અંતરને ઉજાળવાનો અલૌકિક અવસર : પર્વાધિરાજ પર્યુષણ આવ્યા રે….

-જ્યોત્સના શાહ Wednesday 28th August 2019 06:47 EDT
 
 

પર્યષણ પર્વના આઠ દિવસોમાં સંસારના મૂલાધાર સમાન ચાર કસાયો ૧) ક્રોધ ૨) માન ૩)માયા ૪)લોભથી મુક્તિ મેળવી ૫) ૫) મન શુધ્ધિ ૬) વચન શુધ્ધિ ૭)કાય શુધ્ધિની પ્રાપ્તિ અને ૮) સમસ્ત સંસાર સાથે મંગલ મૈત્રી સંબંધોનું મંડાણ..

તો ચાલો...આપણે આ આઠ અલૌકિક આદર્શોનું ચિંતન કરી મનને નિર્મળ બનાવીએ. પર્વાધિરાજની આરાધના માટે પાંચ મુખ્ય કર્તવ્યો જણાવ્યા છે: ૧) આમારી ઉદ્ઘોષણા૨) સાધર્મિક વાત્સલ્ય ૩)પરસ્પર ક્ષમાપના ૪) અઠ્ઠમનો તપ ૫) ચૈત્ય પરિપાર્ટી. જેમાં આત્મ શુધ્ધિના તત્વો સમાયેલા છે. આ પાવનકારી દિવસોમાં ધાર્મિક પુસ્તક "કલ્પસૂત્ર"નું વાંચન અને છેલ્લા દિવસે પવિત્ર આગમ ગ્રંથ "બારસા સૂત્ર" નું વાંચન થાય છે. ‘અહિંસા પરમો ધર્મ' એ જૈનોનું સૂત્ર છે. અનેકાન્તવાદ તેમજ અપરિગ્રહ જૈન દર્શને જગતને આપેલ મૌલિક અને મૂલ્યવાન ભેટ છે.

ભારતમાં કે વિદેશમાં વસતાં લાખો જૈનોના ઘરોમાં પર્વાધિરાજ પર્યુષણના આગમનનો આનંદ છવાઇ ગયો હશે. તન-મન-ધનને ધન્ય બનાવવાનું આ અનન્ય પર્વ છે. સાંસારિક પ્રવૃત્તિઓ ઘટાડી આંતરખોજ કરવાનો અવસર આપતાં આઠ દિવસના આ પર્વ દરમિયાન તપ-જપ-ધ્યાન-પૂજા-ભક્તિ-ભાવનામાં લીન બની રાગ-દ્વેષ, મોહ, માયા, માન, લોભ….આદી વૃત્તિઓ પર કાબૂ મેળવવા મનને કેળવવાની કસોટીમાંથી પાર ઉતરનાર જીવ ભવસાગર તરી જાય છે. તન-મનની નિર્મળતા જીવનને દીર્ઘજીવી ખુશીઓના ખજાનાથી ભરી દે છે. ખુશીની ખોજમાં આપણે સૌ ભટક્યા કરીએ છીએ પણ એ આસાનીથી આપણા હાથમાં આવતી નથી! કસ્તુરી મૃગની નાભિમાં છે એનો ખ્યાલ મૃગને ન હોવાને કારણે એ એની શોધમાં વન-વન ભટક્યા કરે છે એના જેવા આપણા હાલ છે. એ વિષેની જાગૃતતા લાવવાની મહત્તા આ પર્વની વિશેષતા છે. ક્ષમા એનો પ્રાણ છે.

જાણતાં-અજાણતાં, વાણી-વર્તન, આચાર-વિચારમાં આપણે વર્ષભરમાં અસંખ્ય ભૂલો કરતા હોઇએ છીએ જેનો વિચાર કરી થઇ ગયેલ એ ભૂલોનું પુનરાવર્તન ન થાય એ માટેની સજાગતા કેળવવાની છે.

સૌ જૈનો આ પર્વ દરમિયાન ભગવાનની સેવા-પૂજા, વ્યાખ્યાન શ્રવણ, સામાયિક, પ્રતિક્રમણ, ભાવના જેવી ક્રિયાઓમાં પ્રવૃત્ત બની ભાગંદોડ કરતા હોય છે, એ દેખા-દેખીનો ખેલ છે કે એનો મર્મ બરાબર જાણી ખરા અંત:કરણપૂર્વક કરીએ છીએ એ સવાલ આપણી જાતને કરવાનો છે.

'મને માફ કરો'.. એવું કહેવા માટે નમ્રતા જોઇએ અને બીજાને માફ કરવા ઉદારતા જોઇએ. અહંકારને ગૌણ બનાવ્યા વિના સાચા દિલથી બીજાની માફી માગી શકાતી નથી અને દિલને વિશાળ બનાવ્યા વિના સાચા અંત:કરણથી બીજાને માફી આપી શકાતી નથી. ભીતરમાંથી વેરને વિદાય કરવાની વાત છે.આપણે બહારથી તો 'મિચ્છામિ દુક્કડમ્' કહીએ છીએ પણ વારંવાર મનમાં જાગેલા ભાવ, 'એણે મને વિના કારણ હેરાન કર્યો છે, જ્યાં સુધી એનો બદલો ના લઉ ત્યાં સુધી મને ચેન પડવાનું નથી!’ નું શમન નહિ થાય ત્યાં સુધી સળગતા કોયલા પર રાખ નાખી દેવા જેવું છે. પવનની એક લહેર એ રાખને ઉડાડી એ અસલ સ્વરૂપમાં આવતા હાનિ સર્જે છે એમ દુષ્ટ ભાવના દિલમાંથી વિદાય કર્યા સિવાય સદ્ભાવના આવવાની નથી!

અંત:કરણને ક્ષમાપનાના શીતલ જળથી પરિપલ્લવિત કરવા માટેનો સૌથી સુંદર અને અક્સીર ઉપાય એ છે કે, જગતના જીવ માત્ર પ્રત્યેના પ્રેમ-વાત્સલ્યને પરાકાષ્ટાએ લઇ જઇ ઉદાત્ત દિલના સ્વામિ બનો..પછી એનો પ્રતાપ જુઓ!

અંધકાર મીટાવવા જ્યોત જગાવવી જ પડે તો જ પ્રકાશ રેલાય તેમ દુશ્મનાવટની દિવાલ તોડવા દિલને પ્રેમસભર બનાવવું જ પડે. કવિ કલાપીની પંક્તિઓ...''હા...પસ્તાવો..વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી એમાં ડૂબકી દઇને પુણ્યશાળી બને છે..”

ની જેમ હ્દયપૂર્વક પ્રાયશ્ચિત કરવાનું છે. આપણું દિલ પ્રેમ સભર બને તો સામાના દિલમાં પણ ચમત્કાર સર્જાય છે અને સુખ-સંતોષની અનુભૂતિ થયા વિના નથી રહેતી.

ગુરુદેવ પૂ.ચિત્રભાનુજીનું આ સર્વશ્રેષ્ઠ ગીત 'મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરો, શુભ થાઓ આ સકળ જગનું એવી ભાવના નિત્ય રહો...’ ની જેમ પર્વાધિરાજ પર્યુષણની આરાધના થાય તો સાચે જ મોક્ષ માર્ગ પ્રતિ પ્રયાણની આપણી ગતિ-વિધિને સફળતા વરે!

માફી માગો. માફી આપો. મૈત્રીના મંડાણ કરો અને શાંતિને પામો...આ જીવન મંત્ર આપણા જીવનને મહેંકતું કરી દેશે.

પર્વાધિરાજ પર્યુષણના સાર સ્વરૂપ સંવત્સરી મહાપર્વ એટલે આઠમો દિવસ. પર્વના પ્રથમ સાત દિવસો દરમિયાન પરીક્ષાની પૂર્વ તૈયારી અને આઠમો દિવસ પરીક્ષાનો! શરૂઆતના સાત દિવસ જે કાંઇ સાધના-આરાધના કરી એની સફળતાનું સરવૈયું કાઢવાનો અવસર. જગતના જીવ માત્ર પ્રત્યે શત્રુતાનો સંહાર કરી મૈત્રીનો મધુર નાદ જગાવવાનો છે. આરાધનાના પાંચ કર્તવ્યોમાં મુખ્ય કર્તવ્ય છે ક્ષમાપના. તમામ કર્તવ્યો કર્યા પછી ય અંતરના આકાશમાં ક્ષમાભાવનાનો સૂરજ ના ઉગે તો મૈત્રીભાવનો મંગલનાદ ક્યાંથી જાગે! આ પરમ પવિત્ર પર્વ નિમિત્તે હું 'ગુજરાત સમાચાર"ના તમામ વાચક મિત્રોને હ્દયપૂર્વક ખમાવું છું.

"ખામેમિ સવ્વ જીવ્વે,

સવ્વે જીવ્વા ખમંતુ મે,

મિત્તિમે સવ્વ ભૂએસ્સુ,

વેરં મજ્ઝં ન કેણઇ"

(જગતના તમામ જીવોને હું ખમાવું છું. સર્વ જીવો મને ક્ષમા આપે. ત્રણે લોકમાં મારે કોઇની સાથે વેર નથી.)

પ્રભુ મહાવીરની વાણી, ‘સામો થાય આગ...તો તું થજે પાણી', ‘ક્રોધ દુ:ખનો દરિયો છે, ક્ષમા સુખનો સાગર" “વેરથી વેર શમે નહિ જગમાં, પ્રેમથી પ્રેમ વધે જીવનમાં"ના સનાતન સંદેશથી મારા લેખનું સમાપન કરું છું.


comments powered by Disqus