પૂ. મહંત સ્વામીએ કહ્યું, ‘યુવા તાલીમ કેન્દ્ર એ ક્લાસ નથી, જીવનઘડતરનું સાધન છે’

Wednesday 27th November 2019 05:04 EST
 
 

BAPSના વડા પૂ. મહંત સ્વામી હાલ બોચાસણ ખાતે બિરાજમાન છે. ૧૯મીને મંગળવારે પૂ. મહંત સ્વામીએ પૂજા દર્શન આપ્યા હતા. આશીર્વાદમાં તેમણે કહ્યું,‘ સામેવાળો ગમે તેવો હોય આપડે શું ? મહારાજે નિર્દોષ જોવાની આજ્ઞા કરી માટે આપણે આંખ મીંચીને આ આજ્ઞા પાળવી.’ ૨૦મીએ સવારે પૂજા દર્શન બાદ આશીર્વચન પાઠવતા પૂ. મહંત સ્વામીએ કહ્યું,‘ સત્સંગમાં બધા દિવ્ય છે, મુક્ત છે. સાસુ - વહુ એ બધા નાતા દૈહિક છે. સત્સંગમાં સાસુ - વહુનો નાતો ના જોઈએ.’ ૨૧મીએ આશીર્વાદમાં તેમણે કહ્યું,‘ આપણો દેહ અને આત્મા જુદા સમજવા. જેને સત્સંગ થયો છે તેમને તો આ દેહ બહુ અમૂલ્ય છે. બીજા રવાડે ચડી ન જવું. સત્સંગની વાત સમજવી અને લાઈનમાં રહેવું. ૨૨મીએ સત્સંગ સભા યોજાઈ હતી. જેમાં નૃત્ય અને સંવાદ રજૂ થયા હતા. આશીર્વાદમાં પૂ. મહંત સ્વામીએ કહ્યું, ‘જેને ભગવાનનું અખંડ ચિંતવન હોય તે અક્ષરધામમાં જ બેઠો છે. આપણને એવી મોટી પ્રાપ્તિ થઈ છે કે કામ, ક્રોધ, લોભ બધું ઓગળી જાય.’ ૨૪મીએ યુવા તાલીમ કેન્દ્રનો પદવીદાન સમારોહ યોજાયો હતો. તેમાં ભગવાન અને આવા ગુરુના આશીર્વાદથી આ જમાનામાં સારામાં સારું ચારિત્ર્ય જાળવી શકાય છે તેવા મધ્યવર્તી વિચાર સાથે ચારિત્ર્યને દ્રઢ કરાવે તેવો સાંસ્કૃતિક કાર્યક્રમ યુવકો દ્વારા રજૂ કરાયો હતો. યુવકોએ નૃત્ય અને સંવાદ ભજવ્યો હતો. પૂ. મહંત સ્વામીએ યુવકોને અપાનારા સર્ટિફિકેટને પ્રસાદીભૂત કર્યા હતા. આશીર્વાદમાં તેમણે કહ્યું,‘ યુવા તાલીમ કેન્દ્ર એ ક્લાસ નથી, જીવનઘડતરનું સાધન છે.’ છેલ્લે તેમણે કહ્યું,‘આપણા ગુરુની લાજ ન જાય તે રીતે વર્તવું.’

૨૫મીએ સવારે પૂજા દર્શન બાદ આશીર્વચન પાઠવતા પૂ. મહંત સ્વામીએ કહ્યું,‘ કોઈ આપણને કહી જાય (અપમાન કરી જાય) તો સમજવું કે ભગવાને એના દ્વારા કહ્યું.’ તેઓ ૨૮મીને ગુરુવારે વિચરણ માટે મુંબઈ જવા રવાના થશે. 


comments powered by Disqus