બર્મિંગહામમાં ભારત-યુકે હેલ્થકેર નિષ્ણાતોની કોન્ફરન્સનું આયોજન

Wednesday 27th March 2019 06:12 EDT
 
(ડાબેથી) કોન્સુલ જનરલ અમન પુરી, યુકે ખાતેના ભારતના હાઈ કમિશનર રુચિ ઘનશ્યામ, જેક્વી સ્મિથ અને ડો. ઈન્દુ ભૂષણ
 

હેલ્થકેર ક્ષેત્રે ભારત અને યુકેના સંબંધોને નવી ઉંચાઈએ લઈ જવા માટે અસરકારક પદ્ધતિ અને સહયોગના સંભવિત ક્ષેત્રો વિશે ચર્ચા કરવા માટે બન્ને દેશોના ૧૨૦ જેટલાં ટોચના હેલ્થકેર નિષ્ણાતો ક્વિન એલિઝાબેથ હોસ્પિટલ ખાતે એકઠા થયાં હતા. કોન્ફરન્સનો મુખ્ય ઉદ્દેશ હેલ્થકેર ક્ષેત્રે સંશોધનનો વ્યાપ વધારવા મંચ પૂરું પાડવાનો, નવીન શોધો વિશે ચર્ચાનો હતો.

કોન્સ્યુલેટ જનરલ ઓફ ઈન્ડિયા, બર્મિંગહામ મારફતે ભારતીય હાઈ કમિશન દ્વારા ૨૨ માર્ચે યોજાયેલી કોન્ફરન્સને યુનિવર્સિટી હોસ્પિટલ્સ બર્મિંગહામ, NHS ફાઉન્ડેશન ટ્રસ્ટ, ગ્રેટર બર્મિગહામ એન્ડ સોલીહલ લોકલ એન્ટરપ્રાઈઝ (GBSLEP) અને કન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી (CII)નું સમર્થન હતું.

કોન્ફરન્સનું અધ્યક્ષપદ સંભાળી રહેલા યુએચબી હોસ્પિટલ્સ એનએચએસ ફાઉન્ડેશન ટ્ર્સ્ટના ચેરમેન જાકુઈ સ્મિથે તમામ પ્રતિનિધિઓનું સ્વાગત કર્યું હતું અને બન્ને દેશ વચ્ચેની ભાગીદારી કેવી રીતે લાભકારક થઈ શકે તેની વાત કરી હતી. ભારતના યુકે ખાતેના હાઈ કમિશનર રુચિ ઘનશ્યામે ખાતરી આપી હતી કે બન્ને દેશની સરકારો હેલ્થકેર ક્ષેત્રે સહયોગને મદદ કરવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે આ ક્ષેત્રમાંના હાલના પડકારો પ્રત્યે ધ્યાન આપવા ભારત અને યુકેએ સાથે મળીને કામ કરવાની જરૂર હોવા પર ભાર મૂક્યો હતો. કોન્સુલ જનરલ અમન પુરી, નેશનલ હેલ્થ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના સીઈઓ ડો. ઈન્દુ ભૂષણ, નવી દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલના ચેરમેન ડો. ડી એસ રાણા, મેયર ઓફ વેસ્ટ મીડલેન્ડ્સ એન્ડી સ્ટ્રીટ, મેમ્બર ઓફ યુરોપિયન પાર્લામેન્ટ નીના ગિલ, પ્રીતકૌર ગિલ MP એ પ્રવચનો કર્યા હતા.

અન્ય વક્તાઓમાં તેલંગાણા સરકારના અગ્ર સચિવ જયેશ રંજન, બ્રિટિશ ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્ટરનેશનલ ટ્રેડના ડેપ્યુટી હેડ ઓફ હેલ્થકેર મધુકર બોઝ, પ્રો. વાસીમ હનીફ, પ્રો. ડેરિયસ મિર્ઝા, સાઈ લાઈફ સાયન્સના સીઈઓ કૃષ્ણ કનુમારી, એસ્ટન મેડિકલ સ્કૂલના સ્થાપક પ્રો. આરીફ એહમદ વગેરેએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા.


comments powered by Disqus