હેરો સીવીક સેન્ટર ખાતે ૧૦ અને ૧૧ ઓગષ્ટ ૨૦૧૯ના રોજ ગીતાજી વિષયક પ્રવચનોનો કાર્યક્રમ ગીતા ફાઉન્ડેશનના ઉપક્રમે યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે મુંબઇથી સુપ્રસિધ્ધ, ક્રાંતિકારી વિચારક ગીતાજી પર પ્રભુત્વ ધરાવતા ડો. સર્વેશભાઇ વોરા પધાર્યા હતા. ગાગરમાં સાગરની જેમ સમગ્ર ગીતાનો સાર આવરી લેવાનો યશસ્વી પ્રયાસ ડો. વોરાએ કર્યો હતો. એમની સાથે મુંબઇથી આવેલ જાણીતા ગાયિકા રેખાબેન ત્રિવેદી અને ગૃપે પ્રવચન દરમિયાન પ્રસંગોચિત સુમધુર ગીતોની લ્હાણ કરી વાતાવરણને પ્રફુલ્લિત બનાવ્યું હતું.
ડો. સર્વેશભાઇએ એમના મનનીય વક્તવ્યમાં જણાવ્યું કે, “જો ગીતા એ ધર્મગ્રંથ હોય તો એક નશો બની જાય છે. ગીતામાં માણસની સ્વતંત્ર વિચાર શક્તિ પર ભાર મૂકવામાં આવ્યો છે. ધર્મના નામે તમારે 'રોબોટ' નથી બનવાનું! કૃષ્ણ અને અર્જુન તો પ્રતીક માત્ર છે જેના માધ્યમથી આપણામાં રહેલી જાગૃતિની ક્ષણનો અનુભવ કરવાનો છે. જાગૃતિની ક્ષણ માત્ર માનવજાતને મળી છે. જબરજસ્ત સુખ કે દુ:ખની વચ્ચે, બુધ્ધિની પેલે પારથી અવાજ આવે કે, જીવનમાં કશું ખૂટે છે અને વિચાર મંથન શરૂ થાય!
ગીતાનો સંદેશ માણસમાં રહેલી અતૃપ્તિની પીડા દૂર કરવામાં મદદરૂપ થાય છે. જૈન દર્શનમાં જાગૃતિની ક્ષણને પ્રતિક્રમણ કહે છે. પાપોનું પ્રાયશ્ચિત કરવાની ક્રિયા. ગીતાના ૧૮ અધ્યાયમાં જીવને કઇ રીતે આનંદમય બનાવવો એની વાતો વણાયેલ છે.
ગીતામાં અર્જુન સામાન્ય માનવી નથી! એક સફળ ધનુર્ધારી, બાણાવળી છે. છતાં જિંદગીના એક તબક્કે એ નિર્ણય નથી લઇ શકતો. યુધ્ધમાં સામે પક્ષે સગાં-વ્હાલા છે એમને મારવાની મારી હિંમત ચાલતી નથી? એવો પ્રશ્ન ભગવાન શ્રી કૃષ્ણને પૂછે છે જેમાં એની પીડાની, બેચેનીની વાત છે. લાગણીના બંધનમાં એ બંધાયેલો છે એમાંથી મુક્ત કરવાની વાત છે. આ વાત ભાષણોથી નહિ સમજાય, અંદરથી જાગૃતિ આવે તો જ સમજાય! તમારી નજર દિવ્યતા તરફ જવી જોઇએ.
ગીતા એ ક્વોલીટી કટ્રોલ ટેસ્ટ – જાત તપાસ માટેનો અજર-અમર સંદેશ છે. જે જે વસ્તુ ટકવાની નથી એનું ખેંચાણ તમને દુ:ખી કરશે.
જિંદગી ધર્મક્ષેત્ર પણ છે અને કુરૂક્ષેત્ર પણ! તમને જે ટકાવે તે ધર્મ. ‘યોગ'માં અંદર (યોગેશ્વર) સાથે જોડાવાની વાત છે. તમારા કોઇપણ ઇષ્ટ દેવને યોગેશ્વરનું સ્થાન આપો. ભગવાન કહે છે, આપણા કર્મો વીલન છે. ઇશ્વર કોઇના પાપ કે પુણ્ય માટે જવાબદાર નથી! તું જ તારી જાતનો ઉધ્ધાર કર! કર્મથી છૂટાતું નથી, વૃત્તિથી છૂટવાની વાત છે. માનવી કર્મની વૃત્તિમાંથી છૂટતો જાય તો વૈકુંઠ અહિંયા રહેતા રહેતા જ મળે છે. આખો વિષય પ્રતીતિનો છે એમાં પુરાવાની જરૂર નથી.
ભગવાન અર્જુનને પૂછે છે, તને સમજાયું? જવાબ: હા, મને મારી જાત યાદ આવી. જિંદગીમાં રહેતા રહેતા જાતને મજબૂત કરવાની છે. એકવાર દિવ્યત્વની અનુભૂતિ થાય પછી - ‘રહીશ પણ ખરો અને છૂટીશ પણ ખરો.’ કર્મ, જ્ઞાન અને ભક્તિનો ત્રવેણી સંગમ ડો. સર્વેશભાઇએ એમની રસાળ શૈલીમાં કરતા શ્રોતાજનોએ એમને અવાર-નવાર તાળીઓના ગડગડાટથી વધાવી લીધા હતા.
આ પ્રસંગે હેરોના મેયર કાઉન્સિલર નીતિન પારેખ, કાઉ. રામજી ચૌહાણ, પૂર્વ મેયર, કાઉ. અંજના પટેલ, સંગત કોમ્યુનીટી સેન્ટરના શ્રી કાન્તી નાગડા, વેજીટેરીયન સોસાયટીના નીતિન મહેતા, ઇન્સ્ટીટ્યુટ ઓફ જૈનોલોજીના નેમુભાઇ ચંદરિયા, હરિદાન ગઢવી, કવિશ્રી પંકજ વોરા અને ગુજરાત સમાચાર તથા એશિયન વોઇસના તંત્રીશ્રી સી.બી. પટેલ વગેરે અનેક પ્રતિષ્ઠિતોની હાજરી ધ્યાનાકર્ષક રહી.
ગીતા ફાઉન્ડેશનના સ્થાપક શ્રી શરદભાઇ પરીખે જણાવ્યું હતું કે, આ ફાઉન્ડેશનના સ્વપ્ન દ્રષ્ટા સ્વ શ્રી બાલમુકુન્દ પરીખનું સ્વપ્ન જેનું બીજ લંડનમાં પંદર વર્ષ પહેલા રોપાયું હતું તે આજે ડો.સર્વેશભાઇ વોરાના પ્રવચનો યોજવાથી સાકાર થયું છે જેનું અમને ગૌરવ છે. આ બીજ ડો.સર્વેશભાઇ વોરાની લંડનની પ્રથમ મુલાકાત વેળા તંત્રીશ્રી સી.બી.પટેલે એમના માટે યોજેલ સન્માન સમારંભમાં રોપાયું હતું અને બન્ને દિવસોએ શ્રી સી.બી. પટેલે હાજર રહી અભિનંદન પાઠવ્યા એ આનંદ અને ગૌરવનો વિષય છે.
આ પ્રસંગે ડો.સર્વેશભાઇને આવકારતી કવિશ્રી પંકજ વોરાની રચના કવયત્રી ભારતીબેન વોરાએ વાંચી સંભળાવી હતી.

