ગ્લાસગો યુનિ. ગુલામીના વેપારમાં ભૂમિકા બદલ વળતર આપશે

Wednesday 28th August 2019 07:24 EDT
 
 

લંડનઃ કોઈ પણ બ્રિટિશ સંસ્થા દ્વારા સર્વપ્રથમ ઐતિહાસિક પહેલ તરીકે ગ્લાસગો યુનિવર્સિટી ગુલામોના વેપારમાં પોતાની ભૂમિકા બદલ ૨૦ મિલિયન પાઉન્ડનું નુકસાન વળતર ચુકવશે. આ સંબંધિત સમજૂતી ૩૧ જુલાઈએ જમૈકાના કિંગ્સ્ટનમાં કરાઈ હતી. યુનિવર્સિટીએ ગુલામોના વેપારીઓ પાસેથી દાન તરીકે નાણા મેળવ્યા હતા, જે રકમ વર્તમાનમાં ૧૬.૭ મિલિયનથી ૧૯૮ મિલિયન પાઉન્ડની વચ્ચે થવા જાય છે.

ગ્લાસગો યુનિવર્સિટીએ યુકેમાં સૌપ્રથમ ગણી શકાય તેવો ‘ન્યાય પુનર્સ્થાપન’ પ્રોગ્રામ ઘડ્યો છે. આ પ્રોગ્રામનું સંચાલન યુનિવર્સિટી ઓફ વેસ્ટ ઈન્ડિઝ સાથે ભાગીદારીમાં કરાશે. આ રકમમાંથી ૨૦ વર્ષમાં ગ્લાસગો-કેરેબિયન સેન્ટર ફોર ડેવલપમેન્ટ રિસર્ચની સ્થાપના કરવામાં આવશે. ગ્લાસગો અને કેરેબિયન્સમાં સ્થાપિત કેન્દ્ર ગુલામીના ઈતિહાસ વિશે લોકોમાં જાગૃતિ ફેલાવશે.

તાજેતરમાં યુનિવર્સિટી દ્વારા કરાવાયેલા અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે તેણે ૧૮મી અને ૧૯મી સદીમાં ગુલામી નાબૂદી ચળવળમાં અગ્ર ભૂમિકા ભજવી હતી. જોકે, એ પણ બહાર આવ્યું હતું કે ૧૮મી અને ૧૯મી સદીમાં ગુલામોના વેપારમાંથી ભારે નફો મેળવનારા લોકો પાસેથી સંસ્થાને નોંધપાત્ર આર્થિક યોગદાન પણ મળ્યું હતું, જેની વર્તમાન કિંમત ૧૬.૭ મિલિયનથી ૧૯૮ મિલિયન પાઉન્ડની વચ્ચે હોઈ શકે છે. યુનિવર્સિટીના પૂર્વ રેક્ટર રોબર્ટ કનિંઘમે ગુલામોના વેપારી તરીકે બે દસકામાં ભારે ધન હાંસલ કર્યું હતું. બ્રિસ્ટોલ અને ઓક્સફર્ડ જેવી અન્ય યુનિવર્સિટીઓ પણ ગુલામોના વેપાર સાથે કડીઓ ધરાવતી હોવાનું અગાઉ બહાર આવ્યું જ છે પરંતુ, કોઈએ ક્ષતિપૂર્તિની ઓફર કરી નથી.

યુનિવર્સિટી ઓફ વેસ્ટ ઈન્ડિઝના વાઈસ ચાન્સેલર સર હિલેરી બેકલ્સે આ પગલાને ‘હિંમતપૂર્ણ, નૈતિક, ઐતિહાસિક કદમ’ ગણાવ્યું હતું. ગ્લાસગો યુનિવર્સિટીના પ્રિન્સિપાલ એન્ટોન મુસ્કાટેલીએ જણાવ્યું હતું કે,‘ગુલામી સાથે કોઈ પણ સંસ્થા કે દેશના ઐતિહાસિક કડીઓ વિશે વાત કરવી મુશ્કેલ જ હોય પરંતુ, અમારી યુનિવર્સિટી આમ કરે તે અમને જરૂરી લાગ્યું છે.’


comments powered by Disqus