા હૈ દિલ તો ક્યા, દિલ કી ધડકને ના સુન
ફિર કહાં યે ફુરસતે, ફિર કહાં યે રાત-દિન
આ રહી હૈ યે સદા...
આ રહી હૈ યે સદા, મસ્તીયોં મેં ઝુમ જા
યે જિંદગી...
દો દિલ યહાં ન મિલ શકે, મિલેંગે ઉસ જહાન મેં
ખિલેંગે હસરતો કે ફૂલ, મૌત કે આસમાન મેં
યે જિંદગી ચલી ગઈ જો પ્યાર મેં તો ક્યા હુઆ
યે જિંદગી...
સુના રહી હૈ દાસ્તાં, શમા મેરે મઝાર કી
ફિઝાં મેં ભી ખિલી રહી, યે કલી અનાર કી
ઇસે મઝાર મત કહો, યે મહલ હૈ પ્યાર કા
યે જિંદગી...
એ જિંદગી કી શામ આ, તુઝે ગલે લગાઉં મે
તુઝી મેં ડૂબ જાઉં મેં, જહાં કો ભૂલ જાઉં મેં,
બસ એક નજર મેરે સનમ, અલ્વિદા, અલ્વિદા
અલ્વિદા... અલ્વિદા....અલ્વિદા... અલ્વિદા....

