ઈંગ્લેન્ડનો દરિયો તટવર્તી શહેરોને ગળી જશેઃ સદીના અંતે ૭,૦૦૦ ઘર ડૂબશે

Tuesday 26th November 2019 05:32 EST
 
 

 

લંડનઃ ઈંગ્લેન્ડનો સમુદ્રતટ ધીરે ધરે જમીનને ગળી રહ્યો છે. એક અભ્યાસ મુજબ આ સદીના અંત સુધીમાં આશરે ૭,૦૦૦ ઘર દરિયામાં અદૃશ્ય થઈ જશે. નોર્ફોકમાં હેપીશબર્ગને સૌથી ખરાબ અસર થવાની છે જ્યાં, આગામી ૨૦ વર્ષના ગાળામાં ૩૧૮ ફૂટનું ધોવાણ જોવા મળશે. આ સ્થળે ૧૦,૩૭૭ ઘર છે અને ભેખડો ધસી પડવાના લીધે ૩૫ ઘર તો દરિયાદેવે ગળી લીધાં છે.

હોમ ઈન્સ્યુરન્સ પ્રોવાઈડર confused.com દ્વારા તૈયાર કરાયેલો નકશો આગામી ૨૦ વર્ષમાં સમુદ્રતટે આવેલાં નગરો પર તોળાતાં જોખમને જણાવે છે. નકશામાં યુકે એન્વિરોન્મેન્ટલ એજન્સીના નેશનલ કોસ્ટલ રિસ્ક મેપિંગ પ્રોજેક્ટ દ્વારા એકત્રિત ડેટા તેમજ મરિન ક્લાઈમેટ ચેઈન્જ ઈમ્પેક્ટ્સ પાર્ટનરશિપના આંકડાનો ઉપયોગ કરાયો છે. નિષ્ણાતો માને છે કે આ નકશાથી તટવર્તી વિસ્તારોમાં રહેતાં લોકો તેમના ઘર સામેનાં જોખમનું મૂલ્યાંકન કરી શકશે.

નિષ્ણાતો કહે છે કે સૌથી વધુ નુકસાન પૂર્વીય તટને થશે. યોર્કશાયર અને હમ્બરના સમુદ્રીતટમાં ધોવાણનો દર પ૬ ટકા જેટલો ઊંચો છે. આ ઉપરાંત, ઈંગ્લેન્ડના દક્ષિણતટના ત્રીજો ભાગનો વિસ્તાર સમુદ્રના લીધે સતત ધોવાઈ રહ્યો છે અને નોર્ફોક, સફોક તેમજ ઈસ્ટ/વેસ્ટ સસેક્સ સામે જોખમ સર્જાયું છે. નિષ્ણાતો એમ પણ કહે છે કે જો સક્રિય પગલાં નહિ લેવાય તો પાછાં ખસતાં તટના કારણે સદીના અંત સુધીમાં ૭,૦૦૦ જેટલાં ઘર દરિયામાં અદૃશ્ય થઈ જશે. ખાસ કરીને નોર્ફોક, ચાઈને એન્ડ વીઅર, સફોક અને યોર્કશાયર કાઉન્ટીઓ માટે વધુ રક્ષણની જરૂર છે.

હજારો ઘરના નુકસાનની આગાહી ઉપરાંત, એજન્સીનો ડેટા જણાવે છે કે આ વિસ્તારોમાં હાલ રહેલી આશરે ૫૨૦,૦૦૦ પ્રોપર્ટીઝને તટપ્રદેશમાં પૂરના જોખમનો ભારે ભય છે. જો કોઈ પગલાં નહિ લેવાય તો આ આંકડો ૨૦૮૦ સુધીમાં ત્રણગણો વધીને આશરે ૧.૫ મિલિયનનો થઈ જશે તેવી ચેતવણી નિષ્ણાતો આપે છે. યુકેના એન્વિરોન્મેન્ટ મિનિસ્ટર થેરેસ કોફી અનુસાર ઈંગ્લેન્ડમાં છમાંથી એક વ્યક્તિ પૂરના જોખમ હેઠળની પ્રોપર્ટીમાં રહે છે. આ જોખમમાં તટક્ષેત્રના ખવાણ, સમુદ્રની વધતી સપાટી અને ક્લાઈમેટ ચેઈન્જના કારણે વધારો થઈ રહ્યો છે.


comments powered by Disqus