સલમાન ખાને સોશિયલ મીડિયા પર જણાવ્યું છે કે, સંજય લીલા ભણસાલીની ફિલ્મમાં તે કામ કરી રહ્યો છે. આ ફિલ્મમાં તેની એક્ટ્રેસ હશે આલિયા ભટ્ટ. સલમાન અને સંજયની જોડી ૨૦ વર્ષ પછી સાથે કામ કરી રહી છે. સલમાને પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર લખ્યું કે, ૨૦ વરસ પછી સંજય લીલા ભણસાલી સાથે કામ કરવાનો આનંદ છે. અમારી આગામી ફિલ્મનું નામ ‘ઇંશાઅલ્લાહ...’ હશે. આલિયા સાથે આ ફિલ્મમાં હું કામ કરવા ઉત્સાહિત છું. ઇંશાલ્લાહ અમે આ સફરમાં સફળ થઇએ.
આલિયાએ આ અંગે જણાવ્યું કે, હું નવ વરસની હતી ત્યારથી મને સંજય લીલા ભણસાલી સાથે કામ કરવાની ઇચ્છા હતી. એ સમયે હું તેમની ઓફિસમાં ગઇ હતી. ત્યારે મને જાણ નહોતી કે મને ભવિષ્યમાં તેમની સાથે કામ કરવાની તક મળશે. આજે મારું આ સપનું પૂરું થઇ રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મ માટે પહેલાં દીપિકા પદુકોણ અને પ્રિયંકા ચોપરાનાં નામ લેવાયા હતા. આલિયાએ હાલમાં જ ‘બાહુબલી’ના મેકર્સ એસ એસ રાજામૌલીની ફિલ્મ ‘આરઆરઆર’ પણ સાઇન કરી છે અને હવે આલિયા સંજય ભણસાલીની ફિલ્મમાં કામ કરવાની છે. આલિયા માટે આ મોટી તક છે કે તેને સલમાન ખાન જેવા સુપરસ્ટાર સાથે અને ભણસાલી જેવા દિગ્દર્શક સાથે કામ કરશે.

