નીરવ મોદીઃ કાનૂનના હાથ લાંબા હોય છે

Wednesday 27th March 2019 06:02 EDT
 

કાયદો કોઈની શેહ પૂરતો નથી અને કાનૂનના હાથ લાંબા હોય છે જેવાં ડાયલોગ્સ તો આપણે ઘણી વખત સાંભળ્યા હશે. પરંતુ, હીરાના આંતરરાષ્ટ્રીય વેપારી અને ભારતના ભાગેડુ આર્થિક અપરાધી નીરવ મોદીની જે રીતે લંડનમાં ધરપકડ થઈ અને તેમને જેલમાં ધકેલી દેવાયા ત્યારે આ ડાયલોગ્સ ખરેખર સાચા લાગ્યા. અગાઉ લિકર બેરન વિજય માલ્યાની બાબતમાં પણ આ વાત સાચી પુરવાર થઈ હતી. આ બંને અપરાધીએ ભારતીય બેન્કોને મોટા પાયે ચુનો લગાડવાનું કામ કર્યું છે. એમાં શંકાને કોઈ સ્થાન નથી કે કેટલાક મળતિયાઓની મદદથી જ તેઓ મોટા પાયે છેતરપિંડી કરી શક્યા હતા.
ભારતની પંજાબ નેશનલ બેન્ક (પીએનબી) સાથે આશરે ૧૩,૫૦૦ કરોડ રૂપિયાની છેતરપિંડી કરનારો નીરવ મોદી તાજેતરમાં લંડનના માર્ગો પર બિન્ધાસ્ત ફરતો જોવા મળ્યો હતો. એક પત્રકારની સતર્કતાએ લંડનમાં તેની હાજરીનો ભાંડો ફોડી નાખ્યો. કંઇક વધુ પડતા આત્મવિશ્વાસમાં રાચતો હીરાનો આ વેપારી મેટ્રો બેન્કમાં ખાતું ખોલાવવા પહોંચ્યો ને તેની હાજરીની માહિતી સીધી પોલીસને પહોંચી જતાં તેને વોન્ડ્સવર્થ જેલમાં જવાનો વારો આવ્યો. ઈંગ્લેન્ડ અને વેલ્સમાં સૌથી વધુ કેદીઓ આ જેલમાં બંદીવાન છે. કોર્ટે જામીન આપવાનો ઈનકાર કરી દીધો કારણ કે નીરવ મોદી અન્ય કોઈ દેશમાં ભાગી નહિ જાય તેવી વકીલોની ખાતરીમાં કોર્ટને ભરોસો નથી. આ ઉપરાંત, ભારતમાં કાયદાનું શાસન વધુ મજબૂત બની રહ્યું હોવાનો લોકોમાં વિશ્વાસ વધુ દૃઢ બન્યો છે. અગાઉ લોકમાનસમાં એવી માન્યતા મજબૂત થઇ ગઇ હતી કે માંધાતાઓ કાયદાથી પર છે. તેમને કાયદો સ્પર્શ પણ કરી શકતો નથી કે સરકાર તેમનું કશું બગાડી શકતી નથી.
પીએનબી કૌભાંડ ૨૦૧૭ના ફેબ્રુઆરીમાં ચમક્યું ત્યારે તો નીરવ મોદી અને તેના સાગરિત (મામા) મેહુલ ચોકસીએ ભારત છોડી દીધું હતું. તેમણે તો ધરપકડમાંથી બચવા આગોતરી વ્યવસ્થા કરવા માંડી. મેહુલ ચોકસીએ તો એન્ટિગુઆની નાગરિકતા મેળવી લીધી (જે હવે વિવાદમાં સપડાઈ છે) પણ નીરવ મોદીના બધા પાસાં પોબાર પડ્યા નહિ. ઉત્તર ઓસ્ટ્રેલિયા નજીક પેસિફિક મહાસાગરમાં આવેલા ટાપુરાષ્ટ્ર વાનુઆટુનું નાગરિકત્વ મેળવવા ઈન્વેસ્ટમેન્ટ પ્રોગ્રામના સહારે પ્રયાસ કર્યો પણ સફળતા મળી નહિ. સિંગાપોર સરકારે પણ કોઠું ન આપ્યું. ભારત સરકારે પાસપોર્ટ રદ કરી નાખ્યો હોવાં છતાં નીરવ મોદી બેલ્જિયમ, હોંગકોંગ સહિતના સ્થળોએ ફરીને આખરે યુકે પહોંચ્યો હતો.
હવે, નીરવ મોદીને પ્રત્યાર્પણ દ્વારા ભારતના ન્યાયતંત્ર સમક્ષ ઉભો કરવાના પ્રયાસો શરૂ થયા છે. જોકે, હજુ સુનાવણી ૨૯ માર્ચે કરાશે ત્યારે નીરવ મોદીના વકીલોની ફોજ તેના માટે જામીન મેળવવા આકાશપાતાળ એક કરી નાખશે. જામીન મળી ગયા પછી પ્રત્યાર્પણ માટે લાંબી પ્રક્રિયામાંથી પસાર થવાનું રહેશે.
પીએનબી કૌભાંડમાં નીરવ મોદી કે સામૂહિક બેન્ક લોન કૌભાંડમાં વિજય માલ્યા એકલા આરોપી નથી. નવાઈની વાત તો એ છે કે પીએનબીએ પ્રારંભે તો માત્ર ૨૮૧ કરોડ રૂપિયાનું કૌભાંડ હોવાનું ગાણું ગાયું હતું પણ પાછળથી સાચો આંકડો જાહેર થયો ત્યારે બધાની આંખો ચાર થઈ ગઈ હતી. આ લોકોએ બેન્કોને ફોલી ખાવામાં કાયદામાં છીંડાઓનો લાભ લીધો છે. બીજી તરફ, બેન્ક મેન્જમેન્ટ, ઓડિટર્સ અને ઘણા અંશે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા સહિત સમગ્ર સિસ્ટમને પણ દોષિત ગણવી જોઈએ કે જેમણે આર્થિક અપરાધીઓને માલામાલ થવાનો છૂટો દોર આપીને આંખ આડા કાન કર્યા છે.


comments powered by Disqus