કોંગ્રેસના બૌદ્ધિકો દ્વારા મોદીની તરફેણ

Tuesday 27th August 2019 13:21 EDT
 

હિન્દીમાં કહેવત છે કે દેર આયે દુરસ્ત આયે, જેને આપણે ગુજરાતીમાં કહી શકીએ કે મોડાં મોડાં પણ સમજાયું ખરું. વિરોધ પક્ષ અને ખાસ કરીને કોંગ્રેસના ટોચના નેતાઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને સરકારની કામગીરીનો સતત વિરોધ કરવામાંથી ઊંચા આવતા નથી. બીજી તરફ, મોદીની લોકપ્રિયતા વધતી જ રહે છે. આવા સમયે કોંગ્રેસના બૌદ્ધિક નેતા અને રાજ્યસભામાં કર્ણાટકના સાંસદ જયરામ રમેશે સારી પહેલ કરી છે. તેમણે સાચું જ કહ્યું છે કે વડા પ્રધાન મોદીને દરેક વખતે વિલન ચીતરવા યોગ્ય નથી. તેમણે ૨૦૧૪થી ૨૦૧૯ દરમિયાન કરેલી કામગીરીને સમજવી જોઈએ કારણ કે મતદારોએ તેમને બહુમતી સાથે ફરી સત્તાસ્થાને બેસાડવામાં મોટી ભૂમિકા ભજવી છે.
કોંગ્રેસના અન્ય નેતા અભિષેક મનુ સિંઘવીએ પણ નિવેદન આપ્યું છે કે વડા પ્રધાન મોદીને ખલનાયકની જેમ રજૂ કરવાનું ખોટું છે અને આમ કરીને વિપક્ષ એક રીતે તેમની મદદ કરે છે. વિપક્ષે માત્ર વિરોધનો જ રસ્તો અપનાવ્યો છે. તેનાથી ખરેખર વડા પ્રધાનને જ ફાયદો થાય છે. કોઈ પણ વ્યક્તિના કામ સારા, ખરાબ અને કંઈક અલગ હોઈ શકે છે. તેમનું વ્યક્તિગત નહિ, પરંતુ મુદ્દા આધારિત મૂલ્યાંકન થવું જોઈએ.
સાચા વિરોધ પક્ષની આ જ નીતિ હોવી જોઈએ. જેમ ખરાબને ખરાબ કહેવામાં વાંધો ન હોય તો પછી સારાને સારું કહેવામાં શા માટે કોઈ વાંધો હોવો જોઈએ? અભિષેક મનુ સિંઘવીએ પણ મોદી સરકારની લોકપ્રિય ઉજ્જવલા યોજનાનું ઉદાહરણ આપ્યું હતું. જયરામે નિવેદન આપ્યું હતું કે મોદીને હંમેશા ખલનાયક જ ગણાવવામાં આવશે તો તેમનો સામનો કરવાની હિંમત જ ભેગી કરી શકશો નહિ. મોદી લોકો તેમની સાથે જોડાય તેવી ભાષા બોલે છે. મોદીનું શાસન મોડેલ સંપૂર્ણ રીતે નકારાત્મક ગાથા નથી.
મોદીની પ્રશંસા કરવામાં માત્ર રમેશ કે સિંઘવી નથી. બોલકા છતાં અભ્યાસી નેતા શશિ થરુરે પણ કહ્યું છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી જો સારું કામ કરી રહ્યા છે તો તેમની પ્રશંસા થવી જોઈએ. જોકે, થરુરે એમ પણ કહ્યું છે કે તેઓ છ વર્ષથી કહેતા આવ્યા છે કે જ્યારે નરેન્દ્ર મોદી સારું કહે કે કરે તો તેમની પ્રશંસા થવી જોઈએ. છેલ્લે તો એક સમયે મોદીને કથિતપણે ‘નીચ વ્યક્તિ’ કહેનારા મણિશંકર ઐયર પણ હવે કહે છે કે જયરામ રમેશે જે સંદર્ભમાં નિવેદન આપ્યું છે તે જરા પણ અયોગ્ય નથી.
જયરામ રમેશે ‘ઈકોનોમિક્સ ઓફ ગવર્નન્સ’ની વાત કરીને જે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનો ઉલ્લેખ કર્યો છે તેનાથી લાખો ગ્રામવાસી મહિલાઓને લાભ થયો છે અને તેમની રહેણીકરણીમાં પરિવર્તન આવ્યું છે. છ કરોડથી વધુ પરિવારને રાંધણ ગેસના કનેક્શન આપવા તે નાનીસુની વાત નથી. આ ઉપરાંત, આપણે જનધન યોજના અંતર્ગત ખોલવામાં આવેલા વિક્રમી બેન્ક ખાતાઓ તેમજ ગરીબ પરિવારને પાંચ લાખ રૂપિયાનું વીમાછત્ર આપતી મેડિકલ ઈન્સ્યુરન્સ સ્કીમનો પણ ઉલ્લેખ કરી શકીએ. તેમણે સ્વીકાર કર્યો છે કે મોદીની એક-બે યોજનાઓને વિરોધ પક્ષે હસી કાઢી હતી પરંતુ, એકમાત્ર ઉજ્જવલા યોજનાથી મોદી કરોડો લોકો સાથે જોડાઈ ગયા હતા. કોંગ્રેસની શીર્ષસ્થ નેતાગીરી જે વાસ્તવિકતા સ્વીકારવા તૈયાર નથી તે હવે તેના કેટલાક અગ્રણી નેતાઓ સ્વીકારી રહ્યા છે અને તે વિશે સલાહ પણ આપે છે.
પક્ષ સાથે રાજકીય વફાદારી અલગ બાબત છે, પરંતુ રાષ્ટ્રહિતને જોવું અલગ બાબત છે. કલમ ૩૭૦ની નાબૂદીનો સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી-વાડરા આણિમંડળીએ જોરદાર વિરોધ કર્યો ત્યારે કોંગ્રેસના જ વરિષ્ઠ નેતા જનાર્દન દ્વિવેદી, હરિયાણાના પૂર્વ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રસિંહ હુડ્ડા, કોંગ્રેસના યુવા નેતાઓ દિપેન્દર હુડા, મિલિંદ દેવરા, જયવીર શેરગીલ અને જ્યોતિરાદિત્ય સિંધિયા સરકારના પગલાને સમર્થન આપવામાં જોડાયા હતા. વડા પ્રધાન મોદી કહે છે તેમ વિરોધના નહિ, પરંતુ સર્વસંમતિના રાજકારણને આગળ વધારવાની જરૂર છે.


comments powered by Disqus