ભારતીય અમેરિકન નિઓમી રાવ કોલંબિયાની કોર્ટ ઓફ અપીલ્સનાં ન્યાયાધીશ બન્યાં

Wednesday 27th March 2019 07:13 EDT
 
 

વોશિંગ્ટનઃ જાણીતા ભારતીય અમેરિકન ધારાશાસ્ત્રી નિઓમી જહાંગીર રાવ (૪૫) કોલંબિયાની શક્તિશાળી ગણાતી સર્કિટ કોર્ટ ઓફ અપીલ્સના જજ બન્યાં છે. તેઓએ તાજેતરમાં જજ તરીકે શપથ પણ ગ્રહણ કર્યાં છે. અગાઉ આ પદ પર વિવાદાસ્પદ ન્યાયમૂર્તિ બ્રેટ કાવાનોધ હતાં. અમેરિકાની સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ ક્લારેન્સ ધોમસે વ્હાઇટ હાઉસના રૂઝવેલ્ટ રૂમમાં આ શપથવિધિ હાથ ધરી ત્યારે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તથા રાવના પતિ અલેન લેફકોવિટ્સ પણ ઉપસ્થિત રહ્યા હતા.
નવનિયુક્ત જજ રાવે બાઈબલના નામે સોગંદ લીધા હતા. અમેરિકાના ડેટ્રોઈટમાં રહેતા ભારતીય પારસી પરિવારમાં જન્મેલા નિઓમીનાં માતાનું નામ ઝરીન રાવ છે જ્યારે પિતાનું નામ જહાંગીર નારિઓશાંગ રાવ છે.
અમેરિકી સુપ્રીમ કોર્ટ પછીના ક્રમે આવતી આ શક્તિશાળી કોર્ટમાં જજ બનનારાં નિઓમી, દ્વિતીય ભારતીય અમેરિકી નાગરિક છે. એમના પહેલાં શ્રી શ્રી નિવાસના આ સ્થાને પહોંચ્યા હતા.
પ્રમુખ ટ્રમ્પ ગત નવેમ્બરમાં આ પદ પર નિઓમીની નિમણૂક કરી હતી. જેના પર અમેરિકી સેનેટ ૫૩ વિરુદ્ધ ૪૬ મતે મંજૂરીની મહોર મારી હતી.


comments powered by Disqus