લંડનઃ મૃત્યુ ક્યારે આવશે તે કોઈ કહી શકતું નથી પરંતુ, તેની આગાહી હવે શક્ય બની રહી છે. વિજ્ઞાનીઓએ એવો બ્લડ ટેસ્ટ વિકસાવ્યો છે કે જે આગામી ૧૦ વર્ષમાં વ્યક્તિનાં મોતની શક્યતા કે જોખમ છે કે નહિ તેની આગાહી કરી શકે છે. ખાસ નોંધવા જેવું એ છે કે તેની ચોકસાઈ ૮૦ ટકાથી પણ વધુ રહી છે. સામાન્ય રીતે ડોક્ટરો બીએમઆઈ, બ્લડ પ્રેશર, આલ્કોહોલનો વપરાશ, ધૂમ્રપાન અને કોલેસ્ટરોલ લેવલ જેવા પરિબળો તેમજ કેન્સર અથવા હાર્ટ ડિસીઝના આધારે વ્યક્તિનું મોત એકાદ વર્ષમાં થશે કે કેમ તેની આગાહી કરતા હોય છે.
વિજ્ઞાનીઓએ ૧૮થી ૧૦૯ વર્ષ સુધીના ૪૪,૦૦૦થી વધુ લોકોનો અભ્યાસ કરીને ઈમ્યુનિટી, ગ્લુકોઝ કન્ટ્રોલ, શરીરમાં ચરબીનું ફરવું અને સોજા-દાહ સાથે સંકળાયેલા ૧૪ બાયોમાર્કર્સની ઓળખ કરી હતી. આ માર્કર્સ દ્વારા ૧૬ વર્ષ સુધી મોતના જોખમ વિશે ૮૩ ટકા સુધીની ચોકસાઈ સાથે આગાહી કરી શકાઈ હતી. બાયોમાર્કર્સની ટ્રાયલમાં જાણવા મળ્યું હતું કે કોઈ વ્યક્તિ બેથી ૧૬ વર્ષમાં મરી જવાનું જોખમ ધરાવે છે તેની આગાહી ૮૩ ટકા ચોકસાઈ સાથે કરી શકાય છે. આ બ્લડ ટેસ્ટની પદ્ધતિને કોઈ પેશન્ટમાં ઈન્ફેક્શન છે કે નહિ તે જાણવા જેવું સામાન્ય સ્વરુપ આપવાનું બાકી છે.
જર્મનીમાં મેક્સ પ્લાન્ક ઈન્સ્ટિટ્યૂટ ફોર બાયોલોજી ઓફ એજિંગના વિજ્ઞાનીઓએ ૧૮-૧૦૯ વયજૂથના હજારો પુખ્ત વ્યક્તિઓના લોહીની ચકાસણી કરી હતી. તેમાં ભાગ લેનારા તમામ યુરોપિયન મૂળના હતા. ફોલો-અપ અભ્યાસ ૨થી ૧૬ વર્ષનો રહ્યો હતો, જે દરમિયાન ૫,૫૧૨ વ્યક્તિનાં મોત થયાં હતાં. એક દિવસ આ પ્રકારના બ્લડ ટેસ્ટ પેશન્ટની સારવારમાં મદદરુપ બનશે તેવી વિજ્ઞાનીઓને આશા છે.

