સંસ્કૃતિ સેન્ટર ફોર એક્સેલન્સ દ્વારા તાજેતરમાં યુનિવર્સલ ચીલ્ડ્રન્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી. તેમાં લંડનના ૫થી ૧૨ વર્ષની વયના ૩૦ બાળકોએ ભાગ લીધો હતો. બાળકોએ કાર્યક્રમમાં ગીતો ગાયા હતા તેમજ શાસ્ત્રીય અને લોકનૃત્ય રજૂ કર્યા હતા. તેમણે ગિટાર જેવા મ્યુઝિકલ ઈન્સ્ટ્રયુમેન્ટ્સ વગાડ્યા હતા અને શ્લોકો તેમજ કવિતાઓનું ગાન કર્યું હતું.
કાર્યક્રમમાં ભાગ લેનારા તમામ બાળકોને જાણીતા લાઈફ કોચ ડો. વિશ્વનાથ કોક્કોન્ડાના હસ્તે સર્ટિફિકેટ એનાયત કરાયા હતા. ડો.કોક્કોન્ડાએ જણાવ્યું હતું કે બાળકોના વ્યક્તિત્વ વિકાસમાં પર્ફોર્મિંગ આર્ટ્સની મહત્ત્વની ભૂમિકા છે. રાગસુધા વિંજામૂરીએ જણાવ્યું હતું કે કળા શીખવા અને તેની પ્રેક્ટિસ કરવાથી બાળકોમાં સંસ્કારનું સિંચન થાય છે. વીરાસત અને સાંસ્કૃતિક પાસાઓ શીખવા માટે બાળકોને પ્રોત્સાહિત કરવા બદલ તેમણે પેરેન્ટ્સનો આભાર માન્યો હતો.
આ કાર્યક્રમનું આયોજન ‘સેવ ધ ચીલ્ડ્રન’ના લાભાર્થે કરાયું હતું.

