દાર-એ-સલામમાં પૂ. મહંત સ્વામીની નિશ્રામાં જન્માષ્ટમીની ઉત્સાહપૂર્વક ઉજવણી

Wednesday 28th August 2019 06:14 EDT
 
 

BAPSના વડા પૂ. મહંત સ્વામી હાલ ટાન્ઝાનિયાના દાર-એ-સલામ ખાતે બિરાજમાન છે. ૨૦મીએ પૂ. મહંત સ્વામી વાઈટ સેન્ડ રિસોર્ટથી દાર-એ-સલામ મંદિરે પધાર્યા હતા. તે દિવસે સ્વાગત દિન ઉજવાયો હતો. હરિભક્તો અને સંતોએ વૈદિક ષોડષોપચાર વિધિથી હરિકૃષ્ણ મહારાજ અને પૂ. મહંત સ્વામીનું સ્વાગત કર્યું હતું. સ્વામીના આગમન નિમિત્તે આબાલવૃદ્ધ હરિભક્તોએ ૨,૨૩૮ તપ વ્રત રાખ્યા હતા. ભારતના ટાન્ઝાનિયા ખાતેના હાઈ કમિશનર રાજીવ કોહલી તેમજ વિવિધ સમાજના અગ્રણીઓએ પૂ. મહંત સ્વામીનું સ્વાગત કર્યું હતું. આશીર્વચનમાં પૂ. મહંત સ્વામીએ કહ્યું,‘ આ અમારું સ્વાગત નથી પણ ભગવાન સ્વામીનારાયણનું સ્વાગત છે. આપણે તો વચ્ચે માધ્યમ તરીકે છીએ.’ ૨૧મીએ વચનામૃત દ્વિદશાબ્દિ દિન ઉજવાયો હતો. તે નિમિત્તે વચનામૃતના આધારે ‘સદપુરુષનો મહિમા’ વિષય પર સંવાદની પ્રસ્તુતિ થઈ હતી. ૨૨મીએ સંપદિન ઉજવાયો હતો. તેમાં નૃત્ય અને સંવાદના માધ્યમથી સંપની વાતો રજૂ થઈ હતી. આ પ્રસંગે પૂ. મહંત સ્વામીએ કહ્યું કે પૂ. પ્રમુખ સ્વામીએ સંપ વિશે ચાર શબ્દો ‘ખમવું, ઘસાવું, મનગમતું મૂકવું અને અનુકુળ થવું’ કહ્યા હતા અને તેમાં સંપ વિશે બધી વાત કરી દીધી હતી. પૂ. મહંત સ્વામીએ મંદિરની બાજુમાં નવા એસેમ્બલી હોલનું ભૂમિપૂજન પણ કર્યું હતું. ૨૩મીએ ઉપાસના દિન ઉજવાયો હતો. તેમાં બાળકોએ ઉપાસના વિશે ચર્ચા કરી હતી. ૨૪મીએ જન્માષ્ટમીની ભારે ધામધૂમપૂર્વક ઉજવણી થઈ હતી. દાર-એ-સલામમાં આ પહેલો ધાર્મિક પ્રસંગ હતો જેમાં ૩,૩૦૦ ભક્તો અને ભાવિકોએ હાજરી આપી હતી. તેમાં ભગવાન શ્રી કૃષ્ણના જીવનના પ્રસંગો પર આધારિત સંવાદો રજૂ થયા હતા. સંતોએ પ્રવચનો આપ્યા હતા. ત્યારબાદ કૃષ્ણ જન્મોત્સવ, થાળ અને પારણું ઝૂલાવવાની વિધિ થઈ હતી. ૨૫મીએ પૂ. મહંત સ્વામીની નિશ્રામાં દાર-એ-સલામ મંદિરનો ૪૨મો પાટોત્સવ ઉજવાયો હતો. મંદિરમાં વિવિધ વાનગીઓનો અન્નકૂટ યોજાયો હતો.


comments powered by Disqus