લંડનઃ સ્ત્રીઓનાં ફેશનેબલ લેગિંગ્સ પર હિન્દુઓના પૂજ્ય દેવતા ગણેશ ભગવાન અને પવિત્ર ‘ઓમ’ અક્ષર છાપવાથી રોષિત હિન્દુ લોકોએ લંડનના ઓનલાઈન લેડિઝ ફેશન સ્ટોર AMiCAFOXને તત્કાળ અસરથી ફેશન લેગિંગ્સ પાછા ખેંચી લેવા અને માફી માગવા જણાવ્યું છે. હિન્દુ દેવતાના ચિત્રનો આવો ઉપયોગ અનુચિત ગણાવાયો છે.
યુનિવર્સલ સોસાયટી ઓફ હિન્દુઈઝમના પ્રમુખ રાજન ઝેડે નેવાડાથી નિવેદન આપતા જણાવ્યું હતું કે ડહાપણમાં શ્રેષ્ઠ અને વિઘ્નો દૂર કરનારા ભગવાન ગણેશ હિન્દુઈઝમમાં સૌપ્રથમ પૂજા કરાતા પૂજ્ય દેવ છે. કોઈ પણ શુભ કાર્ય પહેલા તેમનું આવાહન કરાય છે. તેમનું સ્થાન મંદિરો અથવા ઘરમંદિરમાં પૂજા કરવા માટે છે, કોઈના પગ પર મૂકાવા માટે નહિ. ‘ઓમ’ શબ્દમાં સમગ્ર બ્રહ્માંડ સમાઈ જાય છે.
કરોડો હિન્દુ ભક્તોની લાગણી દુભાતી હોવાથી હિન્દુ દેવતાઓ, વિચારો અથવા પવિત્ર પ્રતીકોનો ઉપયોગ વાણિજ્યિક અથવા અન્ય હેતુસર કરવો અયોગ્ય હોવાનું તેમણે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે હિન્દુ ધર્મ સમૃદ્ધ ફિલોસોફિકલ વિચારો સાથે વિશ્વમાં સૌથી પ્રાચીન અને ત્રીજા ક્રમનો સૌથી મોટો ધર્મ છે. વિશ્વમાં આશરે ૧.૧ બિલિયન અનુયાયીઓ તેને અનુસરે છે, જેને મજાકમાં લેવો ન જોઈએ. નાના કે મોટા, કોઈ પણ ધર્મના પ્રતીકો સાથે ખરાબ વ્યવહાર કરવો ન જોઈએ.
હિન્દુ અગ્રણી ઝેડે ફેશન સ્ટોર AmiCAFOXઅને તેના સીઈઓને તેમની વેબસાઈટ અને અન્ય રીસેલર્સ વેબસાઈટ્સ પરથી ‘ઓમ ગણેશા લેગિંગ્સ’ તત્કાળ અસરથી પાછા ખેંચવા તેમજ સત્તાવાર માફી માગવા જણાવ્યું છે. હિન્દુઓના દેવતાઓ અને પવિત્ર પ્રતીકોની આવી ખરાબ મશ્કરીએ વિશ્વભરના હિન્દુઓમાં રોષ ફેલાવ્યો છે. હિન્દુઓ વાણી અને કળાની મુક્ત અભિવ્યક્તિની હિમાયત કરે છે પરંતુ, આસ્થા પવિત્ર બાબત છે જેની સાથે છેડછાડ ચલાવી શકાય નહિ.
મોડેલ એમિલી જેન બેટરિજે તેની મિત્ર બિઆન્કા નાવારા સાથે મળી ૨૦૧૪માં કલોધિંગ બ્રાન્ડ AMiCAFOX ની શરૂઆત કરી હતી. તેની પ્રોડક્ટ્સમાં લેડિઝ ફેશન/ ફિટનેસ લેગિંગ્સ અને શરીરને ચોંટતા ડ્રેસીસનો સમાવેશ થાય છે. ફિટનેસ લેગિંગ્સ રીસાઈકલ્ડ પ્લાસ્ટિક બોટલ્સમાંથી બનાવાતાં હોવાનો તેમનો દાવો છે. AMiCAFOX દ્વારા જણાવાયું છે કે તેના ૩૦ પાઉન્ડની કિંમતના ઓમ ગણેશા પ્રિન્ટ લેગિંગ્સ હિન્દુ દેવતા ગણેશજીથી પ્રેરિત છે.

