આંબેડકર હાઉસને મ્યુઝિયમ બનાવવા સામે નિવાસીઓનો વિરોધ

Wednesday 28th August 2019 07:01 EDT
 
 

લંડનઃ ભારતના પૂજનીય ‘સ્થાપક પિતાઓ’ પૈકી એકની નિશાની સતત લંડનના શાંત વિસ્તારમાં રહી છે. શહેરના સમૃદ્ધ પ્રિમરોઝ હિલની આસપાસનો વિસ્તાર મોટેલ કેટ મોસથી લઈને એક્ટર ડેનિયલ ક્રેગ સહિતની ઘણી સેલિબ્રિટીઝના ઘર સમાન રહ્યો છે. પરંતુ, ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત સેંકડો મુલાકાતીઓ એક ચોક્કસ ટાઉનહાઉસની મુલાકાત માટે દુનિયાભરમાંથી આવી રહ્યા છે.

આ મકાનની બહાર લગાવેલી વાદળી રંગની તક્તી દર્શાવે છે કે સામાજિક ન્યાયના ભારતીય ધર્મયોદ્ધા ડો. ભીમરાવ રામજી આંબેડકર ૧૯૨૧-૨૨માં અહીં રહ્યા હતા. મકાનમાં પ્રવેશતા પુષ્પમાળાઓ સાથેની ડો. આંબેડકરની અર્ધપ્રતિમા વટાવતા તેમની સ્મૃતિમાં ફરી બનાવાયેલા રૂમ નજરે પડે છે. ડાઈનિંગ રૂમના ટેબલ પર વિખરાયેલા કાનૂની દસ્તાવેજો જોવા મળે છે. તેમના બેડની પાસેના ટેબલ પર પુસ્તકોની સાથે તેમના ચશ્મા નજરે પડે છે.

પરંતુ, એક સમસ્યા છે. લોકલ કાઉન્સિલના જણાવ્યા મુજબ તેમના બે પડોશીઓ આ મ્યુઝિયમના વિરોધી છે. તેમના મતે અહીં મ્યુઝિયમ ન હોવું જોઈએ. ત્રણ પડોશીઓએ બીબીસીને જણાવ્યું હતું કે આ સમયગાળા દરમિયાન મુલાકાતીઓ આવતા અને કોઈપણ ઘોંઘાટ કે કોલાહલ કર્યા વિના પરત ફરતા હતા. રસ્તાની સામેની બાજુએ રહેતી એક વ્યક્તિને તો અહીં આ બિલ્ડીંગ (મ્યુઝીયમ) છે તેની જાણ સુદ્ધાં નથી.

આવતા મહિને એટલે કે સપ્ટેમ્બરમાં કાઉન્સિલના હિયરીંગમાં આ મકાનના ભવિષ્ય વિશે નિર્ણય લેવાશે. મકાનના માલિકોને ફરીથી તેને રેસિડેન્શિયલ પ્રોપર્ટીમાં ફેરવી દેવા અને મુલાકાતીઓ માટે તે બંધ કરવા ફરજ પડાય તેવું બની શકે. આજની તારીખે પણ જે વ્યક્તિનો પ્રભાવ હજુ પણ ભારતમાં ગૂંજી રહેલો છે તેમની વિરાસતને આ નિર્ણય અસર કરે તેવું બની શકે છે.

આંબેડકર હાઉસ તરીકે જાણીતું ચાર માળનું આ બિલ્ડીંગ અપમાર્કેટ ચોક ફાર્મમાં ૨૦૫૦ ચોરસ ફીટમાં પ્રસરેલું છે. મહારાષ્ટ્ર સરકારે સપ્ટેમ્બર ૨૦૧૫માં આ ઈમારત ૩.૧ મિલિયન પાઉન્ડમાં ખરીદી હતી અને આશરે બે મિલિયન પાઉન્ડનો ખર્ચ કરી તેને બાબાસાહેબ આંબેડકર મ્યુઝિયમ સ્મારકમાં પરિવર્તિત કર્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેનું ઉદઘાટન કર્યું ત્યારથી તે ભારતના બંધારણના ઘડવૈયા તરીકે જાણીતા ડો. આંબેડકરને સમર્પિત ઈમારત વિના મૂલ્યે મુલાકાતનું આકર્ષણ રહ્યું છે. આ બિલ્ડીંગને નિહાળવા સેંકડો મુલાકાતીઓ આવે છે.

પરંતુ, જાન્યુઆરી, ૨૦૧૮માં આંબેડકર હાઉસ દ્વારા પ્લાનિંગની શરતોનો ભંગ કરાયો હોવાની જાણ કેમડન કાઉન્સિલને કરાઈ હતી. કાઉન્સિલને પણ જણાયું હતું કે આ બિલ્ડીંગનો ઉપયોગ મ્યુઝીયમ તરીકે થઈ શકે તેવી પરવાનગી ન હતી.

ફેબ્રુઆરી, ૨૦૧૮માં પ્રોપર્ટીના માલિકોએ પાછલી અસરથી બિલ્ડીંગનો મ્યુઝીયમ તરીકે ઉપયોગ કરવા માટેની પરવાનગી મેળવવા અરજી કરી. પરંતુ, ઓક્ટોબર ૨૦૧૮માં રહેણાંક વિસ્તારને ‘અસ્વીકાર્ય નુક્સાન’ જશે તેમ જણાવીને કાઉન્સિલે તે દાવાને નામંજૂર કર્યો હતો. મહારાષ્ટ્ર સરકારે કાઉન્સિલના નિર્ણય સામે અપીલ કરી હતી. આગામી ૨૪ સપ્ટેમ્બરે પબ્લિક ઈન્ક્વાયરી થશે.

મહારાષ્ટ્ર સરકારે આ કેસ વિશે ટીકા-ટીપ્પણનો ઈન્કાર કર્યો હતો. પરંતુ, બીબીસીને આપેલા નિવેદનમાં યુકેમાં આવેલા ભારતીય હાઈ કમિશન દ્વારા જણાવાયું હતું કે ભારતીયોના વિશાળ વર્ગ માટે આ પ્રોપર્ટી ‘વિશેષ મહત્ત્વ’ ધરાવે છે. તેમાં જણાવાયું હતું કે બિલ્ડીંગને મ્યુઝીયમમાં ફેરવવા અંગેની અરજી કેમડન કાઉન્સિલને સુપરત કરવામાં આવી હતી.

મૂળ મહારાષ્ટ્રના વતની ડો. આંબેડકર કાયદાના નિષ્ણાત હતા. તેઓ નાગરિક અધિકારોના સક્રિય કાર્યકર હતા. ૧૯૪૭માં આઝાદી બાદ તેમને દેશનું બંધારણ ઘડવાનું કાર્ય સોંપાયુ હતું. તેઓ ભારતના પ્રથમ કાયદા પ્રધાન પણ હતા.

રાજકીય કારકિર્દી અગાઉ લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં ઈકોનોમિક્સમાં ડોક્ટરેટની ડિગ્રીનો અભ્યાસ કરતી વખતે ડો. આંબેડકર ૧૯૨૧-૨૨ દરમિયાન થોડા સમય માટે પ્રિમરોઝ હિલમાં રહ્યા હતા.

૨૦૧૫માં યુકેની એક ચેરિટીએ મહારાષ્ટ્ર સરકારને આ પ્રોપર્ટી ખરીદવા માટે પ્રોત્સાહન આપ્યું હતું. તેથી ફેડરેશન ઓફ આંબેડકરીત એન્ડ બુદ્ધિસ્ટ ઓર્ગેનાઈઝેશન (FABO)ના સૂચનને લીધે મહારાષ્ટ્ર સરકારે ૨૦૧૫માં આ પ્રોપર્ટી ખરીદી હતી. આ બિલ્ડીંગ જ્યારે વેચાણ માટે મૂકાયું ત્યારે વેસ્ટ લંડનના હંસલોમાં રહેતા યુકેના ભૂતપૂર્વ સિવિલ સર્વન્ટ સંતોષ દાસે તે ખરીદવા સરકારને સંમત કરી હતી. તેમણે બીબીસીને જણાવ્યું હતું કે તે સમયે પ્રોપર્ટી જર્જરિત હાલતમાં હતી. રિનોવેશનને લીધે બિલ્ડીંગ અને કોમ્યુનિટી બન્નેને નવું જીવન મળ્યું હતું.

તેમણે ઉમેર્યું હતું કે બિલ્ડીંગનું વિધિવત મ્યુઝીયમમાં રૂપાંતરણ કરવાની પરવાનગી મેળવવા માટે ચર્ચા વિચારણા થઈ હતી. પરંતુ, આયોજકોએ આ આખી પ્રક્રિયા કેટલો સમય લેશે તે વાતને નજરઅંદાજ કરી હતી. તેમણે કહ્યું કે અમે તેને યોગ્ય મેમોરિયલ બનાવવા માગીએ છીએ જેથી લોકો આવે અને તેની મુલાકાત લે. કેટલાંક લોકો તો તેને તીર્થસ્થાન તરીકે ગણે છે.

દર અઠવાડિયે દૂરથી આવતા મુલાકાતીઓ સહિત અંદાજે ૫૦ લોકો આંબેડકર હાઉસની મુલાકાત લે છે. બિલ્ડીંગ બહાર એક પરિવારે બીબીસીને જણાવ્યું હતું કે તેઓ ભારતથી આવ્યા છે અને લંડનમાં સાઈટ સીઈંગની તેમના યાદીમાં આ હાઉસ જ મોખરે છે.

FABO કમિટી મેમ્બર સી ગૌતમ અગ્રણી લોકોનું તેમને સમર્થન હોવાથી મ્યુઝીયમ તરીકે આ પ્રોપર્ટીના ભવિષ્ય માટે ખૂબ આશાવાદી છે. ઓક્સફોર્ડના ભૂતપૂર્વ બિશપ લોર્ડ રિચાર્ડ હેરિસે મ્યુઝીયમના સમર્થનમાં બરો કાઉન્સિલને પત્ર લખ્યો છે.

પોતાનું નામ ન આપવાની શરતે એક સ્થાનિકે બીબીસીને જણાવ્યું હતું કે આ બિલ્ડીંગ મ્યુઝિયમ નહીં, રેસિડેન્શિયલ જ હોવું જોઈએ. તેણે દાવો કર્યો હતો કે પરમિશન વિના આંબેડકર હાઉસનું રિનોવેશન થયું હતું અને હવે લોકોના ટોળાં અહીં આવે છે. કેમડનના પબ્લિક કન્સલ્ટેશન દરમિયાન એક રહીશે ફરિયાદ કરી હતી કે કોચ ભરીને મુલાકાતીઓ આવે છે, ફોટા પાડે છે અને ઘોંઘાટ કરે છે.

કિંગ હેનરી રોડ પર રહેતા ૭૮ વર્ષીય બોની ડોબસને આ વાંધાને મૂંઝવતા અને વ્યથિત કરતા ગણાવ્યા હતા અને જણાવ્યું હતું કે આ બિલ્ડીંગમાં નાનું મ્યુઝિયમ છે તેનાથી કોઈને ક્યારેય ખલેલ પહોંચી નથી. કોચ ભરીભરીને લોકો આવે છે તે વાત પણ સાચી નથી.

રહીશો ગમે તે વિચારતા હોય, હવે કાઉન્સિલના પ્લાનિંગ ઈન્સ્પેક્ટોરેટ તેનો આખરી નિર્ણય આપશે. કાઉન્સિલના પ્રવક્તાએ બીબીસીને જણાવ્યું હતું કે આંબેડકર હાઉસ અપીલ હારી જશે તો તે પ્રોપર્ટીનો ફરી કાયદેસરનો ઉપયોગ રેસિડેન્શિયલ તરીકે જ કરી શકાશે.


comments powered by Disqus