વડીલો સહિત સહુ વાચક મિત્રો, સોના સાથે ભારત અને ભારતીયોનો યુગો પુરાણો સંબંધ હોવાનું સહુ કોઇ જાણે છે. ચીન પછી બીજા નંબરે સોનાનો સૌથી વધુ જથ્થો ભારતીયો પાસે હોવાનું મનાય છે. આપણે પુરાણકાળમાં ડૂબકી ના મારી શકીએ, પણ આપણે અનુભવેલા કાલખંડ પર તો નજર ફેરવી શકીએને? સમય મળ્યે તમે તમારા સમયની યાદો અવશ્ય તાજી કરજો, આજે આવો... હું આપ સહુને ‘મારા’ અનુભવ થકી ‘આપણા’ સમયની યાદ તરોતાજા કરાવું.
જગતભરમાં ચર્ચાસ્પદ બનેલા સરદાર સરોવર આંદોલન વેળાની વાત છે. ચરમસીમાએ પહોંચેલા આંદોલનનો નજરે જોયેલો અહેવાલ મેળવવા હું નસવાડા તાલુકામાં પહોંચ્યો હતો. આજના વડોદરા જિલ્લામાં આવેલા આ વિસ્તારમાં મોટા ભાગે આદિવાસીઓનો વસવાટ જોવા મળે. દુબળો-પાતળો, પણ આકરી મહેનતથી કસાયેલો બાંધો. આ વિસ્તારમાં આજેય ગરીબી ઉડીને આંખે વળગે છે તો તે સમયની વાત જ શી કરવી? ચરોતર પંથક જેવી ખેતીવાડીના અભાવે અહીં ઝાકઝમાળ કે નાણાંની છનાછન પણ નહીં. અતિશય ગરીબી, પણ લોકો કશી ફરિયાદ વગર જીવનનો ભાર વેંઢાર્યે જાય. જોકે આ બધા વચ્ચે મેં એક બાબત ખાસ નોંધી કે આદિવાસી ગમેતેવો ગરીબ કેમ ન હોય, પરંતુ તેની સ્ત્રીના હાથમાં પાતળી પટ્ટી જેવી તો તેવી પણ સોનાની બંગડી જરૂર હોય, કાનમાં ભારેખમ બુટા-બુટ્ટી ભલે ન હોય, પણ વાળી કે ચીપ જેવી સોનાની કડી અવશ્ય જોવા મળે. નાકમાં ઝીણકો તો ઝીણકો દાગીનો જરૂર દેખાય.
આ બધી વાતની નોંધ લેતાં મેં એક ગ્રામસેવકને પૂછયુંઃ આમ અહીં ચોમેર ગરીબી ઉડતી દેખાય છે તો પછી યુવાન કે વૃદ્ધ આદિવાસી મહિલાઓના શરીર પર સોનાના દાગીના કેમના જોવા મળે છે? તેણે વિગતવાર પણ બહુ સરસ જવાબ આપ્યો, જે કંઇક આવો હતોઃ
પહેલી વાત તો એ કે આ તેમના પરંપરાગત આભૂષણ છે, અને આ સમુદાય પરંપરાને જાળવનારો છે. અહીં હજુ સુધી શહેરીકરણની હવા પહોંચી નથી. જો પરિવારની મહિલાએ નાનુંઅમસ્તું પણ આભૂષણ પહેર્યું ન હોય તો તે પરિવાર કંગાળમાં ખપી જાય. આવું ન થાય, સમાજમાં પોતે સાધનસંપન્ન હોવાની છાપ (કારમી ગરીબી છતાં!) જળવાય રહે તે માટે
તેઓ - પેટે પાટા બાંધીને પણ - આભૂષણો ધારણ કરતા હોય છે. આ વાત થઇ માન્યતાની, પરંપરાની... પરંતુ સાચું કારણ તો એ છે કે સદીઓપુરાણી આ પરંપરાના મૂળિયા સામાજિક સુરક્ષા સંકળાયેલા છે.
કઇ રીતે?
ગ્રામસેવકે સમજાવ્યું કે આ જ (દૂબળા-પાતળાં) ઘરેણાં પરિવાર પર કારમી નાણાંકીય કટોકટીની વેળાએ તારણહાર બની રહે છે. રોકડની તાતી અછત સર્જાય છે ત્યારે તેઓ આ દાગીનાને ગીરો મૂકીને કે વેચીને નાણાંની સગવડ કરી લે છે. વાચક મિત્રો, આપ સહુને પેલી ઉક્તિ યાદ હશે જ ઓટીમાંનો હારે, મૂઠીમાંનો જીતે... કંઇક એવી જ વાત છે. ગરીબી, અક્ષરજ્ઞાનનો અભાવ છતાં સૈકાઓ પુરાણી કોઠાસૂઝ થકી આ આદિવાસી ભાઇભાંડુઓ કે અન્યો સોના વડે આર્થિક ભવિષ્ય સુરક્ષિત કરતા રહ્યા છે.
હોંગકોંગના ફાર ઈસ્ટ ઇસ્ટર્ન ઇકોનોમી રિવ્યુમાં વર્ષોપૂર્વે ભારત પછાત હોવાની સાથોસાથ ગરીબ પણ હોવાનો ઉલ્લેખ જોવા મળે છે. આ અહેવાલની સરખામણીમાં તાજેતરમાં વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ (ડબ્લ્યુજીસી)નો રિપોર્ટ ટાંકવામાં આવ્યો છે. આ અહેવાલમાં જણાવાયું છે કે, ૨૦૧૮ના ઉપલબ્ધ આંકડા અનુસાર ભારતીય પરિવારો અને ધાર્મિક સંસ્થાનો પાસે અધધધ ૨૪ હજાર ટન સોનું સંગ્રહાયેલું પડ્યું છે. ભારતીયોમાં અક્ષયતૃતિયા પર્વે સોનાની ખરીદીનું આગવું મહત્ત્વ છે. આ દિવસે અઢળક સોનાની વ્યક્તિગત ખરીદી થાય છે તો ધર્મક્ષેત્રે પણ દાનમાં એટલું જ સોનું અપાય છે. અંબાજીના સુપ્રસિદ્ધ શીખરબદ્ધ મંદિરને સોને મઢવાનું કામ પૂર્ણતાના આરે છે, અને હવે સોમનાથ મંદિરના ગુંબજને સોનાના કળશથી સજાવવાનું આયોજન હાથ ધરાયું છે. અંબાજી મંદિરને સોને મઢવા માટે જરૂરી બધું સોનું શ્રદ્ધાળુઓએ આપ્યું છે, અને સોમનાથમાં પણ દાતાઓ જ સુવર્ણદાનની ગંગા વહેવડાવશે તેમાં બેમત નથી.
અહીં કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે લોકોની શ્રદ્ધાને અને ભારતીયોના સુવર્ણપ્રેમને કોઇ સીમાડા નથી. આથી જ તો કૃષિપ્રધાન ભારતમાં ચોમાસામાં સારો વરસાદ પડતાં જ સોનાના ભાવ ઊંચકાતા જોવા મળ્યા છે. જોકે હવે સમયનું વહેણ બદલાતું જોવા મળી રહ્યું છે. હવે સોનાની ખરીદી, ખપતમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. અને આ માટે એક નહીં, અનેક કારણો જવાબદાર છે.
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના ભારત ખાતેના મેનેજિંગ ડિરેક્ટર શ્રી સુંદરરામન કહે છે કે ભારતમાં સોનાની ખપતમાં છેલ્લા પાંચેક વર્ષથી સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ૨૦૧૦માં એક જ વર્ષમાં ભારતમાં ૧૦૦૦ ટન સોનાની આયાત થઇ હતી. ગયા વર્ષે આ આંકડો ૨૪૦ ટનના તીવ્ર ઘટાડા સાથે ૭૬૦ ટન પર આવીને અટક્યો છે. આજે એક ઔંશ સોનાનો ભાવ ૧૫૦૦ ડોલર છે. ઊંચા ભાવના કારણે સોનું ખરીદવાની તાલાવેલીમાં ઘટાડો નોંધાયો છે.
આ ઉપરાંત બીજું એક મહત્ત્વનું કારણ મોદી સરકારે રાતોરાત લાગુ કરેલી નોટબંધી પણ છે. નરેન્દ્ર મોદી સરકારે પહેલી મુદતના શાસનકાળમાં લાગુ કરેલા ડિમોનેટાઇઝેશનના કારણે બજારમાં રોકડ નાણાંનું પ્રમાણ ઘટ્યું છે, પરિણામે બેનામી નાણાંનો પ્રવાહ અવરોધાયો છે. આર્થિક વ્યવહારોમાં રોકડના બદલે ડિજિટલ ટ્રાન્સફરને વિશેષ પ્રાધાન્ય અપાઇ રહ્યું છે. છેક છેવાડાના માનવીને આવરી લઇને કરોડો બેન્ક એકાઉન્ટ ખોલાયા છે, જેથી લોકો હવે રોકડ બચત સાચવવા માટે સોનું ખરીદવાના બદલે બેન્કમાં રોકડ ડિપોઝિટ કરતાં થયા છે.
વળી, બેન્ક એકાઉન્ટની સગવડના કારણે લોકોનો મૂડીપ્રવાહ ઊંચા વ્યાજદર આપતી ડિપોઝીટ, બોન્ડ, મ્યુચ્યુઅલ ફંડ, શેરબજાર સહિતના વિકલ્પો તરફ વળ્યો છે. આ બધા એવા કારણો છે કે જેણે સોનાની ચમક ઝાંખી પાડવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી છે. આ તો આપણે સોનાની ચમક ઘટાડતાં આજકાલનાં કારણોની સમીક્ષા કરી.
પરંતુ ચાલોને જરા ભૂતકાળમાં જઇએ... એક યા બીજા કારણસર આજે સોનાનું આકર્ષણ ઘટ્યું છે તે સાચું, પરંતુ અગાઉ પણ આવો સમય આવી ચૂક્યો છે. છ - સાત દસકા પૂર્વે પરદેશ જવાનું વળગણ કહો તો વળગણ અને લાલસા કહો તો લાલસા યુવાનોમાં જોવા મળતી હતી. પરિવારની આર્થિક સદ્ધરતા માટે પણ લોકો વિદેશ વસવાટ ભણી નજર દોડાવતા હતા. પરિણામે સોના ભાવ ઊંચકાતા નહોતા તે હકીકત છે.
વાચક મિત્રો, આપનામાંથી કેટલાય લોકો મારી વયના હશે. આપ સહુને યાદ હશે જ કે ૧૯૫૪ના અરસામાં ગુજરાતમાં મેટ્રિક પાસ થનારા લોકો માટે યુનિવર્સિટી અભ્યાસ માટે બહુ મર્યાદિત વિકલ્પો હતા. અભ્યાસના મુખ્ય મથક તરીકે સૌરાષ્ટ્રમાં ભાવનગર, જામનગર અને બાદમાં રાજકોટ ઉભર્યું. મોરબીમાં એન્જિનિયરિંગ કોલેજ શરૂ થઇ હતી. તો દક્ષિણ ગુજરાતમાં સુરત અને ભરૂચમાં ઉચ્ચ અભ્યાસ માટે સગવડ હતી. વડોદરા - અમદાવાદ - નડિયાદ ઉપરાંત નવુંસવું આકાર લઇ રહેલું વિદ્યાનગર પણ કોલેજ અભ્યાસનું મુખ્ય કેન્દ્ર ગણાતા હતા.
જરાક અંગત વાત કરું તો. ૧૯૫૪માં ભાદરણ હાઇસ્કૂલમાંથી મેટ્રિકમાં કુલ્લે વીસેક જણા પાસ થયા હતા. મેટ્રિક પાસ થયા હોય. ૧૭-૧૮ વર્ષની વય હોય એટલે ચરોતરના પટેલના દીકરાને ‘વટાવવાનો’ સમય કહેવાય. પરણાવવા લાયક કન્યાના મા-બાપ કે સગાંસ્નેહીઓને આશાસ્પદ મુરતિયાની તલાશમાં ચોમેર નજર ફેરવતાં મેં જોયા છે. તે વેળા ચરોતરના પટેલ સમાજમાં ‘પૈઠણ’ નામે વરવિક્રયના દૂષણનું ભારે જોર હતું. સાદા શબ્દોમાં કહું તો વરરાજનો ‘સોદો’ જ થતો, જેટલી લાયકાત વધુ - પરિવારની પ્રતિષ્ઠા વધુ, તેટલી ઊંચી કિંમત ઉપજે. સારા - પ્રતિષ્ઠિત પરિવારનો મુરતિયો મેળવવા પૈઠણ ઉપરાંત લગ્નમાં કેટલું સોનું ચઢાવાશે તે મુદ્દો પણ નિર્ણાયક બનતો હતો. સારો વર કે ઘર મેળવવા માટે પૈઠણ પેટે ૧૦ હજાર રૂપિયા ચૂકવવાનું સામાન્ય ગણાતું હતું. આ તો વરરાજાની હરાજી જ કહેવાયને?! છતાં આ ધુપ્પલ ચાલતું. રોકડ પૈઠણ ઉપરાંત સોનાની જોગવાઇ પણ કરવી પડે. દીકરીને આપવા માટે ઓછામાં ઓછું ૪૦ તોલા સોનું તો હોવું જ જોઇએ. જો આટલું સોનું ના હોય તો મા-બાપના હાથ હેઠા જ પડે. ૪૦ તોલા સોનું એટલે આજના કેટલા ઔંશ થયા એ તમે ગણી લેજો.
આ વર્ષોમાં સમાજજીવનમાં લગ્નસંબંધ બાબતે નવું પરિમાણ ઉમેરાયું. કેન્યા, યુગાન્ડા, ટાંગાનિકા જેવા આફ્રિકન દેશોમાં મુરતિયાઓનો પ્રવેશ વધુ આસાન બન્યો. યુવાનોમાં પણ વિદેશ વસવાટનું આકર્ષણ વધ્યું. પચાસની આસપાસના ગાળામાં તો ગુજરાતમાંથી જ દર મહિને હજારો યુવાનો ઘડિયા લગ્ન લઇને (AMRA કે State of Bombay બોટથી) પૂર્વ આફ્રિકા પહોંચતા જોવા મળતા હતા. તે વેળા પરણવાલાયક યુવાનની ‘કિંમત’ પૈઠણ કે સોનાના તોલાના આધારે નહીં, પણ પાસપોર્ટના આધારે અંકાતી હતી. પરણવાલાયક યુવાનો અને તેના પરિવારજનોના અભિગમમાં આવેલા બદલાવનું પ્રતિબિંબ સોનાના મૂલ્યમાં જોવા મળતું હતું. સોનાના ભાવ લાંબા સમય સુધી લગભગ સ્થગિત થયેલા જોવા મળતા હતા.
આ તો ભલું થજો ભગવાનનું અને ભણતરનું કે હવે કન્યાઓમાં અભ્યાસમાં ચલણ વધ્યું છે. સમયના વહેવા સાથે તેઓ આર્થિક પગભર બનતાં તેમની સ્થિતિ - સંજોગો બદલાયા છે. યુવતીઓ હવે સ્વતંત્ર નિર્ણય લેતી થઇ છે, સમાજના દૂષણસમાન પૈઠણનો વિરોધ કરતી પણ જોવા મળે છે. એટલું જ નહીં, હવે તેમનો અને તેમના પરિવારજનોનો લગ્ન સંદર્ભે અભિગમ પણ બદલાયો છે. હા, કેટલાક કિસ્સામાં યુવતીઓ જીવનસાથીની પસંદગી વેળા બ્રિટિશ પાસપોર્ટ કે અમેરિકન પાસપોર્ટધારકને વિશેષ પ્રાધાન્ય આપતી જોવા મળે છે, પરંતુ આ મુદ્દાની ચર્ચા અત્યારે અસ્થાને છે. પછી ક્યારેક આ મુદો અને તેની પાછળની કારણોની પણ અવશ્ય ચર્ચા કરશું.
આજે તો એટલું જ કહીશ કે મૂડીરોકાણના અનેકવિધ વિકલ્પો ઉપલબ્ધ બન્યા હોવાથી સોનાની ચમક ઘટી છે તેવું વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનું તારણ હોય તો તેમાં રતિભારેય શંકાને સ્થાન નથી. તેનું તારણ સોળ આની સોના જેટલું જ સાચું છે. (ક્રમશઃ)

