સંક્ષિપ્ત સમાચાર (યુકે)

Wednesday 27th November 2019 05:23 EST
 

                                         • યુકેમાં યુનિવર્સિટી સ્ટાફની હડતાળથી વિદ્યાર્થીઓને મુશ્કેલી

પગાર અને પેન્શનના મુદ્દે યુકેની ૬૦ યુનિવર્સિટીનો સ્ટાફ આઠ દિવસની હડતાળ પર ઉતરી જતાં એક મિલિયન વિદ્યાર્થીઓ શિયાળાની પરીક્ષા પહેલા મુશ્કેલીમાં મૂકાયા છે. ૨૫મીએ સવારે લેક્ચરર્સ, ટીચરો, લાયબ્રેરિયન, ટેકનિશિયન્સ, સ્ટુડન્ટ સપોર્ટ એન્ડ એડમિશન વર્કર્સ સહિત ૪૩,૦૦૦ જેટલો સ્ટાફ હડતાળ પર ઉતરી ગયો હતો. હડતાળથી અભ્યાસનો જે સમય બરબાદ થશે તે ભરપાઈ કરવાનો તેમણે ઈનકાર કરતા વિદ્યાર્થીઓ તેમના કોર્સના મહત્ત્વનો ભાગ ચૂકી જશે.

                                            • લેડી હાલે હોંગકોંગની કોર્ટમાં જજ તરીકે ફરજ બજાવશે

બ્રિટિશ કોલોનીના પૂર્વ સભ્ય હોંગકોંગનું ન્યાયતંત્ર બેજિંગથી અલગ હોવાનું દર્શાવવાનો પ્રયાસ કરી રહ્યું છે ત્યારે સુપ્રીમ કોર્ટના પ્રેસિડેન્ટ અને રિચમન્ડના બેરોનેસ હાલે એક મહિના માટે હોંગકોંગની સર્વોચ્ચ અદાલતમાં જજ તરીકે ફરજ બજાવશે. ગયા સપ્ટેમ્બરમાં પાર્લામેન્ટને વિખેરી નાખવાના બોરિસ જહોન્સનના પગલાંને ગેરકાયદેસર જાહેર કરનારા લેડી હાલે નવા નર્ષમાં હોંગકોંગની કોર્ટ ઓફ ફાઈનલ અપીલની બેંચમાં જજ તરીકે હંગામી ધોરણે ફરજ બજાવશે.

                                         • વડીલોની સંભાળની જવાબદારી વહેલા ઉઠાવતી મહિલાઓ

અડધોઅડધ મહિલાઓ તેમની ચાલીસીના મધ્યભાગ સુધી પહોંચે ત્યાં સુધીમાં તે વેતન લીધા વિના પોતાના કોઈ સ્વજનને સહાય પૂરી પાડતી હોવાનું સારસંભાળ વિશેના અહેવાલમાં જણાવાયું હતું. તેઓ પુરુષો કરતાં સરેરાશ એક દાયકા પહેલા વડીલ, બીમાર અથવા વિકલાંગ સ્વજનની સંભાળની જવાબદારી સ્વીકારે છે. સંશોધન દર્શાવે છે કે મહિલાઓ ૪૬ની વયે જ્યારે પુરુષો ૫૭ વર્ષે આ જવાબદારી લે છે. તેમાં એવું પણ જણાયું હતું કે યુકેમાં ૬૬ ટકા જેટલાં વયસ્કો તેમના જીવનકાળમાં કોઈ પણ મહેનતાણા વિના કેરર બને તેવી શક્યતા હોય છે.

                                               • ટેસ્કોએ બજારમાંથી નકલી મધ પાછું ખેંચ્યું

ટેસ્કોએ મધની પોતાની બ્રાન્ડ પૈકી એક સામાન્ય ખાંડમાંથી બનાવેલી સસ્તી ચાસણી ધરાવતું હોવાનું ટેસ્ટીંગમાં બહાર આવ્યા બાદ તે વેચાણમાંથી પાછું ખેંચી લીધું હતું. શરૂઆતમાં તો ટેસ્કોએ તે મધ પાછું ખેંચવાનો ઈનકાર કર્યો હતો. પરંતુ, એક અગ્રણી ફૂડ સેફ્ટી નિષ્ણાતે ગ્રાહકોનો વિશ્વાસ જાળવી રાખવા મધ પાછૂં ખેંચવા અનુરોધ કરતાં ટેસ્કોએ તે બજારમાંથી પાછું ખેંચ્યું હતું.

                                                  • ટ્વીટર પર મુસ્લિમ મહિલાની પ્રશંસા

લંડન અંડરગ્રાઉન્ડ પર જ્યૂઈશ બાળકો સામે એન્ટિસેમીટીક શબ્દો ઉચ્ચારી રહેલા એક પુરુષ સાથે અસમા શુવૈખ નામની મહિલાએ ઝઘડો કર્યો હતો. તેનો વીડિયો વાઈરલ થતાં ટ્વીટર યુઝર્સે તે મહિલાની પ્રશંસા કરી હતી. અસમાએ જણાવ્યું હતું કે આવું ફરી કરતા તે ખચકાશે નહીં. બાદમાં રંગભેદી ટીકા કરીને જાહેર કાયદો અને વ્યવસ્થાનો ભંગ કરવાની શંકાના આધારે એક પુરુષની ધરપકડ કરાઈ હતી.

                                       • દરેક સેલમાં બે કેદી રાખવાથી વધુ ૫૦૦નો સમાવેશ થઈ શકે

સ્કોટલેન્ડની જેલોના વડાએ જણાવ્યું હતું કે દેશની જેલોના દરેક સેલમાં બે કેદીઓને રાખવામાં આવે તો વધુ ૫૦૦ કેદીનો સમાવેશ થઈ શકે. સ્કોટિશ પ્રિઝન સર્વિસ (SPS)ના ચીફ એક્ઝિક્યુટિવ કોલિન મેકકોનેલે જણાવ્યું હતું,‘ તેમણે વધારાના કેદીઓનો સમાવેશ કરવો હશે તો તે ગુનેગારો અથવા સ્ટાફ માટે ‘ખૂબ સારો અનુભવ’ નહીં હોય. દરેક સેલમાં બે કેદીને રાખીને જગ્યા કર્યા બાદ SPS એ ઓપન જેલમાં ગુનેગારોને મોકલવાના ધારાધોરણોની સમીક્ષા કરવી પડશે. તેનાથી જોખમ વધશે. પરંતુ, ગુનેગારોની સંખ્યા વધી જશે તો આ જોખમ પણ ઉઠાવવું પડશે.’

• ૨૩,૦૦૦ યુરો જીતનારી મહિલાને લૂંટનારા બેને જેલ

કેસિનોમાં રાઉલેટ રમીને ૨૩,૦૦૦ યુરો જીતનારી ૭૩ વર્ષીય મહિલાને તેના ઘરની બહાર જ લૂંટી લેનારા બે વ્યક્તિને જેલની સજા કરાઈ હતી. ગેટાવેના ૩૬ વર્ષીય ડ્રાઈવર ડેક્લન કોનોલીને અઢી વર્ષની સસ્પેન્ડેડ સજા સાથે પાંચ વર્ષની જેલ જ્યારે મહિલાનો પીછો કરનારા ૨૭ વર્ષીય બ્રાયન ઈંગ્લિશને ત્રણ વર્ષની સસ્પેન્ડેડ સજા કરાઈ હતી. ડબલિનના સેન્ટ્રી એવન્યુના કોનોલીએ ૭ ઓક્ટોબર,૨૦૧૬ના રોજ ટેમ્પલોગમાં લૂંટ કર્યાની અને નોર્થ કિંગ સ્ટ્રીટના ઈંગ્લિશે ચોરીની કબૂલાત કરી હતી.

                                             • સિક્યુરિટી ગાર્ડે આર્ટ વર્ક ચોરીને નાણાં ઉભા કર્યા

કેથોલિક સ્કૂલમાં નાઈટ શિફ્ટમાં ફરજ બજાવતા સ્વોર્ડ્સના ૪૧ વર્ષીય સિક્યુરિટી ગાર્ડ પેટર બેલિન્ટે આર્ટ વર્ક ચોરીને સોધબીઝ ઓક્શન હાઉસને વેચી માર્યું હતું. તેણે જાન્યુઆરી ૨૦૧૩થી જૂન ૨૦૧૪ વચ્ચે ડબલિન કાઉન્ટીના ડ્રમકોન્ડ્રાની ઓલ હેલોઝ કોલેજમાંથી ૩૩ આર્ટ પ્રિન્ટ અને ૧૫૦૧ પહેલા છપાયેલું પુસ્તક ‘incunabula’ ચોર્યાનું અને કેટલીક ચીજોના ૨૦,૦૦૦ યુરો મળ્યાનું કબૂલ્યું હતું. તેને ચાર પ્રેયર બુક અને અન્ય છ પુસ્તકો ચોરવા બદલ પણ દોષિત ઠેરવાયો હતો.


comments powered by Disqus