બ્રેન્ટ કાઉન્ન્સિલ દ્વારા BAPS ચેરિટીઝની હેલ્થ કેર ટીમ દ્વારા યોજાતા કોમ્યુનિટી કાર્ડિયોવાસ્ક્યુલર સ્ક્રિનીંગ પ્રોગ્રામ્સની પ્રશંસા રૂપે BAPS ચેરિટીઝને ‘કોમ્યુનિટી પ્રોજેક્ટ ઓફ ધ યરનો એવોર્ડ’ અર્પણ કરાયો હતો. બ્રેન્ટ બરોને નિઃસ્વાર્થ ભાવે સેવા અને યોગદાન આપનાર તથા ૨૦૧૯માં બ્રેન્ટને રહેવા માટે શ્રેષ્ઠ સ્થળ બનાવનારા તેમજ તેને માટે કાર્ય કરનાર વ્યક્તિઓ, કોમ્યુનિટી ગ્રૂપ્સ અને લોકલ બિઝનેસીસને અપાતા ‘પ્રાઈડ ઓફ બ્રેન્ટ એવોર્ડ્સ’ના ભાગરૂપે BAPS ચેરિટીઝને આ એવોર્ડ અપાયો હતો.
લંડનમાં બ્રેન્ટ સિવિક સેન્ટરના ગ્રાન્ડ હોલમાં ૨૧ નવેમ્બરને ગુરુવારે યોજાયેલા આ વિશેષ એવોર્ડ સમારોહમાં મેયર ઓફ બ્રેન્ટ કાઉન્સિલર અર્નેસ્ટ એઝેજુગી, બ્રેન્ટ કાઉન્સિલના ચીફ એક્ઝિક્યુટિવ કેરોલિન ડાઉન્સ અને લીડર ઓફ બ્રેન્ટ કાઉન્સિલ કાઉન્સિલર મુહમ્મદ બટ્ટે BAPS ચેરિટીઝના વોલન્ટિયર્સને આ એવોર્ડ એનાયત કર્યો હતો.
BAPS ચેરિટીઝ છેલ્લાં દસ વર્ષથી કોમ્યુનિટી કાર્ડિયોવાસ્ક્યુલર સ્ક્રિનીંગ સેશન્સ માટે ધ રોયલ ફ્રી હોસ્પિટલ NHS ટ્રસ્ટ ખાતે લિપિડ સ્ક્રિનિંગ ટીમના સભ્યોને સહયોગ આપી રહી છે. તેમાંના ઘણાં પ્રોગ્રામ BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર, નીસડન લંડન ખાતે યોજાયા હતા. આ સેશન્સનો હેતુ જે લોકોમાં અગાઉ હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, સ્થૂળતા. કિડનીનો રોગ અને કોલેસ્ટ્રોલનું વધુ પ્રમાણનું નિદાન ન થયું હોય તેમનામાં આ રોગોન પ્રાથમિક લક્ષણોની તપાસનું હોય છે. ક્લિનિક દ્વારા તપાસમાં જે લોકોને હૃદયરોગ થવાનું વધુ જોખમ હોય છે તેમની વિશેષ સંભાળ લેવામાં આવે છે અને આ રોગને અટકાવવા માટે જીવનશૈલીમાં કેવા ફેરફાર કરવા તેના વિશે માર્ગદર્શન અપાય છે.
સમારોહમાં ઉપસ્થિત રહેલા કોમ્યુનિટીના સભ્ય નિર્મલ પટેલે પોતાના પ્રતિભાવમાં જણાવ્યું હતું,‘BAPS ચેરિટીઝના વોલન્ટિયર્સ તેમનો ઘણો સમય આ પ્રોજેક્ટ માટે આપે છે. મેં પણ આ સ્ક્રિનિંગનો લાભ મેળવ્યો છે. તેઓ સહેજ પણ થાક્યા વિના કોમ્યુનિટીની સેવા કરી રહ્યા છે.’
BAPSના વોલન્ટિયર યોગેશ ખત્રીએ ઉમેર્યું,‘ આ એવોર્ડ પ્રાપ્ત કરતા અમે ખૂબ આનંદ અને સન્માનની લાગણી અનુભવીએ છીએ. ૨૯ કરતાં વધુ વોલન્ટિયર્સ આ કોમ્યુનિટી પ્રોજેક્ટને સમર્પિત છે અને આ પ્રોજેક્ટને સફળ બનાવવા માટે તેમણે ખૂબ મહેનત કરી છે અને તેનાથી ઘણાં લોકોના જીવનમાં હકારાત્મક ફેરફાર થયો છે.
