ગંતુરમાં રહેતી ૧૯ વર્ષની ૧૨મા ધોરણમાં ભણતી સદાઈબીને જ્યારે લોકસભા ચૂંટણીમાં મતદાન વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, આ વર્ષે હું પહેલી વખત મારા મતાધિકારનો ઉપયોગ કરીશ. મેં મારી આસપાસ ઘણી સમસ્યાઓ જોઈ છે. હું મારો મત એવા ઉમેદવારને આપીશ કે જે બાળવિવાહ અટકાવવામાં મદદરૂપ થઈ શકે.
મતાધિકારનો ઉપયોગ કરતી મહિલાઓ અંગેના એક સર્વેમાં સદાઈબીને પૂછવામાં આવ્યું કે તમે ક્યા મુદ્દાને સૌથી વધુ મહત્ત્વનો માનો છો ત્યારે સદાઈબીએ પોતાના મતાધિકારના યોગ્ય ઉપયોગ માટે બાળવિવાહના વિરોધના મુદ્દાને અતિમહત્ત્વનો ગણાવી કહ્યું કે બાળવિવાહના મુદ્દા સામે જે લડે એને મારો મત મળશે.
ઓછા વિકસિત ગણાતા ગંતુરની ગરીબાઈમાં જીવતી મુસ્લિમ પરિવારની સદાઈબીમાં આવો ક્રાંતિકારી વિચાર કેવી રીતે સ્ફૂર્યો એ અંગે સદાઈબી કહે છે કે, અમે એક સાવ નાના ઘરમાં પ સભ્યો રહેતા હતા. પાંચ વર્ષ પહેલાં મારા પિતાને પેરાલિસિસનો એટેક આવ્યો ત્યારથી મારા મોટાં બહેન નાના-મોટાં કામ કરીને ઘર ચલાવતા હતાં. જોકે મને અભ્યાસમાં રસ હતો અને મને મફતમાં અભ્યાસમાં પ્રવેશ મળી ગયો તેથી મારાં બહેનનાં લગ્ન પછી મારી માતા સાથે હવે મારી નાની બહેન કામે જાય છે. શક્ય છે કે તેને પણ જલદી પરણાવી દેવાશે કારણ કે માતા-પિતા અમારો ખર્ચ ઉપાડી શકે તેમ નથી.
અમારા વિસ્તારમાં બાળવિવાહ સામાન્ય બાબત છે. જોકે, આ માત્ર મુસ્લિમ સમાજની જ વાત નથી. અમારા ગામમાં ગરીબ પરિવારમાં જન્મેલી દરેક છોકરીનું આ જ નસીબ હોય છે. મારી બહેનનાં લગ્ન થયાં ત્યારે તેની ઉંમર ૧૪ વર્ષની હતી. તેને આગળ ભણવા ન દેવાઈ. તેણે એક પછી એક ત્રણ બાળકોને જન્મ આપ્યો. બધાં જ બાળકોના જન્મ સિઝેરીઅનથી થયાં હતાં. હવે તેની સ્થિતિ એવી છે કે તે અસ્વસ્થ છે અને હાલી-ચાલી શકતી નથી. મારાં માસીના પણ બાળવિવાહ થયાં હતાં. યુવાન વયે ત્રીજી ડિલિવરી વખતે કેટલીક મુશ્કેલી આવતાં તેમનું અવસાન થયું.
માત્ર મારી બહેન જ નહીં મારાં માસી કેટલીક બહેનપણીઓને આ જ સ્થિતિમાં જીવતી મરતી જોઈ છે. હું અને મારા મિત્રો આ અંગે ચર્ચા કરીએ છીએ અને દર વખતે એક જ નિષ્કર્ષ પર આવીએ છીએ કે સ્ત્રીઓની શારિરીક, માનસિક, સામાજિક અને આર્થિક પરિસ્થિતિનું કારણ
બાળવિવાહ છે તેથી તેની નાબૂદી જરૂરી છે.

