સારંગપુરમાં પૂ. મહંત સ્વામીની નિશ્રામાં પુષ્પદોલોત્સવની ભવ્ય ઉજવણી

Wednesday 27th March 2019 06:10 EDT
 
 

BAPSના વડા પૂ. મહંત સ્વામી હાલ સારંગપુર ખાતે છે. ૨૦મી માર્ચે પૂ. મહંત સ્વામીની ઉપસ્થિતિમાં ગુરુ પરંપરાના ત્રીજા વારસ પૂ. ભગતજી મહારાજની જન્મ જયંતી નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં પૂ. ભગતજી મહારાજના જીવન અને કાર્યો વિશે સૌને માહિતગાર કરાયા હતા. ૨૧મીએ ધૂળેટીના પર્વે પૂ.મહંતસ્વામીની નિશ્રામાં પુષ્પદોલોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે ભારત તેમજ અમેરિકા, ઈંગ્લેન્ડ, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, કેનેડાથી અંદાજે ૫૦ હજારથી વધુ હરિભક્તો અને ૭૦૦થી વધુ સંતો પધાર્યા હતા. ઘણા હરિભક્તો વિશેષ ભક્તિ અર્પણ કરવા પદયાત્રા અને સાયકલયાત્રા કરીને પણ આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન વ્યવસ્થા જાળવવા માટે ૧૦ હજાર સ્વયંસેવકોએ ખડે પગે સેવા આપી હતી.

આ ઉજવણીનો મધ્યવર્તી વિચાર ‘વચનામૃતના રંગો’ હતો. આ નિમિત્તે યોજાયેલી સભામાં સંતોએ વચનામૃતના જીવન સંદેશા વિશે પ્રેરક પ્રવચનો કર્યા હતા. BAPS વિદ્યામંદિર અને બોટાદના બાળકોએ ભક્તિનૃત્ય પણ રજૂ કર્યા હતા. પૂ. મહંતસ્વામીએ આશીર્વચન આપતા કહ્યું, ‘ જેને અક્ષરપુરુષોત્તમની નિષ્ઠા થઈ તેના ભાગ્યનો પાર નથી. તે કાળ, કર્મ અને માયાથી પર થઈ ગયો.’

ત્યારબાદ ‘ફૂલોંકી હોલી’નો ઉત્સવ ઉજવાયો હતો. સૌપ્રથમ પૂ.મહંતસ્વામીએ હરિકૃષ્ણ મહારાજને પુષ્પપાંખડીઓથી વધાવ્યા. પ્રતિવર્ષ પાણીથી રંગોત્સવની પરંપરા હોવા છતાં આ વર્ષે પાણીની અછતની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પુષ્પોનો ઉત્સવ કરી સમાજ માટે પાણીના બચાવનું પ્રેરક ઉદાહરણ પૂરું પડાયું હતું. પૂ.મહંતસ્વામીએ સંતો અને ભક્તો પર પુષ્પ વર્ષા કરી હતી. સભાસ્થળમાં ઠેર ઠેર વિવિધ રંગ ઉડાડવામાં આવતા સમગ્ર માહોલ વિવિધ રંગોના મિશ્રણથી ભરાઈ ગયો હતો.

૨૪મીએ પૂ. મહંત સ્વામીની નિશ્રામાં રવિ સભા યોજાઈ હતી. તેમાં ‘અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત સાચો’ વિષય પર યુવા તાલીમ કેન્દ્ર સારંગપુરના યુવકોએ નૃત્ય તથા સંવાદ રજૂ કર્યા હતા.


comments powered by Disqus