માન્ચેસ્ટરમાં શાંતિદૂત ગાંધીજીની કાંસ્યપ્રતિમા સ્થાપવા પરવાનગી

Wednesday 28th August 2019 07:07 EDT
 
 

માન્ચેસ્ટરઃ મે ૨૦૧૭માં મ્યુઝિક કોન્સર્ટ દરમિયાન ત્રાસવાદી હુમલાનો શિકાર બનેલા માન્ચેસ્ટર શહેરમાં શાંતિદૂત મહાત્મા ગાંધીની કાંસ્યપ્રતિમા સ્થાપવાને માન્ચેસ્ટર સિટી કાઉન્સિલે પ્લાનિંગ એપ્રુવલ આપી દીધી છે. શિલ્પકાર રામ વી. સુથાર દ્વારા ઘડાયેલી નવ ફૂટ ઊંચાઈ અને ૮૦૦ કિલોગ્રામ વજનની પ્રતિમા શહેરમાં સૌથી પ્રાચીન ચેથામ્સ લાઈબ્રેરી જેવી ઈમારતો આવી છે તેવા લોકપ્રિય મેડિવિઅલ ક્વાર્ટરમાં માન્ચેસ્ટર કેથેડ્રલની બહાર સ્થાપિત કરવામાં આવશે. પ્રતિમાનું અનાવરણ ૨૫ નવેમ્બરે કરવામાં આવનાર છે.

ગાંધીપ્રતિમાનો પ્રોજેક્ટ મહાત્મા ગાંધીના આધ્યાત્મિક ગુરુ શ્રીમદ્ રાજચંદ્રનું નામ અપાયેલી ગુજરાતસ્થિત આધ્યાત્મિક સંસ્થા શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર (SRMD)ની યુકે શાખાની પહેલ છે. આ પ્રતિમા પ્રોજેક્ટનો ખર્ચ કામાણી પરિવાર દ્વારા તેમના દાદા ભાણજી ખાનજી કામાણી (૧૮૮૮-૧૯૭૯)ની સ્મૃતિમાં ઉઠાવાશે. આ પ્રોજેક્ટને માન્ચેસ્ટર કેથેડ્રલ, માન્ચેસ્ટર સિટી કાઉન્સિલ અને ભારતીય હાઈ કમિશન ઉપરાંત, સ્થાનિક વેપારીઓ તેમજ માન્ચેસ્ટર અને આસપાસના ધાર્મિક અને બિનધાર્મિક સંગઠનોના પ્રતિનિધિઓનો ટેકો મળશે.

SRMD UKના મંથન તાસવાલાએ જણાવ્યું હતું કે,‘ માન્ચેસ્ટર સિટી કાઉન્સિલની પ્લાનિંગ એપ્રુવલ મળવાથી અમે ખુશ છીએ. મહાત્મા ગાંધીએ જણાવ્યું હતું કે ‘વિશ્વમાં જે પરિવર્તન જોવા ઈચ્છો છો તેવો બદલાવ તમે ખુદ બનો’ તે ઉપદેશ આજે પણ એટલો જ પ્રસ્તુત છે. ૨૦૧૭ના એરીના હુમલા પછી, માન્ચેસ્ટરના અનોખા નાગરિક ગર્વમાં અહિંસા અને કરુણાના મૂલ્યો છલકાયાં હતાં. આ અભૂતપૂર્વ કરુણાંતિકાનો સામનો કરવા દરમિયાન માન્ચેસ્ટરના લોકોએ જે તાકાત, શાલીનતા અને કોમ્યુનિટીની એકતા દર્શાવી તેનાથી અમે પ્રેરણા પામ્યા છીએ. ગાંધીજીની પ્રતિમા તેમના સંદેશની સાર્વત્રિક તાકાતને પ્રસરાવશે. માન્ચેસ્ટરની આ પ્રતિમા પોતાના સંદેશાથી આપણા રાજકારણ અને લોકશાહીના હાર્દને આશીર્વાદ આપશે.’

ગાંધીજીએ ૧૯૩૧માં તેમની યુકે મુલાકાત દરમિયાન લંડનથી માન્ચેસ્ટર થઈને બ્લેકબર્નનો પ્રવાસ કરતી વેળાએ લેન્કેસાયરમાં ટેક્સ્ટાઈલ મિલ્સની મુલાકાત લીધી હતી. તેમણે બ્રિટિશ માલસામાનના બહિષ્કારની તેમના ઉદ્યોગને થતાં નુકસાન સંદર્ભે ભારતીય દૃષ્ટિકોણ સમજાવ્યો હતો.


comments powered by Disqus