શાળાના ૮૮ બાળકોનું વિક્રમસર્જક પિયાનોવાદન

Saturday 31st August 2019 07:04 EDT
 
 

બર્મિંગહામઃ રેનેસાં આર્ટિસ્ટ અને શોધક લિઓનાર્દો દ વિન્સીના મૃત્યુને ૫૦૦ વર્ષ થવાની ઉજવણી નિમિત્તે શાળાના ૮૮ વિદ્યાર્થીએ એક સાથે એક જ પિયાનો વગાડવાનો અનોખો વિક્રમ સર્જ્યો હતો. તેમની ધીરજ અને સર્જનાત્મકતાએ ૬૭ બાળકોની ભારે સરસાઈથી વર્તમાન વિક્રમ તોડી નાખ્યો છે.

યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજના એન્જિનીઅર્સ દ્વારા ઉભા કરાયેલા ‘88 Pianists’ પ્રોજેક્ટમાં શાળાના બાળકોને એવા સાધનની કલ્પના કરવા જણાવાયું હતું જેમાં ૮૮ બાળકો એક સાથે પિયાનોની એક એક ચાવી સુધી પહોંચી શકે. ૬-૧૪ વયજૂથના બાળકોએ બર્મિંગહામ ઈન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર ખાતે કમ્પોઝર માર્ટિન રેલેએ ખાસ તૈયાર કરેલ રચનાને વગાડી હતી. ૮૮ પિયાનોવાદકને સાત સેક્શનમાં વહેંચી દેવાયા હતા અને દરેક સેક્શનમાં વાદકોએ અલગ રંગની જર્સી પહેરી હતી. કેટલાક વાદકો પિયાનોથી સાત મીટર દૂર ઉભા રહી કળ દબાવી શકે તેમ કરાયું હતું.

કેમ્બ્રિજ ઉપરાંત, લિવરપૂલ, બ્રિસ્ટોલ અને શેફિલ્ડ સહિત નવ યુનિવર્સિટીના ઈજનેરો પણ આ પ્રોજેક્ટમાં જોડાયા હતા. ઈજનેરોએ રેકોર્ડ તોડવા ૨૫૦૦ આઈડિયામાંથી ૮૮ શોધની પસંદગી કરી હતી. રોયલ બર્મિંગહામ કન્ઝર્વેટરીના પ્રિન્સિપાલ સેલિસ્ટ (સેલોવાદક) જુલિયન લોઈડ વેબર દ્વારા રેકોર્ડની ચકાસણી કરાઈ હતી અને પિયાનોની તમામ ૮૮ કળ સત્તાવારપણે વગાડાઈ હોવાનું તેમણે સમર્થન પણ આપ્યું હતું. પ્રોફેસર વેબરે આ પિયાનોવાદનને એન્જિનીઅરિંગ અને સંગીત વચ્ચેના સુભગ સમન્વય સમાન ગણાવ્યું હતું. યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજના પ્રોજેક્ટ ક્રીએટર પ્રોફેસર જુલિયન ઓલવૂડે આ પ્રોજેક્ટને સર્જનાત્મક કળાઓ અને ટેકનોલોજી વચ્ચે વ્યાપક કલ્પનાની ખોજ કરવા સમાન ગણાવ્યો હતો. આ પ્રોજેક્ટના ડિઝાઈનિંગથી પરિપૂર્ણતા સુધી બાળકોની સિદ્ધિ અનેરી રહી હતી, જેણે ઓડિયન્સને અવાચક બનાવી દીધું હતું.


comments powered by Disqus