લંડનઃ ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સ દ્વારા માઈગ્રેશન સંબંધિત ત્રિમાસિક રિપોર્ટ જાહેર કરાયો છે. રિપોર્ટ અનુસાર જૂન ૨૦૧૯માં સમાપ્ત થયેલાં એક વર્ષના ગાળામાં ૫૦૩,૦૦૦થી વધુ ભારતીયોએ યુકે માટે વિઝિટર વિઝા મેળવ્યા હતા. ગત વર્ષની સરખામણીએ આ સંખ્યા ૧૧ ટકાનો વધારો દર્શાવે છે. આંકડા દર્શાવે છે કે ૨૦૧૮માં તમામ દેશોને અપાયેલા યુકેના વિઝામાં ભારતીયો ચોથા ક્રમે હતા. તેમનાથી આગળ અમેરિકન, ચાઈનીઝ અને ઓસ્ટ્રેલિયન નાગરિકો હતા. મંજૂર કરાયેલા તમામ વિઝિટર વિઝામાં ભારતીય અને ચીની નાગરિકોનો હિસ્સો ૪૯ ટકા રહ્યો હતો.
યુકેમાં અભ્યાસ કરનારા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ ૪૨ ટકાનો નોંધપાત્ર ઉછાળો જોવામાં આવ્યો છે. વિઝિટર વિઝા ઉપરાંત, આશરે ૨૨,૦૦૦ ભારતીય નાગરિકોએ જૂન ૨૦૧૯માં સમાપ્ત એક વર્ષના ગાળા માટે ટિયર-૪ (અભ્યાસ) વિઝા મેળવ્યા હતા, જેની સંખ્યા ગયા વર્ષે આશરે ૧૫,૦૦૦ હતી. યુકેમાં અભ્યાસ કરતા ભારતીયોની સંખ્યા ત્રણ વર્ષમાં લગભગ બમણી થઈ છે અને ૨૦૧૧ પછી સૌથી વધુ છે. ૨૦૧૧માં તત્કાલીન હોમ સેક્રેટરી થેરેસા મેએ ભારતીય વિદ્યાર્થીઓ માટે આકર્ષણરુપ બે વર્ષના પોસ્ટ-સ્ટડી વર્ક વિઝા નાબૂદ કરતા બ્રિટન આવતા વિદ્યાર્થીઓની સંખ્યામાં ૫૫ ટકાનો ઘટાડો થયો હતો. ૨૦૧૦-૧૧માં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા ૫૧,૨૧૮ હતી જે ૨૦૧૧-૧૨માં ઘટીને ૨૨,૭૫૭ તેમજ ૨૦૧૭-૧૮માં વધુ ઘટીને ૧૫,૩૮૮ થઈ હતી.
બાકીના વિશ્વને સંયુક્તપણે અપાયેલા તમામ ટિયર-૨ (સ્કિલ્ડ વર્ક) વિઝા કરતાં પણ ભારતીય નાગરિકોને સૌથી વધુ ૫૨ ટકા કૌશલ્યપૂર્ય કાર્ય માટેના વિઝા મળતા રહ્યાં છે. ૫૬,૦૦૦થી વધુ ભારતીયોને સ્કિલ્ડ વર્ક વિઝા મળ્યા છે, જે ગત વર્ષની સરખામણીએ પાંચ ટકા વધુ છે અને કોઈ પણ દેશ કરતા સૌથી મોટો વધારો છે. અમેરિકાને મળેલા ટિયર-૨ વિઝાની સંખ્યા ૯,૬૯૩ હતી.
ભારતસ્થિત બ્રિટિશ હાઈ કમિશનર સર ડોમિનિક એસ્ક્વિથે જણાવ્યું હતું કે, વિઝાની સંખ્યામાં સતત થતો વધારો યુકે-ભારત સંબંધો માટે અદ્ભુત સમાચાર છે. યુકે વર્ક, અભ્યાસ અને વેકેશન સંદર્ભે ભારતીયો માટે આવકારપૂર્ણ સ્થળ રહ્યું છે. ઈંગ્લેન્ડ અને વેલ્સમાં ક્રિકેટ વર્લ્ડ કપને માણવા યુકે આવેલા ભારતીય પ્રશંસકોની સંખ્યા અમારી કલ્પના કરતાં પણ વધુ હોવાનું લાગે છે. ભવિષ્યમાં પણ વધુ ભારતીય પર્યટકો આવતા રહેશે તેવી મારી આશા છે. ભારતીયો જેટલા વધુ પ્રમાણમાં યુકેની મુલાકાત લે છે તેટલો બન્ને દેશ વચ્ચેનો જીવંત સેતુ મજબૂત બને છે.’
વડા પ્રધાન બોરિસ જ્હોન્સને યુકેને સાયન્સ સુપરપાવર બનાવવા નવા ફાસ્ટ ટ્રેક વિઝાની જાહેરાત કરી હતી, જેના મૂળ વર્તમાન ટિયર-૧ એક્સેપ્શનલ ટેલેન્ટ વિઝા રુટમાં રહેલાં છે. નવી યોજના હેઠળ લાયક વ્યક્તિઓને ત્રણ વર્ષના વિઝા મળશે. તેમના માટે લઘુતમ વેતનની કોઈ જરૂરિયાત નહિ રખાય તેમજ યુકે આવતા પહેલા તેમની પાસે નિશ્ચિત નોકરી હોવી જોઈએની શરત પણ રખાશે નહિ.

