લોકપાલઃ દેર આયે પર દુરસ્ત આયે

Wednesday 27th March 2019 05:59 EDT
 

સુપ્રીમ કોર્ટના કડક આદેશના પરિણામે ભારતના સર્વપ્રથમ લોકપાલ અથવા ઓમ્બડ્સમેન તરીકે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જસ્ટિસ પિનાકીચંદ્ર ઘોષની પસંદગી થઈ છે. સામાન્ય જનતામાં રાજકારણીઓ, પ્રધાનો અને સરકારી અધિકારી પ્રત્યે વિશ્વાસનો સતત અભાવ જોવા મળે છે ત્યારે લોકપાલની નિયુક્તિ ભારતના રાજકીય ઇતિહાસમાં દિશાસૂચક પ્રકરણ લેખાશે તેમાં શંકાને સ્થાન નથી. હોદ્દાના દુરુપયોગ અને ભ્રષ્ટાચાર સંબંધિત ફરિયાદોનો સ્વતંત્ર અને નિષ્પક્ષતાથી નિકાલ કરવા કેન્દ્ર કક્ષાએ લોકપાલની અને રાજ્યકક્ષાએ લોકાયુક્તની ભૂમિકા અસરકારક માધ્યમનું પરિબળ ગણાશે. લોકસભાની ચૂંટણીઓની આચારસંહિતાનો આરંભ થઈ ચૂક્યો છે ત્યારે લોકપાલ બિલનો અમલ ક્યારે, કેવી રીતે અને કયા સ્વરૂપમાં કરવો તે હવે નવી કેન્દ્રીય સરકાર હસ્તક જ રહેશે.
વિશ્વમાં સૌપ્રથમ ૧૮૦૯માં સ્વિડનના નવા બંધારણમાં લોકસેવકો અને સરકારી અધિકારીઓ વિરુદ્ધ કરાતા આરોપોની તપાસ કરીને તેનો અહેવાલ સરકારને આપવા માટે નિરીક્ષક પ્રકારના અધિકારીની નિયુક્તિ કરાઈ હતી, જે સમય જતાં ઓમ્બડ્સમેન પદ્ધતિ તરીકે જ પ્રચલિત બની છે. સ્વતંત્ર અને સર્વોચ્ચ ગણાતા ઓમ્બડ્સમેન અત્યાર સુધીમાં વિશ્વના ૧૪૦થી વધુ દેશોમાં વિવિધ નામથી કાર્યરત છે. ભારતમાં આઝાદી પછીના ૭૨ વર્ષે લોકપાલના નામે આ પ્રકારની સંસ્થા અસ્તિત્વમાં આવી છે.
ભારતમાં લોકપાલ અથવા ઓમ્બડ્સમેન અંગેની વિચારણા અને કાર્યવાહીનો આરંભ છેક ૧૯૬૮માં ‘ભારતીય પ્રશાસનિક સુધારણા આયોગ’ની ભલામણ અનુસાર કરાયો હતો. એ પછી અનેક પક્ષોની સરકારોના શાસનમાં ‘લોકપાલ’ બિલ લોકસભામાં પ્રસ્તુત કરાયું, પરંતુ વિવિધ કારણોસર કાર્યાન્વિત થયું નહિ.
કાયદા સમક્ષ સહુ સમાનના ન્યાયે લોકપાલના કાર્યક્ષેત્રમાં વર્તમાન કે પૂર્વ વડા પ્રધાન, કેન્દ્ર સરકારના પ્રધાનો, સાંસદો, કેન્દ્રીય અધિકારીઓનો સમાવેશ થાય છે. જોકે, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, લોકસભા અધ્યક્ષ, સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસનો તેમાં સમાવેશ થતો નથી.
લોકપાલ તો ભ્રષ્ટાચાર સામેના યુદ્ધમાં પ્રથમ પગલું માત્ર છે. ભ્રષ્ટાચારના દૂષણ સામે લડવામાં તે મદદરૂપ અવશ્ય નીવડશે, પરંતુ સમાજમાં છેક ઊંડે સુધી ઘુસેલા ભ્રષ્ટાચારને દૂર કરવામાં તે રામબાણ ઈલાજ નહિ બની રહે. અત્યાર સુધી કાયદાની ઐસી કી તૈસી જેવી પરિસ્થિતિના કારણે ભ્રષ્ટાચારને છૂટો દોર મળ્યો હતો. વચેટિયાઓ થોડી રકમને ખાતર દેશને વેચી નાખતા ખચકાતા નહોતા. આથી ભ્રષ્ટાચારની ગંગોત્રી ઉપરથી નીચે સુધી ધોધમાર વહેતી હતી. પાર્લામેન્ટ અને વિધાનસભાઓ દ્વારા અનેક કાયદાઓ પસાર કરાયા છે, જેમાં રહેલાં છીંડાના કારણે ભ્રષ્ટાચારની તક સર્જાય છે. ભારતમાં વહેલી તકે આ છીંડા દૂર કરવાની જરૂર છે. કાયદા ઘડાયા પછી પણ તેના અમલમાં જે ગંભીરતા દર્શાવવી જોઈએ તેનો અભાવ પણ સ્પષ્ટ નજરે પડે છે.
આપણે લોકપાલની સ્થાપનામાં કિશન બાબુરાવ ‘અણ્ણા’ હઝારે જેવા સમાજસેવકોની નોંધ અવશ્ય લેવી જોઈએ. આ લોકોના સાર્વત્રિક આંદોલનો અને અનશનોના કારણે સરકાર પર દબાણ વધ્યું અને યુપીએ સરકારને ભ્રષ્ટાચાર નાથવા કડક કાયદો લાવવાની ફરજ પડી હતી, જેનું વચન ૨૦૦૪માં અપાયું હતું. વર્તમાન સરકાર સામે એવો આક્ષેપ થઇ રહ્યો છે કે તેની મુદત પૂર્ણ થવામાં હતી ત્યારે જ આ ખરડો પસાર કરાયો છે. અવશ્ય આ વહેલું થવું જોઈતું હતું, પરંતુ આખરે આ થયું છે તેને તો નકારી શકાય તેમ નથી. જે પણ નવી સરકાર આવશે તે આ કાર્યને આગળ વધારશે. લોકપાલ અને લોકાયુક્તોની રચના સારું પગલું અવશ્ય છે, પરંતુ, ભારતની સંઘીય અને લોકશાહી પદ્ધતિમાં સમતુલા જળવાઈ રહે તે માટે આ અને તેના સભ્યોએ કોઈ પણ રાજકીય પ્રભાવથી સ્વતંત્ર રીતે કાર્ય કરવાનું રહેશે અને તો જ તેનો હેતુ સિદ્ધ થયો ગણાશે.


comments powered by Disqus