લંડનઃ વિશ્વના ૧૨ દેશમાં વેચાતા બ્રેડ, સીરિયલ્સ અને સ્નેક્સની સમીક્ષામાં યુકે અને યુએસ સૌથી આરોગ્યપ્રદ પેકેજ્ડ ફૂડ ધરાવતા દેશો છે. ઓક્સફર્ડ યુનિવર્સિટીના નિષ્ણાતો દ્વારા કરાયેલી સમીક્ષામાં યુકેને પાંચમાંથી ૨.૮૩ અને યુએસને ૨.૮૨ પોઈન્ટ મળ્યા છે. ભારત, ચીન અને ચિલીની અભરાઈઓ સૌથી બિનઆરોગ્યપ્રદ પેકેજ્ડ ઉત્પાદનોથી ભરેલી રહે છે. આમ છતાં, નિષ્ણાતો તો કહે જ છે કે બ્રિટિશરો તેમના આહારની પસંદગીથી પોતાની જાતને નુકસાન જ કરે છે.
નિષ્ણાતોએ યુકે, યુએસ, સ્લોવેનિઆ, ભારત, ચીન, ચિલી, મેક્સિકો, ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા, ન્યૂ ઝીલેન્ડ, કેનેડા અને હોંગ કોંગ સહિત ૧૨ દેશની અભરાઈઓ પર આહાર અને ડ્રિન્ક્સની મૂકાતી ૪૦૦,૦૦૦થી વધુ પ્રોડક્ટ્સના પોષણમૂલ્યનો અભ્યાસ કર્યો હતો. આ દેશોને બ્રેડ્સ, સીરીઅલ્સ (અનાજ), પીણાં અને વિવિધ નાસ્તા સહિતની કેટેગરીઝમાં ફાઈવ સ્ટાર રેટિંગ્સ અપાયા હતા. આ સમીક્ષા ‘ઓબેસિટી રીવ્યૂઝ’ જર્નલમાં પ્રસિદ્ધ કરાઈ હતી. યુકેમાં પેકબંધ ફૂડ અને ડ્રિન્ક્સને સરેરાશ સૌથી વધુ ૨.૮૩નું રેટિંગ મળ્યું હતું. આ પછી, યુએસને ૨.૮૨ અને ઓસ્ટ્રેલિયાને ૨.૮૧નું રેટિંગ અપાયું હતું. ભારતને સૌથી ઓછું ૨.૨૭નું રેટિંગ મળ્યું છે જ્યારે ચીનને ૨.૪૩ અને ચિલીને ૨.૪૪ રેટિંગ્સ મળ્યાં હતાં.
યુકેના પેકેજ્ડ ફૂડમાં ખાંડનું સૌથી ઓછું લેવલ (૩.૫ ગ્રામ/૧૦૦ ગ્રામ), પીણામાં (૭.૨ ગ્રામ/૧૦૦ ગ્રામ) અને સંયુક્તપણે (૩.૮ ગ્રામ/૧૦૦ ગ્રામ) જોવા મળ્યું છે. ચીનમાં આ લેવલ (૮.૩ ગ્રામ/૧૦૦ ગ્રામ)નું રહ્યું હતું. ભારતમાં પેકેજ્ડ ફૂડમાં ખાંડનું સંયુક્ત લેવલ (૬.૧ ગ્રામ/૧૦૦ ગ્રામ)નું જણાયું છે. ભારતમાં પેકબંધ આહારમાં મીઠાંનું સૌથી વધુ પ્રમાણ (૩૩૫.૦૫ મિ.ગ્રા/૧૦૦ ગ્રા.) છે જેની સામે યુકેમાં આ પ્રમાણ (૨૪૦ મિ.ગ્રા/૧૦૦ ગ્રા.), ચીનમાં (૨૫૦ મિ.ગ્રા/૧૦૦ ગ્રા.), યુએસમાં (૩૦૩.૫૭ મિ.ગ્રા/૧૦૦ ગ્રા.) છે.
લાન્સેટ મેડિકલ જર્નલમાં પ્રસિદ્ધ તાજેતરના અભ્યાસ અનુસાર બ્રિટનમાં દર વર્ષે નબળાં આહારના પરિણામે આશરે ૯૦,૦૦૦ મોત થાય છે. યુકેમાં દર છમાંથી એક મોત બિનઆરોગ્યપ્રદ આહાર સાથે સંકળાયેલ હોવાનું પણ અભ્યાસે જણાવ્યું હતું.

