રોમન શહેનશાહ જુલિયસ સીઝરનું એક વાક્ય અમર છેઃ Veni, vidi, vici એટલે કે ‘હું આવ્યો, મેં જોયું અને હું જિત્યો.’ બરાબર આ જ વાક્ય વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ફ્રાન્સના બિઆરિત્ઝમાં જી-૭ની શિખર પરિષદમાં ચરિતાર્થ કરી બતાવ્યું છે. પાકિસ્તાને કાશ્મીર અને આર્ટિકલ ૩૭૦ની નાબૂદી સંદર્ભે સમગ્ર વિશ્વમાં જે કાગારોળ મચાવી હતી તેના પછી આ બેઠકમાં અગ્રણી દેશો અને ખાસ તો અમેરિકાનું શું વલણ રહેશે તેના તરફ તમામની નજર હતી. જોકે, મોદીએ સમગ્ર હવાનો રુખ જ બદલી નાખ્યો. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે બેસીને તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે કાશ્મીર મુદ્દો દ્વિપક્ષીય હોવાથી ભારત અન્ય કોઈ દેશને કષ્ટ આપવામાં માનતું નથી.
કાશ્મીર વિવાદને એક મોટી સમસ્યા ગણાવીને ત્રણ ત્રણ વખત ભારત અને પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થી બનવાનો ઝંડો ઉપાડનારા ટ્રમ્પ એટલા સ્તબ્ધ બની ગયા હતા કે તેમણે પણ ગુલાંટ મારતા કહેવું પડ્યું કે કાશ્મીર મુદ્દો મોદીના સંપૂર્ણ નિયંત્રણમાં છે. આ મુદ્દો ભારત અને પાકિસ્તાન મંત્રણાથી ઉકેલશે તેવો આશાવાદ પણ ટ્રમ્પે વ્યક્ત કર્યો છે. કાશ્મીર મુદ્દે યુદ્ધના ખાંડા ખખડાવી રહેલા પાકિસ્તાની વડા પ્રધાન ઈમરાન ખાનને અમેરિકાના વલણથી ભારે નિરાશા ઉપજી હોય તે સ્વાભાવિક છે. મોદીએ કાશ્મીર સમસ્યાને સિફતથી બાજુએ રાખતા સ્પષ્ટ કર્યું છે કે ભારત અને પાકિસ્તાનની ઘણી મુશ્કેલીઓ એક સમાન છે. બંને દેશોએ સાથે મળીને ગરીબી, બેકારી, નિરક્ષરતા જેવા મુદ્દાઓ સામે લડવાની જરૂર છે.
જી-૭ની શિખર પરિષદના એજન્ડામાં કાશ્મીર મુદ્દો સામેલ કરાયો જ નહિ તે વડા પ્રધાન મોદીની વિદેશ યાત્રાઓ અને વિશ્વનેતાઓ સાથેના અંગત સંબંધોને આભારી ગણાવી શકાય. જી-૭ બેઠકના યજમાન ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોં, યુનાઇટેડ નેશન્સના સેક્રેટરી જનરલ ગુટરેઝ, બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જ્હોન્સન, જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલ, જાપાનના વડા પ્રધાન શિન્ઝો આબે સહિતના નેતાઓ સાથે પણ મંત્રણા કરી મોદીએ ભારતનો દૃષ્ટિકોણ સમજાવ્યો છે.
ભારતે મુત્સદ્દીગીરીના મામલે પાકિસ્તાનને દરેક મોરચે મહાત આપી છે. યુરોપિયન યુનિયન હોય કે ઈસ્લામિક ઓર્ગેનાઇઝેશન હોય કે મધ્યપૂર્વીય દેશો હોય, આ તમામે કાશ્મીર મુદ્દે ભારતે કાંઈ ખોટું કર્યું હોય તેમ જણાવ્યું નથી. આ સંદર્ભે એ ઉલ્લેખ પણ આવશ્યક ગણાય કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને યુએઈના સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ઓર્ડર ઓફ ઝાયદ’ તેમ જ બહેરીનના ‘ધ કિંગ હમાદ ઓર્ડર ઓફ ધ રેનેસાં’થી સન્માનિત કરાયા છે, જે કોઈ પણ ભારતીય વડા પ્રધાનને અપાયેલું પ્રથમ સન્માન છે. જોકે, ઇમરાન મિયાં આંતરરાષ્ટ્રીય પછડાટ પછી પણ ટંગડી ઊંચી રાખીને બેઠા છે. તેમણે કાશ્મીર મામલે અમે કોઇ પણ હદ સુધી જવા તૈયાર છીએ અને જ્યાં સુધી કાશ્મીર આઝાદ નહીં થાય ત્યાં સુધી સાથ આપતા રહીશુંનો રાગ પુનઃ આલાપ્યો છે. આનાથી આગળ વધીને પરમાણુ હુમલાની ખુલ્લેઆમ ધમકી પણ આપી છે.
વડા પ્રધાન મોદીએ સ્વાતંત્ર્ય પર્વે લાલ કિલ્લા પરથી સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ સહિતના મુદ્દે જે પ્રતિબદ્ધતા દાખવી હતી તેનું પુનરાવર્તન જી-૭ બેઠકમાં પણ કર્યું છે. તેમણે ક્લાઇમેટ ચેન્જનાં સત્રને સંબોધનમાં કાર્બન ઉત્સર્જન ઘટાડવા ઉપરાંત પર્યાવરણને હાનિકારક પરિબળોનો નાશ કરવા અપીલ કરી હતી. સાથોસાથ જળવાયુ પરિવર્તન સમસ્યાનો સામનો કરવા ભારતે બાયોડાઇવર્સિટી, જળસંગ્રહ અને દરિયામાં પ્રદૂષણ દૂર કરવા સહિત જે પગલાં લીધાં છે તેની માહિતી આપી હતી.
